BREAKING NEWS

હોર્મુઝ બાદ હવે લાલ સમુદ્ર પર મોટો સંકટ: હુથી વિદ્રોહીઓએ યમનના મોખા બંદર પર કબ્જો કરવાનો દાવો કર્યો

  • September 11, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા ભારે તણાવના કારણે હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલી અસ્થિરતા બાદ હવે લાલ સમુદ્ર (રેડ સી) નો અત્યંત મહત્વપૂર્ણ વેપાર માર્ગ પણ ગંભીર સંકટમાં મુકાઈ ગયો છે. ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓએ યમનના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના 'મોખા બંદર' (Mokha Port) પર સંપૂર્ણ કબ્જો મેળવી લીધાનો દાવો કર્યો છે. હુથી વિદ્રોહીઓના આ દાવા બાદ વૈશ્વિક પુરવઠા શૃંખલા (ગ્લોબલ સપ્લાય ચેઈન) સંપૂર્ણપણે ઠપ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.

વિદ્રોહી જૂથોનું કહેવું છે કે મોખા બંદર પર કબ્જો કર્યા બાદ તેઓ હવે લાલ સમુદ્ર અને 'બાબ અલ-મંદેબ' (Bab al-Mandab) જળમાર્ગની બિલકુલ નજીક પહોંચી ગયા છે. બાબ અલ-મંદેબ જળમાર્ગ લાલ સમુદ્રને એડનની ખાડી સાથે જોડે છે. આ માર્ગ યુરોપ અને એશિયા વચ્ચે થતાં દરિયાઈ વેપાર તેમજ અખાતી દેશોમાંથી સમગ્ર વિશ્વમાં મોકલવામાં આવતા ક્રૂડ ઓઈલના પરિવહન માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલા તણાવ બાદ આ વૈકલ્પિક માર્ગની અગત્યતા વધુ વધી ગઈ હતી.


વિશ્વના કુલ દરિયાઈ વેપારનો આશરે 10 ટકા હિસ્સો આ જ રૂટ પરથી પસાર થાય છે. તેથી જો આ માર્ગ પર હુથી વિદ્રોહીઓનું નિયંત્રણ સ્થાપિત થઈ જશે તો વૈશ્વિક અર્થતંત્ર માટે એક નવું અને મોટું સંકટ ઊભું થશે. તાજેતરના અહેવાલો મુજબ, હુથી વિદ્રોહીઓ હવે બાબ અલ-મંદેબના સૌથી સાંકડા ભાગમાં આવેલા અત્યંત મહત્વના 'પેરિમ દ્વીપ' (Perim Island) પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.


​​​​​​​જો આ વ્યૂહાત્મક ટાપુ પર વિદ્રોહીઓનો કબ્જો થઈ જશે, તો તેમના માટે આ આંતરરાષ્ટ્રીય માર્ગ પરથી પસાર થતાં કોમર્શિયલ જહાજો અને ઓઈલ ટેન્કરોને અટકાવવા અથવા તેના પર હુમલા કરવા અત્યંત સરળ બની જશે. આ સ્થિતિને પગલે વૈશ્વિક શિપિંગ કંપનીઓમાં ભારે ભયનો માહોલ છે અને આંતરરાષ્ટ્રીય સમુદાય આ દરિયાઈ માર્ગની સુરક્ષાને લઈને ચિંતિત બન્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News