BREAKING NEWS

અમદાવાદમાં લસણ-ડુંગળીના કારણે દંપતીના 23 વર્ષના લગ્નજીવનનો અંત

  • December 09, 2025 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં લસણ-ડુંગળીના કારણે એક દંપતીના 23 વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો હતો. લસણ-ડુંગળીના કારણે દંપતીમાં શરૂ થયેલો વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો હતો. પતિએ છૂટાછેડા માટે અરજી કરી હતી. પતિને પત્નીના ભોજનને લગતાં નિયંત્રણો સ્વીકાર્ય નહોતા. ગુજરાત હાઈ કોર્ટે છૂટાછેડાના નિર્ણયને પડકારતી પત્નીને અપીલ ફગાવી દીધી હતી.


સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનનારી પત્ની ડુંગળી અને લસણ ખાવાથી સખત રીતે દૂર રહેતી હતી. જ્યારે તેના પતિ અને સાસરિયાની માન્યતાઓમાં આવા કોઈ આહાર પ્રતિબંધ નહોતા. કપલે 2002માં લગ્ન કર્યા હતા. પરંતુ લસણ-ડુંગળીના કારણે લગ્નના થોડા જ સમયમાં તકરાર શરૂ થઈ ગઈ હતી.


પત્ની નિયમિતપણે પ્રાર્થનાસભામાં હાજરી આપતી હતી અને સંપ્રદાયના ડુંગળી અને લસણ ન ખાવાના નિયમને અનુસરતી હતી. તેના પતિ અને સાસુ તેમની રસોઈની આદતો બદલવા માંગતા નહોતા. જેના પરિણામે, તેમના માટે અલગ રસોઈની વ્યવસ્થા કરવી પડતી હતી. રોજબરોજની તકરારના કારણે પત્ની બાળક સાથે તેના પિયરમાં જતી રહી હતી.


2013માં, પતિએ અમદાવાદની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી, જેમાં પત્ની પર ક્રૂરતા અને ત્યજી દેવાનો આરોપ મૂક્યો હતો. લગભગ 11 વર્ષ ચાલેલા ટ્રાયલ પછી, ફેમિલી કોર્ટે 8 મે, 2024 ના રોજ પતિની છૂટાછેડાની અરજી મંજૂર કરી. કોર્ટે પતિને તેની પત્ની અને બાળકના ભરણપોષણ માટે પૈસા ચૂકવવાનો પણ આદેશ આપ્યો. આનાથી બંને હાઇકોર્ટમાં પહોંચ્યા હતા, જેમાં પતિએ ભરણપોષણના આદેશ પર સવાલ ઉઠાવ્યા અને પત્નીએ છૂટાછેડાને પડકાર્યા, સાથે જ ભરણપોષણના આદેશનો અમલ કરાવવાની પણ માંગ કરી હતી.


પત્નીના વકીલે હાઇ કોર્ટમાં જણાવ્યું હતું કે ફેમિલી કોર્ટમાં તેના પતિએ રજૂ કરેલો કેસ એ હતો કે તેની ધાર્મિક માન્યતા દ્વારા સંચાલિત ભોજનની પસંદગીઓના કારણે ઝઘડાઓ થતા હતા. પતિએ ફેમિલી કોર્ટને જણાવ્યું હતું કે તે કડક રીતે વર્તી રહી હતી, અને ફેમિલી કોર્ટે તેના દાવાઓને સ્વીકાર્યા હતા. પતિના વકીલે દલીલ કરી હતી કે તેના અસીલ અને તેની માતા પત્ની માટે ડુંગળી અને લસણ વગરનું ભોજન બનાવતા હતા.


પતિએ હાઇ કોર્ટને જણાવ્યું હતું કે ડુંગળી અને લસણનો વપરાશ બંને વચ્ચે મતભેદોનું મુખ્ય કારણ હતું. તેણે કહ્યું કે પત્નીની રૂઢિચુસ્તતાના કારણે તેને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળનો સંપર્ક કરવો પડ્યો હતો અને તેના કારણે પત્નીએ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી. મહિલાએ ફરિયાદ કરી કે પતિ ભરણપોષણ ચૂકવી રહ્યો નથી. પતિ બાકીની રકમ હપ્તાઓમાં કોર્ટ રજિસ્ટ્રીમાં જમા કરાવવા માટે સંમત થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application