અમદાવાદમાંથી પકડાયેલા જીએસટી આઇટીસી કૌંભાડનું પગેરૂ જામનગરમાં નીકળ્યું છે અને શહેરમાંથી વધુ ત્રણ બોગસ પેઢી પકડાતા ખળભળાટ સાથે ભારે ચકચાર મચી ગઇ છે. ત્યારે ખોટી રીતે રૂ. ૭૮ કરોડની આઇટીસી ઉસેડવાના પ્રકરણમાં ડીજીજીઆઇની ત્રણ ટીમના શહેરમાં ધામા નાખ્યા હોવાનું જાણવા મળ્યું છે. તપાસ દરમ્યાન પાર્ટનરો દ્રારા કાગળ પર પેઢીઓ ઉભી કરવામાં આવી હોવાનો પર્દાફાશ થયો છે. ત્યારે જામનગર બોગસ બીલીંગનું હબ બન્યાનો વધુ એક પુરાવો ખુદ જીએસટી વિભાગની તપાસમાં મળતા સ્થાનિક સહીત અન્ય ઉચ્ચ અધિકારીઓની કામગીરી અને ભૂમિકા દીન-પ્રતિદિન શંકાના ઘેરામાં આવતી જાય છે. આમ છતાં ઉચ્ચકક્ષાએથી કોઇ પગલાં લેવામાં ન આવતા આ મુદો ભારે ચર્ચા સાથે તપાસનો વિષય બન્યો છે.
રાજયભરમાં જીએસટીએન નંબર લઇ બોગસ પેઢીઓ ઉભી કરી કરોડોની આઇટીસી મેળવી રાતોરાત કરોડપતિ થવાનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે. આ કૌંભાડ પકડવા માટે સ્ટેટ જીએસટીની ટીમો ચૂપકીદી સેવાતા અને આંખ આડા કાન કરતા સેન્ટ્રલ જીએસટી અને ડીરેકટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલીજન્સ(ડીજીજીઆઇ)ની ટીમો સક્ીય બની છે.
તાજેતરમાં ડીજીજીઆઇ અમદાવાદ ઝોનલ યુનીટે બોગસ પેઢીઓ ઉભી કરી ખોટી રીતે અધધ..રૂ.૭૮ કરોડની ઇનપુટ ટેકસ ક્રેડીટ મેળવવાનું કૌંભાડ પકડી પાડી અમદાવાદના રહેવાસી અને કૌંભાડના મુખ્ય સૂત્રધાર પ્રભાત સોમાણીની ધરપકડ કરી હતી. આટલું જ નહીં ડીજીજીઆઇ બોગસ પેઢીઓ બનાવનાર પ્રભાત સોમાણીની પૂછપરછમાં આ કૌંભાડનું પગેરૂ જામનગરમાં પણ નીકળ્યું છે. આથી ડીજીજીઆઇની ટીમે જામનગરમાં ધામા નાખ્યા છે.
શહેરમાં હાથ ધરવામાં આવેલી તપાસમાં બોગસ એટલે કે ફકત કાગળ પર પેઢીઓ ઉભી કરી આ ત્રણેય પેઢીમાં કરોડો રૂપિયાના ખોટા ઇન્વોઇસીંગ કરી ગેરકાયદે રીતે મસમોટી રકમની ઇનપુટ ટેકસ ક્રેડીટની લેવડદેવડ કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. તપાસમાં જામનગરમાં નોંધાયેલી ત્રણેય પેઢી ફકત કાગળ પર ચાલતી હોવાનું પણ બહાર આવ્યું છે. જો કે, ડીજીજીઆઇ દ્રારા પેઢી કે તેના માલીકના નામ તથા કેટલી રકમની આઇટીસી ખોટી રીતે મેળવવામાં આવી છે તે જાહેર કરવામાં ન આવતા અનેક સવાલ ઉઠ્યા છે.
અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં તાજેતરમાં સીબીઆઇસીની ખાસ દેશવ્યાપી ડ્રાઇવમાં રાજકોટ કમિશનોરેટમાં જામનગરમાં અધધ..૪૭૯ શંકાસ્પદ જીએસટીએન એકટીવ હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ત્યારે અમદાવાદના કરોડોના જીએસટી ચોરીક કૌંભાડમાં પણ જામનગરની ૩ બોગસ પેઢીનો પર્દાફાશ થતા જામનગર બોગસ બીલીંગનું હબ બન્યાનો વધુ એક પુરાવો મળ્યો છે. આટલું જ નહીં એક પછી એક કૌંભાડ પરથી ડીજીજીઆઇ અને સેન્ટ્રલ જીએસટીની ટીમો પડદો ઉચકતા સ્થાનિક અધિકારીઓની કામગીરી સામે સળગતા સવાલ ઉઠયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application