BREAKING NEWS

અમેરિકાએ ઈરાનના 10 સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો, બદલામાં ઈરાને કુવૈત-બહેરીન પર એટેકઃ હોર્મુઝમાં બીજા એક જહાજ પર હુમલો

  • June 28, 2026 10:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મિડલ ઈસ્ટમાં સ્થિતિ વધુ વણસી રહી છે અને અમેરિકા તથા ઈરાન વચ્ચે સીધો સૈન્ય સંઘર્ષ શરૂ થઈ ગયો છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સત્તાવાર માહિતી શેર કરતા જણાવ્યું છે કે, અમેરિકી નૌકાદળે હોર્મુઝ સ્ટ્રેટ (હોર્મુઝની સામુદ્રધુની) નજીક આવેલા ઈરાનના ૧૦ પ્રમુખ સૈન્ય ઠેકાણાઓ પર જોરદાર હુમલો કર્યો છે. અમેરિકાએ આ કાર્યવાહી તેના ઓઈલ ટેન્કર પર થયેલા હુમલાના વળતા જવાબરૂપે કરી હોવાનું જણાવ્યું છે. આ સૈન્ય કાર્યવાહી બાદ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.


તેલ ટેન્કર ‘એમ/ટી કિકુ’ પર ડ્રોન હુમલા બાદ અમેરિકાનો વળતો પ્રહાર

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા ‘એમ/ટી કિકુ’ નામના એક મહત્વપૂર્ણ તેલ ટેન્કર પર ઈરાન દ્વારા ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રોયટર્સના અહેવાલ અનુસાર, આ હુમલામાં ઓઈલ ટેન્કરને મોટું નુકસાન પહોંચ્યું હતું, પરંતુ સદનસીબે તે સુરક્ષિત રીતે આગળ વધી રહ્યું છે. અમેરિકાએ આ હુમલા માટે સીધો ઈરાનને જવાબદાર ઠેરવ્યો હતો અને તેના જ વળતા પ્રહાર તરીકે ઈરાની સૈન્યના મિસાઈલ અને ડ્રોન લોન્ચિંગ સ્ટેશનોને નિશાન બનાવીને આ ભયાનક જવાબી કાર્યવાહી કરી છે.


ઈરાનનો વળતો દાવો: બહેરીન અને કુવૈતમાં અમેરિકી બેઝ પર મિસાઈલ મારો

અમેરિકાની આકરી સૈન્ય કાર્યવાહીના જવાબમાં ઈરાને પણ પીછેહઠ કરવાનો ઇનકાર કર્યો છે. ઈરાની સેનાએ દાવો કર્યો છે કે તેમણે બહેરીન અને કુવૈતમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર અનેક મિસાઈલો અને સશસ્ત્ર ડ્રોન વડે હુમલો કર્યો છે. ઈરાનના જણાવ્યા અનુસાર, અમેરિકાએ તેમના દેશની અંદર મિસાઈલ અને ડ્રોન ઠેકાણાઓ પર જે હુમલા કર્યા હતા, આ ઓપરેશન તેનો જ વળતો જવાબ છે. એક અમેરિકી અધિકારીએ પણ રોયટર્સને પુષ્ટિ આપી છે કે ઈરાને બહેરીન અને કુવૈત સહિતના પડોશી દેશો તરફ અનેક મિસાઈલો છોડી છે, જો કે આ હુમલામાં મિડલ ઈસ્ટમાં સ્થિત અમેરિકી સૈન્યને કોઈ મોટું નુકસાન થયું નથી કે કોઈ સૈનિકના જાનહાનિના સમાચાર નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application