બાંગ્લાદેશમાં નવી સરકારની રચના પહેલાં રાષ્ટ્રને આપેલા તેમના અંતિમ સંબોધનમાં કાર્યકારી સલાહકાર મુહમ્મદ યુનુસે ફરી એકવાર 'સેવન સિસ્ટર્સ' શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમણે નેપાળ, ભૂટાન અને સેવન સિસ્ટર્સનો ઉલ્લેખ એક સહિયારા પ્રદેશ તરીકે કર્યો પણ ભારતનો સીધો ઉલ્લેખ કર્યો નહીં.
યુનુસનું આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે તેમણે વચગાળાના સલાહકાર તરીકેના પદ પરથી રાજીનામું આપીને ચૂંટાયેલી સરકારને સત્તા સોંપી હતી. તેમના સંબોધનમાં, તેમણે એક ઉપ-પ્રાદેશિક આર્થિક માળખાનો પ્રસ્તાવ મૂક્યો, જેનો હેતુ દરિયાઈ ઍક્સેસ દ્વારા પ્રાદેશિક જોડાણને મજબૂત બનાવવાનો હતો.
મોહમ્મદ યુનુસે કહ્યું, આપણો ખુલ્લો સમુદ્ર ફક્ત ભૌગોલિક સીમા નથી તે વૈશ્વિક અર્થતંત્રનો પ્રવેશદ્વાર છે. નેપાળ, ભૂતાન અને સેવન સિસ્ટર્સ સહિત આ સમગ્ર પ્રદેશ આર્થિક સમૃદ્ધિની અપાર સંભાવનાઓ ધરાવે છે. આર્થિક ક્ષેત્રો, વેપાર કરારો અને ડ્યુટી-ફ્રી બજાર ઍક્સેસ આ પ્રદેશને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્રમાં પરિવર્તિત કરી શકે છે.
ઘણા વિશ્લેષકો તેમના નિવેદનને સેવન સિસ્ટર્સનો ઉલ્લેખ ન કરતા, ઇરાદાપૂર્વકની રણનીતિક હરકતો તરીકે જુએ છે. આવા વિવાદાસ્પદ નિવેદન સાથે, યુનુસે પ્રદેશની રાજકીય અને આર્થિક ઓળખને અલગ રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે, જેનો ભારત અગાઉ વિરોધ કરી ચૂક્યું છે. માર્ચ-એપ્રિલ 2025માં ચીનની તેમની ચાર દિવસીય મુલાકાત દરમિયાન, બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે બેઇજિંગ સાથે સહયોગ વધારવા વિશે વાત કરી હતી. ભારતના સાત ઉત્તરપૂર્વીય રાજ્યોનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું હતું કે આ રાજ્યો સમુદ્ર સાથે જોડાયેલા નથી અને ચીન બાંગ્લાદેશ દ્વારા તેમના સંપર્કો અને વેપારનો વિસ્તાર કરી શકે છે.
તેના આસપાસના પ્રદેશોમાં ચીનનો વધતો પ્રભાવ ભારત માટે ચિંતાનું કારણ બની શકે છે. બાંગ્લાદેશ ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ દેશ છે અને તેના ઘણા વિસ્તારો સિલિગુડી કોરિડોર સાથે આવેલા છે, એક સાંકડો માર્ગ જેને "ચિકન નેક" તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે તે ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યોને દેશના બાકીના ભાગ સાથે જોડે છે.