BREAKING NEWS

રાજકોટમાં લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલાયો: પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને રાજસ્થાનથી દબોચ્યા

  • October 15, 2026 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના આજી જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ‘તન્વી એક્સ્પોર્ટ ઇન્ડિયા લિમિટેડ’ નામના રિફાઇનરી યુનિટ બહાર બનેલી સનસનાટીભરી લૂંટ વિથ મર્ડરની ઘટનાનો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ સફળતાપૂર્વક ભેદ ઉકેલી નાખ્યો છે. 14 ઓક્ટોબરના રોજ રાત્રે 8:15 વાગ્યાના સુમારે કારમાં આવેલા ચાર શખ્સોએ તન્વી ગોલ્ડના કર્મચારી પર ગોળીબાર કરી રૂ.1.53 કરોડના સોના-ચાંદીના દાગીના ભરેલો થેલો લૂંટીને ફરાર થઈ ગયા હતા.

પોલીસ તપાસમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે કે તન્વી ગોલ્ડ એન્ટરપ્રાઇઝના પોતાના જ એક કર્મચારીએ આ લૂંટ માટેની ગુપ્ત ટીપ લૂંટારૂઓને આપી હતી. આ ઘટનામાં પરપ્રાંતિય શખ્સોની ગેંગ સામેલ હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્વરિત કામગીરી કરીને રાજસ્થાનના ઉદયપુરમાંથી લૂંટારૂ ગેંગને ઝડપી પાડી છે. પોલીસે મુખ્ય 4 લૂંટારૂઓ સહિત ઘટનામાં મદદગારી કરનારા કુલ 9 શખ્સોની ધરપકડ કરી લીધી છે તેમજ લૂંટાયેલો તમામ મુદ્દામાલ પણ સફળતાપૂર્વક રિકવર કરી લીધો છે.

આજી વસાહત વિસ્તારમાંથી પસાર થઈ રહેલા તન્વી ગોલ્ડના કર્મચારી લાલજીભાઈ સરધારાને લૂંટારૂઓએ છાતીના ભાગે ગોળી મારી દીધી હતી. ગંભીર રીતે ઘવાયેલા લાલજીભાઈનું ટૂંકી સારવારના અંતે કરૂણ મોત નિપજ્યું હતું. આ સમગ્ર દર્દનાક ઘટનાના નવા સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે. પકડાયેલા તમામ આરોપીઓને સાંજ સુધીમાં રાજકોટ લાવવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

લુંટ વીથ મર્ડરની આ ઘટનાના પગલે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલિક, ડીસીપી ક્રાઈમ જગદિશ બાંગરવા, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ સહિતનાં ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. લૂંટારૂઓને ઝડપી લેવા ક્રાઇમ બ્રાંચ, એલસીબી સહિતની અલગ અલગ ટીમોએ વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે. લૂંટારૂઓ કાર લઇ રાજકોટ અમદાવાદ હાઇવે તરફ નાસી ગયા હોય પોલીસે હાઇવે પરના સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારૂ ટોળકીના સગડ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

બનાવ અંગે બીપીનભાઇ ગોરધનભાઇ વીરડીયા(ઉ.વ.૫૨ રહે. ગોવર્ધન મકાન સાધના સોસાયટી શેરી નં.૦૧/૦૪ નો ખુણો સહકાર મેઇન રોડ) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ આજી જી.આઈ.ડી.સી. મેઇન રોડ બાવીશી વે-બ્રિજ સામે તન્વિ એક્ષપોર્ટ ઇન્ડીયા લીમીટેડ નામની સોના ચાંદીની મેન્યુફેક્ચરીંગ પેઢી અન્ય ભાગીદારો સાથે છેલ્લા ત્રણેક વર્ષથી ભાગીદારીમા ચલાવી સોના-ચાંદીના તૈયાર ઘરેણા ઓલ-ઇન્ડિયામા અલગ અલગ જગ્યાએ વેચાણ કરે છે. તન્વિ એક્ષપોર્ટથી આશરે ચાલીશ મિટરના અંતરમા તેમની રીફાઇનરી આવેલી છે. રીફાનરીમા સોના-ચાંદીનુ રીફાઇન થયા બાદ કોઇ અંગત માણસ સાથે કંપનીમા કામ કરતા સિક્યુરીટી ગાર્ડ સાથે મોકલી જ્વેલરી બનાવતા યુગ બિલ્ડીંગ ખાતે આપ-લે કરે છે.

