નવા આગામી શૈક્ષણિક સત્ર એટલે કે 2026 -27 ના વર્ષથી લાગુ પડે તે મુજબ ધોરણ 11 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિષય માળખામાં જૂથ-ચારમાં નવા છ વૈકલ્પિક વિષયોનો સમાવેશ કરવામાં આવેલ હોવાની સત્તાવાર જાહેરાત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના કેબિનેટ મિનિસ્ટર ઋષિકેશ પટેલે એકસ મીડિયા પ્લેટફોર્મ પર કરી છે.
કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના જણાવ્યા મુજબ આ સંદર્ભે ઘણા સમયથી ચર્ચા વિચારણા ચાલુ હતી અને નવી શિક્ષણ નીતિ સંદર્ભે આ નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા તે અંગેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે.
2026 -27 ના નવા શૈક્ષણિક વર્ષ થી અમલમાં આવે તે મુજબની આ વ્યવસ્થામાં ધોરણ 11 અને 12 સામાન્ય પ્રવાહના વ્યવસાયલક્ષી વિષયના જૂથ-ચારમાં યોગ આરોગ્ય શારીરિક શિક્ષણ લલિત કલા સંગીત અને કોમ્પ્યુટર અભ્યાસ એમ 6 નવા વિષયનો વૈકલ્પિક વિષય તરીકે ઉમેરો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ પોતાની જરૂરિયાત અને અનુકૂળતા મુજબ આ છમાંથી કોઈ એક વિકલ્પની પસંદગી વિષય તરીકે કરી શકશે, આ ઉપરાંત જુના વૈકલ્પિક વિષયોની સુચી પણ યથાવત રાખવામાં આવી છે.
ધોરણ 11 -12 સામાન્ય પ્રવાહમાં અત્યારે ચિત્રકલા સંગીત કોમ્પ્યુટર અધ્યયન વોકેશનલ શિક્ષણ જેવા વૈકલ્પિક વિષયો અસ્તિત્વ ધરાવે છે. તેમાં નવા છ વિષયનો ઉમેરો કરવામાં આવ્યો છે. વૈકલ્પિક વિષયની પસંદગી કરનાર વિદ્યાર્થીએ પ્રાયોગિક કામગીરી સંતોષજનક રીતે કરી છે તેવું પ્રિન્સિપાલ નું પ્રમાણપત્ર પરીક્ષા પહેલા રજૂ કરવાનું રહેશે. વૈકલ્પિક વિષયોના લિસ્ટમાં આધુનિક જમાનાની માંગને અનુરૂપ નવા વિષયો દાખલ કરવા જોઈએ તેવી દરખાસ્ત શિક્ષણ વિભાગ દ્વારા સરકારમાં થોડા સમય પહેલા કરવામાં આવી હતી અને સરકારે તે દરખાસ્તનો સ્વીકાર કર્યો છે અને હવે આગામી નવા શૈક્ષણિક સત્ર થી તેની અમલવારી શરૂ કરાશે.