દિલ્હીથી મુંબઈ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં આજે વહેલી સવારે સર્જાયેલી ગંભીર ટેકનિકલ ખામીએ થોડા સમય માટે મુસાફરોમાં ભયનો માહોલ સર્જ્યો હતો. ઉડાન ભર્યા બાદ થોડા જ સમયમાં વિમાનના એક એન્જિનમાં અચાનક ખામી સર્જાતા પાઇલટે તાત્કાલિક નિર્ણય લઈ વિમાનને ફરી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતાર્યું હતું. પરિસ્થિતિની ગંભીરતા જોતા એરપોર્ટ પ્રશાસન દ્વારા ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
પ્રાપ્ત માહિતી મુજબ, એર ઈન્ડિયાની ફ્લાઇટ એઆઈ 887 સવારે 6:40 વાગ્યે દિલ્હીથી મુંબઈ માટે રવાના થઈ હતી. ઉડાન દરમિયાન પાઇલટને વિમાનના જમણા એન્જિનમાં અસામાન્ય સ્થિતિની જાણ થઈ હતી. ટેકનીકલ એલર્ટ પરથી ખામીની પુષ્ટિ થતા, પાઇલટે સલામતીને પ્રથમ પ્રાથમિકતા આપીને તરત જ એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તમામ ઇમરજન્સી પ્રોટોકોલ અમલમાં મૂકવામાં આવ્યા અને એરપોર્ટ પર ફાયર બ્રિગેડ, મેડિકલ ટીમો તેમજ સુરક્ષા દળોને તૈયાર રાખવામાં આવ્યા હતા.
વિમાન થોડા સમયમાં જ સુરક્ષિત રીતે દિલ્હીમાં લેન્ડ થયું હતું. લેન્ડિંગ બાદ તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સલામત રીતે વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા. એરપોર્ટ પર હાજર અધિકારીઓએ મુસાફરોને જરૂરી સહાય પૂરી પાડી હતી અને તેમને વૈકલ્પિક વ્યવસ્થાઓ અંગે જાણ કરવામાં આવી હતી.
એર ઈન્ડિયાના પ્રવક્તાએ આ બાબતે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ફ્લાઇટ એઆઈ 887માં ટેકનિકલ સમસ્યા નોંધાતા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ વિમાનને દિલ્હી પરત લાવવામાં આવ્યું હતું. વિમાન સંપૂર્ણપણે સુરક્ષિત રીતે લેન્ડ થયું છે અને તમામ મુસાફરો તથા ક્રૂ સુરક્ષિત છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ખામી અંગે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે.
છેલ્લા કેટલાક મહિનાઓથી એર ઈન્ડિયાના વિમાનોમાં વારંવાર ટેકનિકલ ખામીઓ સામે આવતી હોવાને કારણે એવિએશન સલામતી અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ વર્ષ દરમિયાન અમદાવાદમાંથી લંડન જઈ રહેલી એક ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત બન્યાની ઘટના હજુ લોકોના મનમાં તાજી છે, જેમાં ભારે જાનહાનિ થઈ હતી. આવી ઘટનાઓને પગલે નાગરિક ઉડ્ડયન વિભાગ તેમજ એરલાઈન્સની મેન્ટેનન્સ પ્રક્રિયાઓ પર ફરીથી કડક નજર રાખવાની માંગ ઉઠી રહી છે. હાલની ઘટનામાં કોઈ નુકસાન ન થતાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ આ પ્રકારની પુનરાવૃત્તિ એવિએશન ક્ષેત્ર માટે ચિંતા જનક સંકેત ગણાઈ રહી છે.