શહેરના લાખના બંગલા પાસે શૈક્ષણિક સંસ્થા ચલાવનાર સ્કુલ સંચાલક તેની ચેમ્બરમાં સ્ત્રી મિત્ર સાથે તેનો વીડિયો મેળવી લઇ કથિત પત્રકાર અને તેની ટોળકીએ આ વીડિયો વાયરલ કરવાનું કહી રૂ.૨૫ લાખની માંગણી કરી હતી. જો રકમ નહીં આપો તો વીડિયો વાયરલ કરી દઇશ અને જો આ બાબતે કોઇને કહેશો તો તમારૂ જીવવું મુશ્કેલ બની જશે તેવી ધમકી આપી હતી.આ અંગે સંચાલકે ડીસીબીમાં ફરિયાદ નોંધવતા પોલીસે ચાર શખસો સામે ગુનો નોંધી કથિત પત્રકાર સહિત ત્રણને ઝડપી લીધા હતાં.જયારે સ્કુલમાં સીસીટીવી ફિટ કરવા આવનાર શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં ભારતીનગર શેરી નં. ૨ માં રહેતા યશપાલસિંહ સિંધુભા ચુડાસમા(ઉ.વ ૪૭) દ્વારા ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે આશીષ ડાભી, એઝાઝ, ધર્મેશ અને ફરિયાદીની શૈક્ષણિક સંસ્થામાં સીસીટીવી ફીટ કરનાર શખસનું નામ આપ્યું છે. ફરિયાદી ગાંધીગ્રામ, લાખના બંગલા ચોક પાસે, નિધી સ્કુલ નામની શૈક્ષણીક સંસ્થા ચલાવે છે.
ફરિયાદીની સ્કુલની ચેમ્બરનો ફોટો હતો
ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈ તા.૧૯/૦૫/૨૦૨૫ રોજ સાંજના આશરે ચારેક વાગ્યાની આસપાસ અજાણ્યા મોબાઇલ નંબર પરથી એક વ્હોટ્સ એપ મેસેજ આવ્યો હતો તે જોતા સોશીયલ રીપોર્ટ સાંધ્ય દૈનીકનો એક ફોટો હતો જેમાં રાજકોટની રામાપીર ચોકડી નજીક લાખના બંગલા પાસે આવેલ નામાંકીત સ્કુલનો બિભત્સ વિડીયો થયો વાયરલ તેવું લખેલ ફોટો મોકલેલ. જેમાં ફરિયાદીની સ્કુલની ચેમ્બરનો ફોટો હતો.
ફરિયાદી અને તેની સ્ત્રી મિત્ર આલીંગન અવસ્થામાં હોય તેવું દેખાતું હતું
જેમાં ફરિયાદી અને તેની સ્ત્રી મિત્ર આલીંગન અવસ્થામાં હોય તેવું દેખાતું હતું. અને જેની નીચે વિદ્યાના મંદીરને કલંકીત કરતો નરાધમ કોણ? તેવું લખેલ હતું. ત્યાર પછી તરત જ ફરિયાદીને બીજો મેસેજ આવ્યો હતો અને આ નંબરમાંથી મોકલવામાં આવેલ બીજો મેસેજ તરત જ ડીલીટ કરી દેવામાં આવેલ હતો. ફરિયાદીએ પોતાની રીતે તપાસ કરતા આ સોશીયલ રીપોર્ટ સાંધ્ય દૈનીક આશીષ ડાભી સંચાલીત છે તેવું ધ્યાનમાં આવ્યું હતું. જેથી તે ખુબ જ ડરી ગયા હતાં. બાદમાં તેમણે પોતાના મિત્ર અનિરૂધ્ધભાઈ નકુમને ફોન કરી પોતાને બદનામીથી બચાવવા કહ્યું હતું.
ફરિયાદીએ મનોમન આત્મહત્યા કરવાનું પણ વિચારી લીધું હતું
ત્યારબાદ સોશીયલ રીપોર્ટ સાંધ્ય દૈનીકની ફેસબુક તથા ઈન્સ્ટાગ્રામની સાઈટ ઉપર આ ફોટો અપલોડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અનિરૂધ્ધભાઈ નકુમએ બીજા દીવસે સવારે ફરિયાદીને મળીને જણાવેલ કે, આશીષ ડાભી આવ્યો હતો. અને તેની પાસે આવા સાત વિડીયો છે. અને આ વિડીયો વાયરલ નહીં કરવા પેટે તે રૂ.૨૫ લાખની માંગણી કરે છે. અને આ વિડીયો બીજા લોકો પાસે છે. જે લોકો સામે બેસવાની ના પાડે છે. તેમ જણાવી અનિરૂધ્ધ ભાઈએ કહ્યું હતું કે, મારા થકી આ મેટર પતી જશે, અને તમે જો આ રકમ તેને નહીં આપો તો આ વીડિયો વાયરલ થઈ જશે. જેથી ફરિયાદી ખુબ જ ગભરાય ગયા હતા અને મનોમન આત્મહત્યા કરવાનું પણ વિચારી લીધું હતું.
