જામનગરમાં દિ.પ્લોટ ૪૯ મેઇન રોડ પર ગઇકાલે એક યુવાનની સરાજાહેર ઘાતકી હત્યા નિપજાવવાના પ્રકરણમાં પોલીસે આરોપીને પકડી પાડયો છે અને તેની વધુ પુછપરછ હાથ ધરી છે.
શંકરટેકરી વિસ્તારમાં રહેતા મામા ફઇના દિકરા વચ્ચે મનદુ:ખ ચાલતુ હોય જેમાં ગઇકાલે ખુની ખેલ ખેલાયો હતો અને એક યુવાનનું ઢીમ ઢાળી દેવામાં આવતા ભારે ચકચાર મચી ગઇ હતી, પોલીસ ટુકડી સ્થળ પર દોડી ગઇ હતી અને નાશી ગયેલા આરોપીને શોધવા માટે ચક્રો ગતીમાન કર્યા હતા, આ બનાવ અંગે શંકરટેકરી પાણીના ટાંકા પાસે રહેતા રીક્ષા ડ્રાઇવીંગ કરતા જગદીશ નાનજીભાઇ ચાવડા (ઉ.વ.૫૦)એ સીટી-સી ડીવીઝનમાં શંકરટેકરીમાં રહેતા દિલીપ રમેશભાઇ ચૌહાણ નામના શખ્સ સામે બીએનએસ કલમ ૧૦૩(૧) તથા જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી.
જેમાં જણાવ્યુ હતું કે ફરીયાદીના પુત્ર જીતેન્દ્ર ઉર્ફે જયલો ટકોએ આરોપી દિલીપ ચૌહાણની પત્નીને ઘરમાં બેસાડેલ હોય જેનુ મનદુ:ખ રાખીને ગઇકાલે ૪૯ રોડ પાસે આરોપી છરી વડે ઘસી આવ્યો હતો અને જીતેન્દ્ર ઉર્ફે જયલો ચાવડાની ઉપર હુમલો કર્યો હતો, મોઢા, ગરદન અને દાઢીના ભાગે છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધુ હતું.
આ ફરીયાદના આધારે સીટી-સી પીઆઇ એન.બી. ડાભી અને સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને આરોપી દિલીપ ચૌહાણને અટકાયતમાં લેવામાં આવ્યો છે અને તેની પુછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.