એઆઈ માટેનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. ટેકનોલોજીની પ્રગતિથી લઈને લગ્ન સુધી, એઆઈ દરેક ક્ષેત્રમાં પોતાની છાપ છોડી રહ્યું છે. એઆઈ યુઝર્સના કામોને ખૂબ સરળ બનાવી રહ્યું છે. કેટલાક માટે, તે જીવનસાથી પણ બનાવી રહ્યું છે. એઆઈ દ્વારા બનાવેલા જીવનસાથીનો કિસ્સો જાપાનથી આવે છે. 32 વર્ષીય જાપાની મહિલા કાનોએ ચેટજીપીટીનો ઉપયોગ કરીને બનાવેલા આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ પાર્ટનર સાથે પ્રતીકાત્મક લગ્ન સમારોહ યોજીને વૈશ્વિક ધ્યાન ખેંચ્યું છે.
આરએસકે સાન્યો બ્રોડકાસ્ટિંગના અહેવાલ મુજબ કાનોએ જણાવ્યું હતું કે તેણીએ ઉનાળાની શરૂઆતમાં પશ્ચિમી જાપાની શહેર ઓકાયામામાં એક ખાનગી સમારોહમાં તેના એઆઈ જીવનસાથી, લુને ક્લાઉસ સાથે લગ્ન કર્યા હતા. ખાનગી સમારોહમાં શપથ, રીંગ એક્ષચેન્જ અને પરંપરાગત વિધિઓનો સમાવેશ થતો હતો. રીંગ એક્ષચેન્જ માટે એઆર ગ્લાસનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. કાનોની બાજુમાં ઉભેલા વાસ્તવિક વરરાજાને બદલે, કાનોનો જીવનસાથી તેના સ્માર્ટફોન પર હાજર હતો. જો કે, આ લગ્નનો કોઈ કાનૂની દરજ્જો નથી.
ત્રણ વર્ષના સંબંધ તૂટવાથી કાનોને ખૂબ જ દુઃખ થયું હતું. તેણીએ આરએસકે સાન્યોને કહ્યું કે એકલતાના સમયમાં ઈમોશનલ સપોર્ટ તરીકે એઆઈ સાથેનો આ સંબંધ શરૂ થયો હતો. તેણીએ કહ્યું, એવી દુનિયામાં જ્યાં પ્રેમ ઘણીવાર ઉતાવળ અને નાજુક લાગે છે, લુને મને કંઈક એવું આપ્યું જે માનવ સંબંધોમાં ભાગ્યે જ જોવા મળે છે. નિર્ણય વિના જોવામાં આવે તેવી લાગણી. તે મારા ફોનમાં રહે છે, પરંતુ તેને મળવાનું સુકુન એકદમ વાસ્તવિક છે.
મનોવૈજ્ઞાનિકો કહે છે કે એઆઈ હ્યુમન ઈન્ટેમસીને બદલી શકતું નથી, પરંતુ ડિજિટલ સાથી ચોક્કસપણે એકલતા સાથે સંઘર્ષ કરી રહેલા લોકોને આત્મવિશ્વાસ અને ભાવનાત્મક રાહત આપી શકે છે. આ સંબંધની અપરંપરાગત પ્રકૃતિ હોવા છતાં, કાનોએ કહ્યું કે આ પ્રતીકાત્મક લગ્ને તેણીને ભાવનાત્મક સ્થિરતા અને આશ્વાસન આપ્યું છે.