એજાજ તથા ધર્મેશ બન્ને મારી સાથે સંપર્કમાં છે
ત્યારબાદ ફરિયાદીને તેના મિત્ર ધર્મેન્દ્રસિંહ વાળાનો ફોન આવેલ અને કહ્યું હતું કે, એજાજ તથા ધર્મેશ નામના વ્યક્તિઓએ તેઓની પાસે ફરિયાદીના વિડીયો હોવાની વાત કરી છે. જેથી ફરિયાદીએ મિત્ર ધર્મેન્દ્રસિંહને આ વિડીયોવાળું પ્રકરણ પુરૂ કરાવવા કહ્યું હતું. ત્યારબાદ ફરિયાદી યશપાલસિંહ મિત્ર ધર્મેન્દ્રસિંહ વાળા સાથે ફોનથી સતત સંપર્કમાં હોય તેણે ફોન ઉપર કહેલ કે, એજાજ તથા ધર્મેશ બન્ને મારી સાથે સંપર્કમાં છે અને તેઓ બન્ને પૈસાની માંગણી કરે છે. જો આપણે તેઓને પૈસા આપી દેશું તો તેઓ આ વિડીયો વાયરલ નહીં કરે અને આ પ્રકરણ પતી જશે અને આ લોકોએ એવું પણ કહેલ છે કે, જો આ બાબતે પોલીસ કે અન્ય કોઈને વાત કરશો તો તમારૂ જીવવુ મુશ્કેલ બની જશે તેવી વાત કરી હતી. આમ આ શખસોએ કાવતરું રચી ફરિયાદીને બદનામીનો ડર બતાવી જે પેટે ખંડણીની રકમ પડાવવા માંગતા હોય તેવું ફરિયાદીને જણાઇ આવ્યું હતું.
ફરિયાદીએ વધુમાં જણાવ્યું છે કે, તેમની સ્કુલમાં જે-તે વખતે સીસીટીવી ફીટ કરનાર કંપનીનો માણસ જેની પાસે પાસવર્ડ હતા તે પાસવર્ડ મેં મારી અજ્ઞાનતાના કારણે બદલાવેલ ન હતા. જેથી આ સીસીટીવી ફીટ કરનાર માણસે મારી સ્કૂલના ચેમ્બરના સીસીટીવીના વીડિયો મેળવી લઈ આ શખસો સાથે મળી મને બ્લેકમેઈલ કરી મારી પાસેથી મોટી રકમ પડાવવા અને મારી અંગત જિંદગીને આમ જનતા સમક્ષ મુકી મને તથા મારી શૈક્ષણીક સંસ્થાને બદનામ કરવા કાવતરૂ રચેલ છે. જેથી તેમણે આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ
ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ.એલ. ડામોરની રાહબરીમાં ચારેય આરોપીઓ સામે બીએનએસ કલમ ૩૦૮(૫),૬૧(૨), ૫૪ તથા આઇ.ટી એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે તપાસ હાથ આરોપીઓ પૈકી આશીષ ડાભી, એજાજ અને ધર્મેશને ઝડપી લીધા હતાં. જયારે સ્કુલમાં સીસીટીવી ફિટ લગાવવા આવનાર શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ ટોળકીએ આ પ્રકારને અન્ય કોઇના વીડિયો મેળવી તેમની પાસેથી બળજબરીથી પૈસા પડાવ્યા કે કેમ? તેમજ ટોળકીમાં અન્ય કોણ સામેલ છે સહિતની બાબતો અંગે ક્રાઇમ બ્રાંચના પીઆઇ સી.એચ. જાદવ તપાસ ચલાવી રહ્યા છે.
સંચાલકે એક તબક્કે આપઘાત કરવા વિચારી લીધું હતું
સ્ત્રી મિત્ર સાથેનો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપતા પરિવાર અને સમાજમાં આબરૂ જશે તેવી ડરથી શાળા સંચાલકે એક તબક્કે આપઘાત કરી લેવા પણ વિચારી લીધું હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું છે.બાદમાં તેમણે હિંમત કરી આ ટોળકી સામે ફરિયાદ નોંધાવી હતી.
સંચાલક પાસેથી પૈસા કઢાવવાના આ કાંડને મિશન નામ આપ્યું હતું
શૈક્ષણિક સંસ્થાના સંચાલકનો અંગતપળોનો વીડિયો વાયરલ કરવાનું કહી તેમની પાસેથી રૂપિયા 25 લાખની માંગણી કરવામાં આવી હતી. જે અંગે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ચાર શખસો સામે ગુનો નોંધાયો છે. આ અંગે માહિતી આપતા ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આરોપીઓએ શૈક્ષણિક સંસ્થાના સંચાલક પાસેથી આ પ્રકારે પૈસા કઢાવવા માટે જે કાવતરૂ રચ્યું હતું તેને તેઓએ મિશન એવું નામ આપ્યું હતું. ડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે, જે વિડિયો શાળા સંચાલકને મોકલી તેને વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. તે વિડિયો છ સાત મહિના પૂર્વેનો હોવાનું માલુમ પડ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech