અફઘાનિસ્તાનના ઉત્તર-પૂર્વ બદાખ્શાં પ્રાંતમાં આવેલી વાખાન કોરિડોર મારફતે ચીન સુધી રોડ કનેક્ટિવિટી તૈયાર થઈ જતાં આ સમગ્ર ક્ષેત્રનું વ્યૂહાત્મક મહત્વ ખૂબ વધી ગયું છે. આશરે 121 કિલોમીટર લાંબો આ રસ્તો ચીનના શિનજિયાંગ પ્રદેશ સુધી પહોંચે છે. આશરે 55 લાખ ડોલરના ખર્ચે બનેલો આ રોડ અફઘાનિસ્તાન અને ચીન વચ્ચે સીધો જમીની સંપર્ક સ્થાપિત કરનારી મહત્વપૂર્ણ કડી માનવામાં આવી રહ્યો છે, જે વેપાર અને પ્રાદેશિક ટ્રાન્ઝિટમાં મોટી ભૂમિકા ભજવશે.
વાખાન કોરિડોર અફઘાનિસ્તાનના ઉત્તર-પૂર્વમાં આવેલી એક સાંકડી પટ્ટી છે, જેના ઉત્તરમાં તાજિકિસ્તાન, પૂર્વમાં ચીનનું શિનજિયાંગ અને દક્ષિણમાં પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર (PoK) આવેલું છે. તેની ભૌગોલિક સ્થિતિના કારણે આ વિસ્તાર અત્યંત સંવેદનશીલ ગણાય છે. પ્રાચીન સમયમાં આ વિસ્તાર સિલ્ક રૂટનો ભાગ હતો. તાલિબાન સરકાર આ રસ્તા દ્વારા અફઘાનિસ્તાનમાં રહેલા સોના અને અન્ય કિંમતી કુદરતી સંસાધનોને ચીનના બજાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ, ચીન માટે પણ આ રસ્તો અફઘાનિસ્તાનના ખનિજ સંસાધનો સુધી સરળ પહોંચ મેળવવાનો અને શિનજિયાંગથી મધ્ય એશિયા સુધી પોતાની પકડ મજબૂત કરવાનો માર્ગ છે.
આ ઘટનાક્રમ ભારત માટે શા માટે ચિંતાનો વિષય છે? તેનો જવાબ તેની ભૌગોલિક સ્થિતિમાં છુપાયેલો છે. વાખાન કોરિડોર ભારતના દાવો ધરાવતા ગિલગિટ-બાલટિસ્થાન અને લદ્દાખની ખૂબ જ નજીક આવેલો છે. ભારત અગાઉથી જ લદ્દાખ સરહદે ચીન સાથેના પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે આ સંવેદનશીલ વિસ્તારમાં ચીનનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રભાવ વધવો એ ભારતની ઉત્તરીય સરહદી સુરક્ષા માટે મોટો પ્રશ્ન ઊભો કરે છે.
વાખાનમાં ચીનની વધતી સક્રિયતાને માત્ર એક સાધારણ રોડ પ્રોજેક્ટ તરીકે જોઈ શકાય નહીં, પરંતુ તે પ્રાદેશિક સુરક્ષા સાથે જોડાયેલી મોટી બાબત છે. ભારત પણ આ વિસ્તારની તમામ ગતિવિધિઓ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તકી વચ્ચેની વાટાઘાટોમાં પણ આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. નિષ્ણાતોના મતે ભારતે પોતાના વ્યૂહાત્મક હિતોની રક્ષા માટે અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાઈ દેશો સાથે પોતાના આર્થિક અને મુત્સદ્દીગીરીના સંબંધો વધુ મજબૂત કરવા પડશે.