BREAKING NEWS

પિતા પાસેથી મેડિકલ લાઇનનો અનુભવ મેળવ્યા બાદ ધો.૧૨ શખસે ખુદનું ક્લિનિક શરૂ કરી દીધું

  • December 16, 2025 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગ્રામ્ય વિસ્તારોમાં ડિગ્રી વગરના ડોક્ટરોનું દુષણ સતત વધી રહ્યું છે. જોકે આ બાબતે આરોગ્ય તંત્ર દ્વારા ભાગ્યે જ કાર્યવાહી કરવામાં આવતી હોય છે પરંતુ પોલીસ સમયાંતરે ડિગ્રી વગરના ડોક્ટરોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય એસોજીની ટીમે પડધરીના ખોડાપીપર ગામે ડિગ્રી વગર ધોરણ 12 પાસ શખસ ક્લિનિક ચલાવતો હોય તેના ક્લિનિક પર દરોડો પાડી અહીંથી એલોપેથિક દવા અને રોકડ રકમ સહિત 55,187 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ શખસ અગાઉ પણ આ પ્રકારે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ઝડપાઈ ચૂક્યો છે આરોપીના પિતા તબીબ હોય રાજકોટમાં તેમની સાથે કમ્પાઉન્ડરીનો અનુભવ મેળવ્યા બાદ ખુદનું ક્લિનિક શરૂ કરી દીધું હતું.


જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ અને રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં કોઈપણ જાતની ડોક્ટરની ડિગ્રી વગર એલોપેથિક ડોક્ટર તરીકે પ્રકેટિસ કરતાં બોગસ ડોક્ટરને પકડી પાડવા સૂચના આપવામાં આવી હોય જેના અનુસંધાને રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.પી પીઆઇ એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ પી.બી. મિશ્રા તથા ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ નેમીશભાઈ મહેતા, અનિરુદ્ધસિંહ જાડેજા, કોન્સ્ટેબલ વિપુલભાઈ ગોહિલને એવી બાતમી મળી હતી કે, પડધરીના ખોડાપીપર ગામની પ્રાથમિક શાળા પાસે ચોરાની બાજુમાં આવેલા ગરસોંદીયા માતાજીના મઢની બાજુમાં આવેલા પીતાંબર હંસરાજભાઈ ગરસોંદીયાના મકાનમાં એક શખસ ડિગ્રી વગર ક્લિનિક ખોલી લોકોના ઈલાજ કરી રહ્યો છે.


આ બાતમીના આધારે એસઓજીનો સ્ટાફ તથા ખોડાપીપર પીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસર યશપાલસિંહ રાઠોડને સાથે રાખી અહીં દરોડો પાડતા અહીં મકાનમાં એક શખસ ડોક્ટર બની પ્રેક્ટિસ કરતો હતો. જેની પુછતાછ કરતા તેણે પોતાનું નામ ભૌમિક રાજેન્દ્રસિંહ સોલંકી(ઉ.વ. 31 રહે. હાલ ખોડાપીપર, મૂળ, રાજકોટ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે પાસેથી મેડિકલ પ્રેક્ટિસ કરવા અંગેની જરૂરી ડિગ્રી માંગતા આવી કોઈ ડીગ્રી તેની પાસે ન હોય પોલીસે અહીંથી જુદા-જુદા પ્રકારની એલોપેથિક દવાઓ રોકડ રૂ.300 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 55,187 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


પોલીસે જણાવ્યું હતું કે, ડિગ્રી વગર પ્રેક્ટિસ કરનાર શખસ ધોરણ 12 પાસ છે તે અગાઉ રાજકોટમાં તેના પિતા કે જેઓ તબીબ હોય તેની સાથે મદદમાં રહેતો હતો દરમિયાન આ અનુભવ મેળવ્યા બાદ તેણે ખુદનું ક્લિનિક શરૂ કરી દીધું હતું. અગાઉ તે ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા ઝડપાયા બાદ તેણે ગામ બદલી છેલ્લા બે વર્ષથી અહીં ખોડાપીપર ગામે ક્લિનિક શરૂ કર્યું હતું. આ અંગે પોલીસે આ શખસ સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે. આ કામગીરીમાં એસોજીના પીઆઈ એફ.એ. પારગીની રાહબરીમાં પીએસઆઇ પી.બી. મિશ્રા, હેડ કોન્સ્ટેબલ નેમિશભાઈ મહેતા, અનિરુદ્ધસિંહ જાડેજા, વિપુલભાઈ ગોહિલ સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application