વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ઇરાન-ઇઝરાયલ યુદ્ધના કારણે ઉર્જા ક્ષેત્રે ઉભી થયેલી અસ્થિરતાની સીધી અસર હવે ભારતીય ગ્રાહકો પર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના પુરવઠા પર અસર પડતા જ અદાણી ગેસે સીએનજી (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ)ના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 1.50નો વધારો કરવાની જાહેરાત કરી છે. આ નવા ભાવ તાત્કાલિક અસરથી અમલમાં આવશે. જેના કારણે સીએનજી વાહન ચાલકોમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે.
આ ભાવવધારા બાદ હવે સીએનજીનો ભાવ રૂ. 82.27 પ્રતિ કિલોથી વધીને રૂ. 83.77 પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. આ વધારો ભલે આંકડામાં નાનો જણાતો હોય, પરંતુ દૈનિક મુસાફરી કરતા મધ્યમ વર્ગ અને પરિવહન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો પર તેની ગંભીર અસર પડશે. ખાસ કરીને રિક્ષાચાલકો, ટેક્સી ઓપરેટરો અને કોમર્શિયલ વાહન ચાલકો માટે દૈનિક ખર્ચમાં વધારો થવાથી તેમના નફાના ગાળામાં ઘટાડો થશે. નિષ્ણાતો માને છે કે ઇંધણના ભાવ વધતા આગામી દિવસોમાં શાકભાજી અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના પરિવહન ખર્ચમાં પણ વધારો થઈ શકે છે.
ઊર્જા ક્ષેત્રના નિષ્ણાતોના મતે, આ ભાવવધારા પાછળનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ઇનપુટ ખર્ચમાં થયેલો વધારો છે. ઇરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને પગલે ગેસના સપ્લાય ચેઇનમાં અવરોધ ઉભો થયો છે, જેના કારણે કંપનીઓને ગેસ મોંઘા ભાવે ખરીદવો પડી રહ્યો છે. કંપનીઓ આ વધારાનો બોજ હવે ગ્રાહકો પર પાસ ઓન કરી રહી છે. જોકે, પેટ્રોલ અને ડીઝલની સરખામણીએ સીએનજી હજુ પણ સસ્તો વિકલ્પ છે, પરંતુ સતત વધતા ભાવો હવે ગ્રાહકોની ધીરજની કસોટી કરી રહ્યા છે.
વર્ષ 2025 બાદ હવે 2026નું વર્ષ પણ મોંઘવારીનું વર્ષ સાબિત થઈ રહ્યું છે. આંકડાકીય વિગતો મુજબ, વર્ષ 2025માં અદાણી ગેસ દ્વારા ચાર વખત ભાવ વધારો કરવામાં આવ્યો હતો, જે કુલ મળીને રૂ. 3.40 જેટલો હતો. વર્ષ 2026ની શરૂઆત પણ ઝાઝી રાહતજનક રહી નથી. ચાલુ વર્ષની શરૂઆતમાં એકવાર ભાવ ઘટાડા બાદ હવે બીજીવાર ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. વર્ષ દર વર્ષ થતા આ ફેરફારો સામાન્ય જનતા માટે આર્થિક મુશ્કેલીઓ વધારી રહ્યા છે.
આ ભાવવધારાથી સૌથી વધુ મુસીબત રીક્ષાચાલકો પર આવી પડી છે. લોનના હપ્તા, મેઈન્ટેનન્સ અને હવે મોંઘા બળતણને કારણે તેમના માટે પરિવારનું ગુજરાન ચલાવવું પડકારજનક બન્યું છે. ગ્રાહકો હવે સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે ગેસના ભાવોને અંકુશમાં લેવા માટે કોઈ નક્કર પગલાં ભરવામાં આવે અથવા સબસિડીના માધ્યમથી રાહત આપવામાં આવે.