લોકમેળાની ૩૪ યાંત્રિક રાઇડ્સ માટેની તમામ અરજીઓ પોલીસમાં જમા
લોકમેળાની ૩૪ યાંત્રિક રાઇડ્સ માટેની તમામ અરજીઓ પોલીસમાં જમા
September 01, 2026 02:32 PM
રાજકોટના લોકમેળાને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે મેળાની મુખ્ય આકર્ષણ ગણાતી યાંત્રિક રાઇડ્સને લઈને તંત્રએ હજુ બ્રેક મારી રાખી છે. લોકમેળાની કુલ ૩૪ યાંત્રિક રાઇડ્સ માટેની અરજીઓ પોલીસ વિભાગમાં જમા થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી એકપણ રાઇડને મંજૂરી આપવામાં આવી નથી. રાઇડ સંચાલકો પરમિશનની રાહ જોઈ રહ્યા છે, જ્યારે પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા સલામતીના માપદંડોની ચકાસણી હાથ ધરવામાં આવી છે..વિરાસતથી વિકાસ લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટવાના હોવાથી રાઇડ્સની સુરક્ષાને લઈને તંત્ર કોઈ જોખમ લેવા તૈયાર નથી. માત્ર અરજી જમા કરાવવાથી કે રાઇડ ઊભી કરી દેવાથી તેને શરૂ કરવાની મંજૂરી નહીં મળે. રાઇડના માળખાની મજબૂતીથી લઈને મશીનરીની સ્થિતિ, ટેક્નિકલ ચકાસણી, જરૂરી પ્રમાણપત્રો અને અન્ય સલામતીના માપદંડો સુધી તમામ પાસાંની તપાસ બાદ જ અંતિમ નિર્ણય લેવાશે અને આ વખતે તંત્ર દ્વારા સાવચેતીનો વધુ કડક અભિગમ અપનાવવામાં આવ્યો છે. ચકાસણી દરમિયાન કોઈ ખામી સામે આવે તો સંબંધિત રાઇડને મંજૂરી નહીં મળે અને ખામી દૂર કર્યા બાદ જ આગળની કાર્યવાહી થશે. લોકમેળો નજીક આવી રહ્યો છે ત્યારે રાઇડ સંચાલકોમાં પરમિશન મેળવવા માટે દોડધામ વધી છે. જોકે, મેળો શરૂ કરવાની ઉતાવળ કરતાં લોકોની સુરક્ષા પ્રથમ હોવાનો સંદેશ તંત્રએ આપ્યો છે. તમામ ચકાસણીમાં રાઇડ્સ ખરી ઉતરશે ત્યાર બાદ જ તેમને લીલી ઝંડી મળશે. એટલે હાલ ૩૪ અરજીઓ પોલીસ પાસે છે, પરંતુ મંજૂરીની સંખ્યા શૂન્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અહેવાલમાં દર્શાવેલા આંકડા આજે બપોરના ૧ વાગ્યા સુધીના સમયના છે. તેમજ હાલમાં તમામ મોરચે ચકાસણી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે આ આંકડામાં બદલાવ આવી શકે છે.