ગુજરાતમાં અસહ્ય ઉકળાટ અને ગરમીથી તોબા પોકારી ઉઠેલા નાગરિકો અને વાવણીની ચાતક નજરે રાહ જોઈ રહેલા જગતના તાત માટે હવામાન જગતના સૌથી જાણીતા નામ તરફથી રાહતના સમાચાર આવ્યા છે. આગાહીકાર અંબાલાલ પટેલે ચોમાસાના વિધિવત આગમનને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે.
ગુજરાતમાં ચોમાસાના વિલંબને લઈને ચિંતિત ખેડૂતો અને બફારાથી પરેશાન નાગરિકો માટે આગામી ૪૮ કલાક અત્યંત નિર્ણાયક સાબિત થવાના છે. પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી પૂર્ણ થવાના આરે હોવાનું જણાવીને સત્તાવાર ચોમાસાની નવી તારીખો જાહેર કરી છે. તેમના અનુમાન મુજબ આગામી ૧૫ જૂન પછી ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ બમણી ગતિએ સક્રિય થશે, જેના કારણે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ગાજવીજ અને પવનના સુસવાટા સાથે અસલી વરસાદી માહોલ જામશે.
જગતના તાત માટે આશાનું કિરણ
છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા વાતાવરણ વચ્ચે માત્ર ઉકળાટ વધતો હતો, પરંતુ હવે મેઘરાજા વિધિવત પધારવા તૈયાર છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 15 જૂન પછી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજવાળા પવનો મજબૂત થતાં વરસાદની તીવ્રતામાં ઉત્તરોત્તર વધારો થશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકોમાં ૧૫ થી ૨૦ જૂન વચ્ચે સારો એવો વાવણી લાયક વરસાદ પડી જવાની આશા છે, જે ખરીફ પાકના વાવેતર માટે અમૃત સમાન સાબિત થશે.
આગામી એક સપ્તાહ તાપમાન સ્થિર રહેશે: હવામાન વિભાગના અહેવાલ મુજબ, આગામી સાત દિવસ સુધી મહત્તમ તાપમાન યથાવત્ રહેવાની ધારણા છે. પવનની સ્થિતિ જોતાં, હાલમાં રાજ્યના નીચલા સ્તરોમાં દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તીવ્ર પ્રેશર ગ્રેડિયન્ટ હોવાને લીધે પવનની ગતિ થોડી વધુ રહેશે, જેમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી 15થી 20 નોટ્સની ઝડપે પવન ફૂંકાશે અને તે વધીને 25 નોટ્સ સુધી પહોંચી શકે છે.
ગત 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન ભાવનગર ખાતે 41.9°C નોંધાયું હતું. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં પવન કે વાવાઝોડાને લઈને કોઈ વિશેષ ચેતવણી આપવામાં આવી નથી. અમદાવાદમાં ગઈકાલે મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.6 ડિગ્રી વધુ છે. આગામી સમયમાં અમદાવાદમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે અને મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે.