અદાણી ગ્રુપે ગઈકાલે ગુજરાતના ખાવડા ખાતે 1126 મેગાવોટ/3530 મેગાવોટઆવર પ્રોજેક્ટ સાથે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ (બેસ) બિઝનેસમાં પ્રવેશની જાહેરાત કરી, જે વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કનું સ્થળ છે. માર્ચ સુધીમાં કાર્યરત થવાનું લક્ષ્ય ધરાવતો આ પ્રોજેક્ટ ભારતનો સૌથી મોટો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન બેસ ડિપ્લોયમેન્ટ હશે, જેમાં 700થી વધુ બેસ કન્ટેનરનો સમાવેશ થશે. અદ્યતન લિથિયમ-આયર્ન બેટરી ટેકનોલોજી પર આધારિત આ સ્ટોરેજ સિસ્ટમ લગભગ ત્રણ કલાક માટે 1126 મેગાવોટ વીજળી પહોંચાડવામાં સક્ષમ હશે, જે ગ્રીડને સ્થિર કરવામાં, પીક લોડનું સંચાલન કરવામાં અને ચોવીસ કલાક નવીનીકરણીય ઉર્જા પુરવઠાને ટેકો આપવામાં મદદ કરશે. અદાણી ગ્રુપ આ પ્રોજેક્ટમાં કેટલું રોકાણ કરશે તેનો ખુલાસો કર્યો નથી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે 2023-2026ના ચોક્કસ સમયગાળા માટે બેસની સ્થાપના માટે પ્રતિ મેગાવોટ કલાક રૂ.2.20 કરોડ અને રૂ.2.40 કરોડની વચ્ચે હોઈ શકે છે. જોકે, ટેન્ડર, સબસિડી અને ઉપયોગમાં લેવાતી ટેકનોલોજીના પ્રકારને કારણે પ્રોજેક્ટ-વિશિષ્ટ ખર્ચ આ અંદાજ કરતા ઓછો હોઈ શકે છે. આથી, અદાણી ગ્રુપ બેસની 3530 મેગાવોટઆવર ક્ષમતા સ્થાપિત કરવા માટે રૂ.10,000 કરોડ સુધીનો ખર્ચ કરી શકે છે.
આ પ્રોજેક્ટ અમલીકરણના અદ્યતન તબક્કામાં છે અને કામગીરી અને વિશ્વસનીયતા વધારવા માટે અત્યાધુનિક ઉર્જા વ્યવસ્થાપન પ્રણાલીઓને એકિકૃત કરશે."આ ઐતિહાસિક પ્રોજેક્ટ ભારતના સ્વચ્છ ઉર્જા સંક્રમણમાં એક મોટી છલાંગ દર્શાવે છે, અદાણી ગ્રુપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ સિસ્ટમ ટ્રાન્સમિશન ભીડ ઘટાડવામાં, પીક લોડ પ્રેશર ઘટાડવામાં અને સૌર કર્ટેલમેન્ટ ઘટાડવામાં મદદ કરશે. મોટાપાયે નવીનીકરણીય એકીકરણમાં મુખ્ય પડકારો છે.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું કે, ઊર્જા સંગ્રહ એ નવીનીકરણીય ઊર્જાથી ચાલતા ભવિષ્યનો આધારસ્તંભ છે, આ ઐતિહાસિક પ્રોજેક્ટ સાથે અમે ફક્ત વૈશ્વિક ધોરણો જ સ્થાપિત કરી રહ્યા નથી પરંતુ ભારતની ઊર્જા સ્વતંત્રતા અને ટકાઉપણા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પણ મજબૂત બનાવી રહ્યા છીએ. આ મુખ્ય પ્રોજેક્ટને અનુસરીને ગ્રુપ નાણાકીય વર્ષ 27 સુધીમાં સંગ્રહ ક્ષમતા 15 ગીગાવોટઆવર સુધી વધારવાની યોજના ધરાવે છે, જે પાંચ વર્ષમાં 50 ગીગાવોટઆવર સુધી પહોંચશે, જે તેને વૈશ્વિક સ્વચ્છ ઊર્જા સંગ્રહમાં મુખ્ય ખેલાડી બનાવશે.