​ગઇકાલના રાત્રીના સવા આઠેક વાગ્યાની આસપાસ ફરિયાદી તથા કિશોરભાઇ હાપલીયા કોટેચા ચોક પાસે હતા ત્યારે અન્ય ભાગીદાર મયુરભાઇ લીંબાસીયાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, કંપનીમા કામ કરતા લાલજીભાઇ સરધારા ઉપર રીફાઈનરી પાસે ફાયરિંગ થયું છે અને આશરે દોઢેક કરોડના સોના- ચાંદીના માલની લૂંટ થઇ છે અને અત્યારે લાલજીભાઇ સરધારાની મધુરમ હોસ્પીટલમાં સારવાર ચાલુ છે તેવી વાત કરતા ફરિયાદી અને કિશોરભાઇ મધુરમ હોસ્પિટલ ગયા હતા અને ત્યારે હોસ્પીટલમાં બિજા ભાગીદારો પણ હાજર હતા અને ત્યારે લાલજીભાઇની ઇમરજન્સી રૂમમા સારવાર ચાલુ હતી અને ત્યારે ત્યાં હાજર ભાગીદાર રાજભાઇ અશોકભાઇ ભાલારાએ વાત કરી હતી કે, સાંજના સવા સાતેક વાગ્યાના અરસામા રિફાઇનરી ખાતે કામ કરતા વર્કર બાબુભાઇ બચુભાઇ કાકડીયાનો તુષારભાઈ વલ્લભભાઇ સાવલિયાને ફોન આવ્યો હતો અને વાત કરી હતી કે, પંદરેક મિનીટ બાદ કોઇ માણસને રીફાઇનરી ખાતે મોકલો રિફાઇન સોનાના અલગ અલગ વજનના ઢાળીયા જેનુ વજન આશરે ૯૪૬ ગ્રામ કિ.રૂ. આશરે ૧,૪૮,૯૦,૦૦૦ તથા રિફાઇન ચાંદીનો ડસ્ટ પાવડરની પ્લાસ્ટીકની કોથળી વજન આશરે ૨(બે) કીલો જેની કિ.રૂ. આશરે ૪,૩૦,૦૦૦ મળી કુલ રિફાઇન સોના-ચાંદીની કુલ કિ.રૂ. ૧,૫૩,૨૦,૦૦૦ નો સોના ચાંદીનો માલ તૈયાર થયો છે.

બાદમાં આશરે સાડા સાતેક વાગ્યાના અરસામા તુષારભાઇ સાવલીયાએ ભાગીદાર હરેશભાઇ સરધારાના ભાઇજીના દિકરા લાલજીભાઇ લવજીભાઇ સરધારાને કંપની ખાતેથી સિક્યુરીટી ગાર્ડ બાવનજી બાબુજી પઢીયાર સાથે એક્ટિવા લઇને રીફાઇનરી ખાતે મોકલ્યા હતા બાદ સાંજના આઠેક વાગ્યાના અરસામા રાજભાઇ ભાલારા અને મયુરભાઇ લીંબાસીયા ઓફિસમાં બેઠા હતા તે વખતે મયુરભાઇ લિંબાસીયાને હિતેષભાઇ સરધારાનો ફોન આવ્યો હતો કે લાલાભાઇ(લાલજીભાઇ સરધારા) ઉપર રીફાઇનરી ખાતે ફાયરિંગ થયુ છે તેવુ કહેતા તુરંત જ રાજભાઇ ભાલારા અને મયુરભાઇ લીંબાસીયા રીફાઇનરી ખાતે ગયા હતા અને ત્યા લાલજીભાઇ સરધારા રોડની સાઇડ પર ઢળી ગયા હાલતમા હતા અને મયુરભાઇ લિંબાસિયા અને હિતેષભાઈ સરધારા તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે મધુરમ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યારે સિકયુરીટી ગાર્ડ બાવનજી પઢીયારે વાત કરી હતી કે લાલજીભાઇ સોના-ચાંદીનુ બેગ લઇને રિફાઇનરીના ગેઇટ બહાર નિકળેલ ત્યારે બે અજાણ્યા માણસો લાલજીભાઇ સાથે ઝપાઝપી કરતા હોય ત્યારે સિક્યુરીટી ગાર્ડ તે દોડીને લાલજીભાઈને બચાવવા જતા તેમાથી એક અજાણ્યા માણસ જેને સફેદ કલરનો શર્ટ પહેર્યો હતો તેને પોતાની પાસેથી હથીયાર કાઢી લાલજીભાઈ ઉપર ફાયરિંગ કરતા લાલજીભાઇ નીચે પડી જતા લાલજીભાઇ પાસે રહેલ થેલો લૂંટીને બન્ને શખસો મરૂન કલરની ટાટા કંપની ટીગોર કારમા બેસી ગયેલ અને ત્યારે કારમાં જોતા બીજા બે અજાણ્યા માણસો પણ બેઠા હતા અને તેઓ તે ગાડી હંકારી ભાગી ગયા હતા. બાદમાં ચાલુ સારવાર દરમિયાન લાલજીભાઇ સરધારાનુ મધુરમ હોસ્પીટલમાં ટૂંકી સારવાર બાદ મોત થયું હતું.

​જેથી લાલજીભાઇ લવજીભાઇ સરધાર અમારી રિફાઇનરીમાંથી સોનાના અલગ અલગ વજનના ઢાળીયા કિં.રૂ. ૧,૪૮,૯૦,૦૦૦ તથા ચાંદીનો ડસ્ટ પાવડર કિ.રૂ. આશરે ૪,૩૦,૦૦૦ મળી કુલ રિફાઇન સોના-ચાંદીની કુલ કિ.રૂ.૧,૫૩,૨૦,૦૦૦ નો સોના-ચાંદીનો માલ થેલામાં રાખી બહાર નિકળેલ ત્યારે બે અજાણ્યા માણસો લાલજીભાઈ પાસે રહેલ સોના ચાંદી ભરેલો થેલો છીનવતા લાલજીભાઇ તથા સિક્યુરીટી ગાર્ડ બાવનજી બાબુજી પઢીયારએ પ્રતીકાર કરતા તેમાંથી એક અજાણ્યા માણસ જેણે સફેદ કલરનો શર્ટ પહેરેલ તેણે પોતાની પાસેથી હથીયાર કાઢી લાલજીભાઇ ઉપર ફાયરિંગ કરી લૂંટ ચલાવી હતી. જે ફરિયાદના આધારે થોરાળા પોલીસ મથકના પીઆઇ એસ.પ.સોઢાની રાહબરીમાં પોલીસે ગુનો દાખલ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application