જસદણ પંથકના આટકોટ પાસે બાળકી પર પાશવી દુષ્કર્મમાં આચરવાના ગુનામાં આરોપીને થોડા દિવસ પૂર્વે જ અદાલતે ફાંસીની સજા ફટકારી છે. ત્યારે જસદણ પંથકમાં બાળકી સાથે જાતીય સતામણીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વિંછીયા પંથકના એક ગામમાં રહેતી પાંચ વર્ષની બાળકીને શાળાએ તેડવા મુકવા જતા સ્કૂલવાનના પ્રૌઢવયના ચાલકે તેની સાથે બીભત્સ અડપલાં કર્યા હતા.
બાળકી ગઈકાલ સવારે શાળાએ જવા માટે ના કહેતા આ બાબતે પરિવારજનોએ પૂછતા તેણે સ્કૂલવાનના ડ્રાઇવરે કરેલા આ કૃત્યની વાત કરતા પરિવાર ચોંકી ગયો હતો અને બાદમાં આ મામલે વિંછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે પોકસો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, વિંછીયા પંથકમાં રહેતા પરિવારની પાંચ વર્ષની બાળકી સાથે થયેલી સતામીણીની આ ઘટના અંગે બાળકીના વાલીએ વિંછીયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેમના જ ગામમાં રહેતા કાળુભાઈ ચાઉં(ઉ.વ.50) નું નામ આપ્યું છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે જાતીય સતામણી અને પોકસો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની પાંચ વર્ષની દીકરીને શાળાએ જવા આવવા માટે સ્કૂલવાન બંધાવી હતી.આ સ્કૂલના ચાલક આરોપી કાળુભાઈ ચાઉં છે. બાળકી દરરોજ આ સ્કૂલમાં શાળાએ જતી હતી. દરમિયાન છેલ્લા થોડા દિવસથી બાળકી ઉદાસ રહેતી હોય દરમિયાન ગઈકાલે સવારે તેણે શાળાએ જવાનો ઇનકાર કર્યો હતો. પ્રથમ પરિવારને એમ લાગ્યું હતું કે, સામાન્ય બાબતને લઈને બાળકી શાળાએ જવા માંગતી નથી પરંતુ તે રડવા લાગતા અંતે પરિવારને વાત કંઈક બીજી હોવાની શંકા જતા બાળકીને શાળાએ ન જવા પાછળનું કારણ પૂછતા તેણે આપવીતી જણાવી હતી.
બાળકી એ જણાવ્યું હતું કે, સ્કૂલવાન ચાલક કાળુભાઈ તેની સાથે શારીરિક અડપલાં કરી છે. આ સાંભળી પરિવારજનો ચોંકી ગયા હતા અને આ બાબતે તેમણે તુરંત વીંછીયા પોલીસ સ્ટેશનને પહોંચી જઈ આ અંગેની જાણ કારી હતી. બનાવને લઈ વિછીયા પોલીસ મથકના પીઆઇ એ.સી. ડામોરની ટીમે તપાસ હાથ ધરી બાળકી સાથે અડપલાં કરનાર સ્કૂલવાનના ચાલક કાળુભાઈ ચાઉંને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.