હળવદ શહેરમાં બ્રાહ્મણ ભોજનશાળા નજીક ચાલી રહેલા રોડ ખોદકામ દરમિયાન જમીનમાંથી નીકળેલા લાખો રૂપિયાના કોપર ટેલિફોન કેબલના સંભવિત ગાયબ થવાના મામલે શહેરમાં ભારે ચર્ચા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટનામાં તંત્ર, કોન્ટ્રાકટર અને જવાબદાર કર્મચારીઓની ભૂમિકા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે રોડ ખોદકામ દરમિયાન અંદાજે ચાર ટ્રેકટર જેટલો કોપર કેબલ બહાર નીકળ્યો હતો, પરંતુ પાલિકાના રેકોર્ડમાં માત્ર એક ટ્રેકટર જેટલો જ કેબલ જમા કરાવવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે બાકીના ત્રણ ટ્રેકટર જેટલો કેબલ કયાં ગયો, કોણ લઈ ગયું અને તેની જવાબદારી કોની છે તેવા સવાલો ઉઠી રહ્યા છે. માહિતી મુજબ આ કોપર કેબલની કિંમત અંદાજે રૂા. ૮થી ૧૦ લાખ જેટલી હોઈ શકે છે. તેમ છતાં સમગ્ર મામલે સ્પષ્ટ્ર જવાબ આપવા બદલે જવાબદાર અધિકારીઓ દ્રારા કેબલ આટલો જ હતો જેવા જવાબો આપવામાં આવી રહ્યા હોવાનું આક્ષેપકારોનું કહેવું છે. જાગૃત નાગરિકો દ્રારા સમગ્ર પ્રકરણમાં જાહેર સંપત્તિના સંભવિત નુકસાન અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે. સાથે જ કોન્ટ્રાકટર અને સંબંધિત તંત્રની ભૂમિકા અંગે નિષ્પક્ષ તપાસની માંગ પણ ઉઠી છે.વિરોધીઓ અને સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે સમગ્ર મામલામાં જવાબદારોને બચાવવા માટે તત્રં ભીનું સંકેલી રહ્યું છે અને હકીકતોને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જો ખરેખર ચાર ટ્રેકટર જેટલો કેબલ નીકળ્યો હતો તો તેની નોંધ કયાં છે અને બાકીની સામગ્રી કયાં ગઈ તે અંગે પારદર્શક જવાબ આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે