નેશનલ એલિજિબિલિટી ઍન્ડ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ પરીક્ષામાં ગેરરીતિ અને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી આચરવાના આંતરરાજ્ય રેકેટનો અમદાવાદ સાયબર ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે 3 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાંથી બે રાજસ્થાનના અને એક બિહારનો હોવાનું સામે આવ્યું છે, જેઓ નીટનું અસલી પેપર લાવી આપવા તથા નીટની પરીક્ષા ફી રિફંડ અપાવી દેવાના નામે વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા પડાવતા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે, નીટ પેપર લીક વિવાદનો ગેરલાભ ઉઠાવીને રાજસ્થાનના બે ભેજાબાજોએ ટેલિગ્રામ પર અલગ-અલગ ચેનલો બનાવી હતી. આ બંને શખસો સોશિયલ મીડિયા પર મેસેજ મૂકીને વિદ્યાર્થીઓ અને વાલીઓને લાલચ આપતા હતા કે તેઓ લાખો રૂપિયાના બદલામાં નીટનું અસલ પેપર અને આન્સર કી લાવી આપશે.
હકીકતમાં આ આરોપીઓ પાસે કોઈ અસલ પેપર નહોતું. તેઓ માત્ર ઉમેદવારોની લાચારીનો ફાયદો ઉઠાવી એડવાન્સમાં પૈસા પડાવતા હતા અને બાદમાં તેમને જૂના કે બોગસ પેપરો પધરાવી દઈ મોટી છેતરપિંડી આચરતા હતા. સાયબર ક્રાઈમે ટેકનિકલ લોકેશનના આધારે આ બંનેને રાજસ્થાનથી દબોચી લીધા છે.
બીજી તરફ, સાયબર ક્રાઈમની ટીમે આ જ ઓપરેશન અંતર્ગત બિહારથી વધુ એક શખસની ધરપકડ કરી છે. આ આરોપી નીટ પરીક્ષાની ફી રિફંડ કરાવવાના નામે ઓનલાઈન ફ્રોડ આચરતો હતો. તે ખૂબ જ ચાલાકીપૂર્વક વિદ્યાર્થીઓના લોગ-ઈન આઈડી અને પાસવર્ડ મેળવી લેતો હતો અને ત્યારબાદ ડેટા સાથે ચેડાં કરીને રિફંડ અપાવવાના બહાને ડિજિટલ ઠગાઈ કરતો હતો.
હાલમાં અમદાવાદ સાયબર ક્રાઈમે રાજસ્થાન અને બિહારથી ઝડપાયેલા આ ત્રણેય આરોપીઓની પૂછપરછ હાથ ધરીને આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.