BREAKING NEWS

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનો ખર્ચ બમણો, હવે 2.1 લાખ કરોડનો અંદાજ

  • August 26, 2026 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની શરૂઆત હવે નજીક આવી રહી છે. 508 કિલોમીટર લાંબા આ મહત્વાકાંક્ષી હાઈ-સ્પીડ રેલ કોરિડોરનો પ્રથમ તબક્કો ઓગસ્ટ 2027માં શરૂ કરવાની યોજના છે, જ્યારે સમગ્ર પ્રોજેક્ટ 2030 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.


જોકે, પ્રોજેક્ટની કિંમતમાં મોટો વધારો થયો છે. શરૂઆતમાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ આશરે રૂ. 1.1 લાખ કરોડ હતો. હવે આ ખર્ચ વધીને લગભગ રૂ. 2.1 લાખ કરોડ થવાનો અંદાજ છે. એટલે કે પ્રોજેક્ટની કિંમત લગભગ બમણી થઈ ગઈ છે.


રિપોર્ટ અનુસાર, 25 ઓગસ્ટે આ પ્રોજેક્ટની સુધારેલી કિંમતને મંજૂરી આપવા માટેનો પ્રસ્તાવ કેન્દ્રીય કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ અંગે શું નિર્ણય લેવાયો તેની સત્તાવાર માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી.


સૂત્રોના જણાવ્યા મુજબ, રેલવે મંત્રાલયે ખર્ચ વધવા પાછળ મુખ્ય કારણો તરીકે મહારાષ્ટ્રમાં જમીન સંપાદનમાં લાગેલો વધારાનો સમય અને જાપાનથી ટ્રેન સેટ મળવામાં થયેલા વિલંબને જવાબદાર ગણાવ્યા છે. જમીન સંપાદનમાં વિલંબ, જરૂરી મંજૂરીઓ મેળવવામાં સમય લાગવો અને ટ્રેનોને અંતિમ સ્વરૂપ આપવામાં થયેલા વિલંબને કારણે પ્રોજેક્ટની સમયમર્યાદા તેમજ ખર્ચ બંનેમાં વધારો થયો છે.


જાન્યુઆરીમાં રેલવે બોર્ડના ચેરમેન સતીશ કુમારે પણ જણાવ્યું હતું કે પ્રોજેક્ટનો ખર્ચ લગભગ 83 ટકા વધીને રૂ. 1.98 લાખ કરોડ સુધી પહોંચી ગયો હતો. હવે સુધારેલા અંદાજ મુજબ આ ખર્ચ રૂ. 2.1 લાખ કરોડની આસપાસ પહોંચી શકે છે.


આ પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં આશરે રૂ. 1.1 લાખ કરોડનું ફંડિંગ જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) અને બજેટ ફાળવણી મારફતે કરવામાં આવ્યું છે. ખર્ચમાં વધારા બાદ રેલવેને વધારાના ભંડોળની જરૂર પડશે અને આ રકમ બજેટમાંથી આપવામાં આવે તેવી શક્યતા છે.


ખાસ વાત એ છે કે બુલેટ ટ્રેન માટે ઉપયોગમાં લેવાતી હાઈ-સ્પીડ ટ્રેનો ભારતમાં જ બનાવવાની યોજના છે. દરેક ટ્રેનની કિંમત અંદાજે રૂ.390 કરોડથી રૂ.400 કરોડ વચ્ચે રહેવાની શક્યતા છે.

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન ભારતનો પ્રથમ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટનો પ્રથમ હિસ્સો 2027માં શરૂ થયા બાદ બાકીના કોરિડોરનું કામ તબક્કાવાર પૂર્ણ કરવાની યોજના છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application