BREAKING NEWS

મોંઘવારીનો વધુ એક ઝટકો: અમદાવાદમાં અદાણી CNGમાં 1 કિલોએ 2 રૂપિયાનો વધારો ઝીંકાયો, જાણો નવો ભાવ

  • July 19, 2026 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સામાન્ય જનતા અને મધ્યમ વર્ગના પરિવારો પર મોંઘવારીનો વધુ એક મોટો બોજ આવી પડ્યો છે. ગ્લોબલ એનર્જી માર્કેટમાં ક્રૂડ ઓઈલ અને ગેસની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં થયેલા અચાનક ઉછાળાને પગલે સરકારી ઓઈલ કંપનીઓએ મોટો નિર્ણય લીધો છે. કંપનીઓ દ્વારા દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ત્રણ રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ઇંધણના ભાવમાં થયેલા આ અચાનક વધારાથી વાહનચાલકોના ખિસ્સા પર સીધી અસર પડશે. આ આંચકાની વચ્ચે જ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના વાહનચાલકો માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે, જેમાં અદાણી ગેસ દ્વારા પણ સીએનજી (CNG) ના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે.


મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ તો ક્યારનાય 100 રૂપિયાની આસપાસ પહોંચી ગયા છે, જેના કારણે મધ્યમ વર્ગના વાહનચાલકો માટે સીએનજી એકમાત્ર આશીર્વાદ સમાન અને આર્થિક રીતે પરવડે તેવો વિકલ્પ ગણાતો હતો. જો કે, હવે સીએનજી ગેસ વાપરવો પણ મોંઘોદાટ બન્યો છે. અદાણી ગેસ દ્વારા આજે સીએનજીની કિંમતમાં પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો અમલી બનાવી દેવામાં આવ્યો છે. આ આકરા વધારા બાદ હવે અમદાવાદમાં અદાણી સીએનજીનો નવો ભાવ પ્રતિ કિલો 90.02 રૂપિયાની ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયો છે. આમ, પેટ્રોલ-ડીઝલની જેમ હવે સીએનજી કાર અને રીક્ષા ચલાવવી પણ સામાન્ય લોકોના બજેટની બહાર જઈ રહી છે.


ચીજવસ્તુઓ મોંઘી થવાની આશંકા

દેશના તમામ મુખ્ય મહાનગરોમાં પેટ્રોલ, ડીઝલ અને હવે સીએનજીના ભાવ પણ જે રીતે ભડકે બળી રહ્યા છે, તેને જોતા બજારના નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ઇંધણના દરમાં આટલો મોટો વધારો થવાના કારણે આગામી દિવસોમાં ટ્રાન્સપોર્ટેશન અને માલસામાનની હેરફેરનો ખર્ચ નોંધપાત્ર રીતે વધી જશે. પરિવહન ખર્ચ વધવાની સીધી અસર શાકભાજી, દૂધ અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓ પર પડશે અને તે વધુ મોંઘી થવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. મોંઘવારીના આ નવા રાઉન્ડે સામાન્ય નાગરિકોની ચિંતામાં ધરખમ વધારો કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News