BREAKING NEWS

ટ્રમ્પ બાદ હવે પુતિન પણ ચીનના શરણે: 19 મેથી રશિયન રાષ્ટ્રપતિનો બે દિવસીય બેઇજિંગ પ્રવાસ, વૈશ્વિક રાજકારણમાં ગરમાવો

  • May 16, 2026 10:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વૈશ્વિક રાજનીતિના મંચ પર આ દિવસોમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એક તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની પોતાની સત્તાવાર મુલાકાત પૂર્ણ કરીને રવાના થયા છે, ત્યાં બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ ચીન તરફ પ્રયાણ કર્યું છે. ક્રેમલિન (રશિયન રાષ્ટ્રપતિ ભવન) દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી અનુસાર, વ્લાદિમીર પુતિન ૧૯ અને ૨૦ મેના રોજ ચીનની બે દિવસીય મુલાકાતે રહેશે, જ્યાં તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. મહાશક્તિઓના બદલાતા સમીકરણો વચ્ચે આ પ્રવાસ પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.


મિત્રતાના ૨૫ વર્ષ અને ગાઢ થતા સંબંધો
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો આ પ્રવાસ માત્ર એક સામાન્ય રાજદ્વારી મુલાકાત નથી, પરંતુ બંને દેશો વચ્ચે સમયની કસોટી પર ખરી ઉતરેલી મિત્રતાની ઉજવણી છે. આ વર્ષે 'ચીન-રશિયા મૈત્રી સંધિ' (વર્ષ ૨૦૦૧) ની ૨૫મી વર્ષગાંઠ છે અને આ ખાસ અવસરે જ પુતિન ચીન જઈ રહ્યા છે. બંને શીર્ષ નેતાઓ દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા ઉપરાંત આર્થિક સહયોગ વધારવા અને 'મુખ્ય આંતરરાષ્ટ્રીય તથા પ્રાદેશિક મુદ્દાઓ' પર ઊંડાણપૂર્વક ચર્ચા કરશે.


યુક્રેન યુદ્ધ બાદ પશ્ચિમી દેશોએ રશિયા પર કડક આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે, જેની વચ્ચે ચીન અને રશિયાના સંબંધો અભૂતપૂર્વ રીતે ગાઢ બન્યા છે. મુશ્કેલ સમયમાં ચીન, રશિયા માટે સૌથી મોટું વ્યાપારી અને વ્યૂહાત્મક (Strategic) સમર્થન બનીને ઉભર્યું છે.


'પ્રિય મિત્રો'ની મુલાકાત
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ્યારે પુતિન ચીન ગયા હતા, ત્યારે શી જિનપિંગે તેમને 'જૂના મિત્ર' કહ્યા હતા અને પુતિને પણ જિનપિંગને 'પ્રિય મિત્ર' કહીને સંબોધ્યા હતા. વર્તમાન ભૌગોલિક-રાજકીય (Geopolitical) પરિસ્થિતિમાં આ આત્મીયતા વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે.


​​​​​​​અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાના ચીન પ્રવાસ દરમિયાન શી જિનપિંગ સાથે વેપાર અને ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધ જેવા અત્યંત સંવેદનશીલ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. હવે ટ્રમ્પના ગયાના તુરંત બાદ પુતિનનું ચીન આગમન દર્શાવે છે કે બેઇજિંગ હાલ ગ્લોબલ કૂટનીતિનું કેન્દ્રબિંદુ બની ગયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application