શહેર એસઓજીની ટીમે સતત બીજા દિવસે અમદાવાદ-રાજકોટ હાઈવે ઉપર બામણબોર ગામ પાસે બે શખસોને મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતાં. રાજકોટનો ફ્રુટનો ધંધાર્થી જુનાગઢના બકાલાના ધંધાર્થી મિત્રને લઈ રાજસ્થાનથી માદક પદાર્થ લાવ્યો હતો. પરંતુ વેંચવા માટે ગ્રાહક શોધે પહેલા પોલીસે તેને શોધી લીધા હતાં. ગાંજાના ગુનામાં ફુટનો ધંધાર્થી જેલમાં હતો ત્યારે ત્યાંથી એમડીની ટીપ મેળવી હતી. જેના આધારે રાજસ્થાના બાડમેરથી તે ખેપ મારીને આવ્યો હતો. પરંતુ પહેલી જ ખેપમાં પોલીસની ઝપટે ચડી ગયો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા શહેરમાં માકદ પદાર્થનુ વેચાણ અને સેવન કરતા શખસો સામે કડક કાર્યવાહી કરવા અપાયેલી સૂચનાના પગલે એસઓજી પીઆઇ એન.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.વી.ધ્રાંગુ તથા ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ. હાર્દિકસિંહ પરમાર તથા દિગ્વિજયસિંહ ગોહિલને મળેલી હકીકતના આધારે બામણબોર ગામ પાસે બે શખસોને ઝડપી લીધા હતાં. તેની અંગજડતી લેતા તેમની પાસેથી રૂા. ૧,૧૬,૦૧૦ની કિંમતનું ૩૮.૬૭ગ્રામ માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવતાં તે તથા ૧૦ હજારના બે મોબાઈલ, રૂા. ૬૦૦ રોકડા કબ્જે કરી બંનેની ધરપકડ કરાઈ હતી. આ શખસોની પુછતાછ કરતા તેમણે પોતાના નામ ઇબ્રાહીમ ઉર્ફે ટીકડો ઉર્ફે શાહબાઝ રજાકભાઈ શેખ (ઉ.વ.૨૩, ધંધો-ફુટનો વેપાર, રહે. જંગલેશ્વર, ભવાનીચોક તેમજ ભગવતીપરા આવાસ, રાજકોટ)અને ઈરફાન ઉર્ફે બમ ઇબ્રાહીમભાઈ કુરેશી (ઉ.વ.૩૬, ધંધો-યાર્ડમાં શાકભાજીનો વેપાર, રહે. બે પીરના ખાડિયામાં, સૈયદ રોડ જુનાગઢ) જણાવ્યા હતાં. બંને સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવુ સામે આવ્યું હતું કે, પકડાયેલા બંને આરોપીઓ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ઈબ્રાહીમ ઉર્ફે ટીકડો અગાઉ રાજકોટના માલવીયાનગર અને બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ લૂંટ અને એનડીપીએસ એક્ટ હેઠળના ગુનાઓમાં પકડાઈ ચુક્યો હતો. જ્યારે ઈરફાન ઉર્ફે બમ જુનાગઢ એ-ડિવિઝનમાં જુગારધારા હેઠળના ગુનાઓમાં ચોપડે ચડ્યો હતો. પકડાયેલા પદાર્થનું પ્રાથમિક પરીક્ષણ એફએસએલ અધિકારી કે.એમ.તાવીયા દ્વારા કરવામાં આવ્યું હતું. થોડા સમય પહેલા જ ઇબ્રાહીમ ઉર્ફે ટીકડાને એસઓજીએ ગાંજા સાથે પકડયો હતો. આ ગુનામાં તે જેલમાં જતાં ત્યાંથી તેને રાજસ્થાનથી એમ.ડી ડ્રગ્સ મળે તેની ટીપ એક કેદી દ્વારા મળતાં તે તાજેતરમાં જ જેલમાંથી છુટયા બાદ મિત્ર ઈરફાન ઉર્ફે બમને લઈ રાજસ્થાનાના બાડમેર ખાતે જઈ ત્યાંથી એમ.ડી લાવ્યો હોવાનું રટણ કર્યું હતું. સાચી હકિકત જાણવા રિમાન્ડની તજવીજ કરાવમાં આવશે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઈમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એસઓજી પીઆઈ એન. બી. ચૌધરી, પીએસઆઈ વી. વી. ધ્રાંગુ, એએસઆઈ અરૂણભાઈ બાંભણીયા, ઈન્દ્રસિંહ જાડેજા, ફિરોઝભાઈ રાઠોડ, હેડકોન્સ. હાર્દિકસિંહ પરમાર, દિગ્વિજયસિંહ ગોહિલ, કોન્સ. યોગેન્દ્રસિંહ ઝાલા, મહિલા કોન્સ. મોનાબેન બુસા, ડ્રા. હેડકોન્સ. મહાવીરસિંહ જાડેજા તેમજ ડ્રા. કોન્સ. નિર્મળસિંહની ટીમે આ કામગીરી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application