રાજકોટમાં શાસ્ત્રીનગરમાં રહેતો યુવાન વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી ઘર છોડી ચાલ્યા ગયા બાદ મેટોડા પાસે યુવાનના ભાઈ રેવન્યુ તલાટીને આંતરી હુમલો હાથપગ ભાંગી નાંખ્યા હતાં. જે અંગે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ અંગે મેટોડા પોલીસે તપાસ હાથ ધરી મુખ્ય આરોપી વિજય મકવાણા સહિત પાંચ આરોપીઓને ઝડપી લીધા હતાં. આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા અદાલતે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.
૧૫૦ ફૂટ રિંગરોડ પર શાસ્ત્રીનગરમાં રહેતાં દિલિપભાઇ વિનુભાઇ વિરડા (ઉ.વ.૩૬) એ મેટોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વિજય નારણ મકવાણા અને ત્રણ અજાણ્યાં શખસોના નામ આપી જણાવ્યું હતું કે, તે મામલતદાર કચેરી કાલાવડ તાલુકામાં રેવન્યુ તલાટી તરીકે ત્રણેક વર્ષથી નોકરી કરે છે.
ગઇ તા.૬ ના તે કાલાવડથી સાંજના નોકરી પુરી કરી સાથે નોકરી કરતા વિપુલભાઈ કાલરીયા સાથે કાર લઇને રાજકોટ આવવા રવાના થયેલ આ દરમિયાન મેટોડા જી.આઈ.ડી.સી.થી થોડા આગળ વડ વાજડી ગામના ગેઇટ પાસે પહોચતા એક બાઈક ચાલકે કાર આગળ પોતાનું બાઈક આડુ રાખી દીધેલ અને ત્યાં ટ્રાફીક હોય જેથી બ્રેક મારેલ તે દરમ્યાન બે અજાણ્યા માણસો ધોકા સાથે તેઓનો સાઇડ આવેલ અને લાકડાનો ધોકાથી ડ્રાઇવર સાઇડના દરવાજો તોડી નાખેલ અને કહેલ કે, તારો ભાઈ વિશાલ કયા છે? વિજયભાઇના પૈસા દેતો નથી જવાબ દેતો નથી વિજયભાઇએ કિધુ છે આજ તો તને પતાવી જ દેવો છે તેમ કહી ધોકાના ઘા ફટકારી યુવાનના હાથપગ ભાંગી નાંખ્યા હતાં. જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. બાદમાં આ અંગે પોલીસે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
બનાવને એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના હેઠળ ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ મેટોડા પીઆઇ એસ.એચ.શર્માની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરી આ ખુની હુમલાની ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં મુખ્ય આરોપી વિજય નારણભાઇ મકવાણા(ઉ.વ ૩૨ રહે. શાસ્ત્રીનગર શેરી નં.૨ ગાંધીગ્રામ ૧૫૦ ફૂટ રીંગરોડ,રાજકોટ) સહિત પાંચેય આરોપીઓને ઝડપી લીધા હતાં. પોલીસની તપાસમાં અન્ય આરોપીઓએ કબુલાત આપી હતી કે, વિજયના પૈસાની ઉઘરાણી કરવા માટે દિલીપ ઉર્ફે પીન્ટો ભીખુભાઇ રાઠોડના કહેવાથી તલાટી પર હુમલો કર્યો હતો. પોલીસે આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજુ કરતા અદાલતે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતાં. આરોપીને ઝડપી લેવાની આ કામગીરીમાં મેટોડા પીઆઇ એસ.એચ.શર્માની રાહબરી હેઠળ એેએસઆઇ મયુરસિંહ, હેડ કોન્સ. યોગીરાજસિંહ, ઉપેન્દ્રસિંહ, કોન્સ. સુભાષભાઇ, રવુભાઇ, શકિતસિંહ અને રાજદિપસિંહ સાથે રહ્યા હતાં.
આરોપી વિજય મકવાણા સામે આઠ ગુના
તલાટી યુવાન પર ખુની હુમલાના ગુનામાં પકડાયેલા આરોપી વિજય મકવાણા સામે આઠ ગુના નોંધાઇ ચૂકયા છે. જેમાં આટકોટમાં રાયોટ, રાજકોટ ડીસીબીમાં આર્મ્સ એકટના બે ગુના, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મારામારી, મની લેન્ડના બે ગુના, ધ્રોલમાં ખુની હુમલો અને એમવી એકટનો ગુનો નોંધાઇ ચૂકયો છે.