BREAKING NEWS

રાજકોટના યુવાન સાથે અમદાવાદની લૂંટેરી દુલ્હને ૨.૬૭ લાખની ઠગાઈ, ફેસબુકમાં જાહેરાત જોઇ સંપર્ક કર્યો'તો

  • November 20, 2025 05:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના રૈયાધાર વિસ્તારમાં બંસીધર પાર્કમાં રહેતા યુવાન સાથે લુંટેરી દુલ્હન આણી ટોળકીએ રૂપિયા 2.67 લાખની છેતરપિંડી કર્યા અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફેસબુકમાં જાહેરાત જોયા બાદ અમદાવાદના મેરેજ બ્યુરો મારફત યુવતી સાથે લગ્ન કર્યા હતા. જે યુવતી દસ દિવસ ઘરે રોકાયા બાદ માવતરે ગઈ હતી અને બાદમાં યેનકેન પ્રકારના બહાનાઓ બતાવી પરત ફરી ન હતી. યુવતીના મામાએ યુવાનને ગાળો ભાંડી પૈસા પરત આપવાનો ઇનકાર કરી ધમકી આપી હતી. જેથી યુવાને આ મામલે ફરિયાદ નોંધાવી છે.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રૈયા રોડ પર બંસીધર પાર્ક શેરી નંબર ત્રણ પ્રસાદ એપાર્ટમેન્ટ સામે બ્લોક નંબર 263 માં રહેતા વિપુલ ગોપાલભાઈ લાઠીયા (ઉ.વ. 37) નામના યુવાને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમદાવાદમાં સ્વામિનારાયણ પાર્ક નવા નરોડા વિસ્તારમાં રહેતા રાજુભાઈ ઠક્કર જય માડી મેરેજ બ્યુરોના સંચાલક હસમુખ મહેતા, અમદાવાદમાં સ્વામિનારાયણ એપાર્ટમેન્ટ શેલ્બી હોસ્પિટલ પાછળ રહેતી ચાંદની રમેશભાઈ રાઠોડ તેની માતા સુશીલાબેન અને રમેશ રાઠોડના નામ આપ્યા છે.


યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2023 માં તેણે ફેસબુકમાં એક જાહેરાત જોઈ હતી જે જય માડી મેરેજ બ્યુરો જેમાં 21 વર્ષથી 50 વર્ષ સુધીના અનમેરિડ તેમજ ડિવોર્સીના મેરેજ માટે મળો અને મોબાઈલ નંબર લખ્યા હતા. યુવાને સંપર્ક કરતા જય માડી મેરેજ બ્યુરોમાંથી હસમુખભાઈ મહેતા બોલું છું તેમ કહ્યું હતું યુવાને લગ્ન બાબતે પૂછતા કહ્યું હતું કે, અમે નાના ઘરની તેમજ સારા ઘરની છોકરીઓના લગ્ન કરાવી આપીએ છીએ. સો ટકા અમારી જવાબદારી અમે કોઈ ફ્રોડ કરતા નથી. તેવી વાત કર્યા બાદ યુવાન અને તેના પરિવારજનો અમદાવાદમાં ગોમતીપુરામાં પુષ્પા કોમ્પ્લેક્સ પટેલ મીલ પાસે આવેલી આ મેરેજ બ્યુરોની ઓફિસે ગયા હતા અને તેમને વાત કરતા તેમણે એક રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનું કહ્યું હતું જેના રૂપિયા 1100 આપ્યા હતા. બાદમાં હસમુખભાઈએ કહ્યું હતું કે હવે તમારા લાયક કોઈ પાત્ર આવશે તો તમને જાણ કરવામાં આવશે.


ત્યારબાદ વર્ષ 2024 ના ફેબ્રુઆરી માસમાં હસમુખભાઈ મહેતાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારે લાયક એક પાત્ર છે તમે રૂબરૂ ઓફિસે આવો જેથી યુવાન તથા તેના પરિવારજનો અહીં જતા અહીં હસમુખભાઈ મહેતાએ પ્રથમ એક યુવતીને જોવા લઈ ગયા હતા જે મહારાષ્ટ્રની રહેવાસી હોય તેથી યુવાને ના કહી હતી. બાદમાં રાજુભાઈ ઠક્કરને ફોન કર્યો હતો અને આ રાજુભાઈ ઠક્કરે ચાંદની રાઠોડ કે જે તેની ભાણી હોય તેની વાત કરી હતી. જે યુવાનને પસંદ પડતા સુકન પેટે નાળિયેર તથા રૂપિયા 1100 રોકડ આપ્યા હતા. હસમુખભાઈએ કહ્યું હતું કે, લગ્ન પેટે તમારે છોકરીના પરિવારને 2.30 લાખ આપવાના રહેશે ત્યારબાદ વાત નક્કી કરી યુવાન તથા તેનો પરિવાર ઘરે આવી ગયો હતો. 14 દિવસ પછી રાજુભાઈનો ફોન આવ્યો હતો અને લગ્ન નક્કી થયું હતું બાદમાં યુવાને રૂપિયા 2.30 લાખ આપ્યા હતા ત્યારે હાજર વકીલે કહ્યું હતું કે તમારા લગ્ન પુરા થયા. યુવાનના પરિવારે ચાંદનીને સોનાની બુટ્ટી અને પગના સાંકડા આપ્યા હતા. લગ્ન બાદ દસેક દિવસ ચાંદની યુવાનના ઘરે રોકાયા બાદ કહ્યું હતું કે, રીતી રિવાજ મુજબ દસ દિવસ રોકાવા જવું પડશે ત્યારબાદ તેના પરિવારજનો તેને તેડી ગયા હતા.


દસ દિવસ બાદ યુવાને ફોન કરતા ચાંદનીના મામા રાજુભાઈએ કહ્યું હતું કે, ચાંદીનીના દાદી ગુજરી ગયા છે અને તે રાજસ્થાનના ઝાલોદમાં ગઈ છે થોડા દિવસો બાદ ફરી ફોન કરતા કહ્યું હતું કે, ચાંદની નું એક્સિડન્ટ થયું છે પગે પાટા આવ્યા છે યુવાન અહીં રૂબરૂ જઈ જોતા તેને પગમાં પાટા આવ્યા હોય આ સમયે રાજુભાઈ રૂપિયા 1000 આપવાનું કહેતા યુવાને આપ્યા હતા અને તેને રાજકોટ સારવાર લઈ જવાનું કહેતા યુવતીના મામાએ ના કહી હતી. બાદમાં તેને યુવાનને ફોન કરી સારવાર ખર્ચના રૂપિયા 20,000 આપવાનું કહેતા યુવાને ના કહી હતી બાદમાં અવારનવાર ફોન કરવા છતાં તેઓ યુવતીને મોકલતા ન હતા. જેથી યુવાને મેરેજ બ્યુરો સંચાલક હસમુખભાઈ મહેતાને વાત કરી હતી પરંતુ તેમણે પણ સમાધાનની માત્ર વાતો કરી હતી. બાદમાં યુવતીના મામા રાજુભાઈને ફોન કરતા તેણે ગાળો આપી કહ્યું હતું કે જે થાય તે કરી લ્યો પૈસા નથી આપવા પોલીસ કેસ કરવો હોય તો કરી લેજો મને કોઈની બીક નથી. જેથી અંતે યુવાનને છેતરાયાનો અહેસાસ થતાં આ અંગે તેણે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News