શહેરના કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલમાં ગુજરાતી સુપરહિટ ફિલ્મ ‘લાલો’ ની પ્રમોશન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફિલ્મના અભિનેતા, ડાયરેક્ટર પ્રોડ્યુસર સહિતની કાસ્ટને પ્રમોશન માટે બોલાવી હતી. પોલીસની કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર અહીં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ જતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગે ક્રિસ્ટલ મોલના મેનેજર સીમર વીસાણી વિરૂધ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.

લાલોના કલાકારને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતાં
જાણવા મળતી વિગતો મુજબ, શહેરના કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલમાં ગઈકાલે સાંજના સમયે ગુજરાતી ફિલ્મ ‘લાલો’ ની પ્રમોશન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ઇવેન્ટમાં ફિલ્મના કલાકાર, ડાયરેકટર, પ્રોડ્યુસર અને કાસ્ટને બોલાવવામાં આવી હતી. અહીં ક્રિસ્ટલ મોલના ગ્રાઉન્ડ ફ્લોરમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સુપરહિટ ગુજરાતી ફિલ્મ લાલોના કલાકારને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતાં, બાદમાં ભીડ બેકાબૂ બની હતી અને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે અંગેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરવા લાગ્યા હતા.

કાર્યક્રમને લઈ પોલીસની કોઈ મંજૂરી લેવામાં આવી ન હોવાનુ માલુમ પડ્યું
ઘટનાને પગલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એન.પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.વી.ચાવડાની રાહબરીમાં કોન્સ્ટેબલ વનરાજભાઈ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ તાકીદે ક્રિસ્ટલ મોલે પહોંચ્યો હતો. અહીં આવી જોતા મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ હોય પોલીસે સ્થિતિ કાબુમાં લીધા બાદ અહીં હાજર ક્રિસ્ટલ મોલના મેનેજર સમીર વિસાણીને પ્રમોશન ઇવેન્ટ બાબતે પૂછતા તેના દ્વારા અહીં ગ્રાઉન્ડ ફ્લોરમાં ફિલ્મ પ્રમોશન ઇવેન્ટ માટેના આ કાર્યક્રમને લઈ પોલીસની કોઈ મંજૂરી લેવામાં આવી ન હોવાનુ માલુમ પડ્યું હતું. જેથી પોલીસે મોલના મેનેજર સમીર રામજીભાઈ વિસાણી (ઉ.વ. 37 રહે. 901 સવંત સર્ફેસ, રૈયા રોડ, રાજકોટ) કાર્યવાહી કરી હતી.
