BREAKING NEWS

અમેરિકાનો વેનેઝુએલા પર શાસન કરવાનો ઇરાદો નથી: માર્કો રુબિયો

  • January 05, 2026 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોએ સંકેત આપ્યો હતો કે અમેરિકા વેનેઝુએલાના રોજિંદા શાસનમાં તેલ નાકાબંધી લાગુ કરવા સિવાય કોઈ ભૂમિકા ભજવશે નહીં. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને સત્તા પરથી દૂર કર્યા પછી અમેરિકા વેનેઝુએલા પર કબજો કરશે તેના એક દિવસ પછી આ નિવેદન આવ્યું છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે અમેરિકા હાલ માટે વેનેઝુએલાનું સંચાલન કરશે અને સુરક્ષિત તેમજ વ્યવસ્થિત સત્તા પરિવર્તન સુધી ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે. તેમના નિવેદનથી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશ્નો ઉભા થયા છે કે અમેરિકા સીધા વેનેઝુએલાના શાસન પર કબજો કરશે.

આ ચિંતાઓ વચ્ચે, વિદેશ સચિવ માર્કો રુબિયોએ ટ્રમ્પના નિવેદનનું અલગ રીતે અર્થઘટન કર્યું. તેમણે કહ્યું કે અમેરિકાનો વેનેઝુએલા પર શાસન કરવાનો ઇરાદો નથી. રુબિયોના મતે, ટ્રમ્પ સીધા નિયંત્રણનો ઉલ્લેખ કરી રહ્યા ન હતા, પરંતુ પરિવર્તન લાવવા માટે દબાણ લાવવાનો ઉલ્લેખ કરી રહ્યા હતા.

અમેરિકા ડ્રગ હેરફેરને રોકવાને મુખ્ય ઉદ્દેશ્ય તરીકે ગણાવ્યું હતું. રુબિયોએ જણાવ્યું હતું કે આ મુદ્દાઓ પર નક્કર ફેરફારો ન થાય ત્યાં સુધી દબાણ ચાલુ રહેશે. રુબિયોએ એમ પણ કહ્યું હતું કે અમેરિકા તેના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને દરેક પગલું ભરશે. તેમણે કહ્યું હતું કે ભવિષ્યની નીતિ વેનેઝુએલામાં હાલમાં સત્તામાં રહેલા લોકોના પ્રદર્શનના આધારે નક્કી કરવામાં આવશે.

રુબિયોએ જણાવ્યું હતું કે ડ્રગ હેરફેર અને પ્રતિબંધિત શિપિંગને રોકવા માટે હાલની યુએસ લશ્કરી હાજરી પૂરતી છે. જો કે, તેમણે એ પણ સંકેત આપ્યો હતો કે જો જરૂરી હોય તો અન્ય વિકલ્પો પર વિચાર કરી શકાય છે.



પ્રતિબંધિત તેલ ટેન્કરોને જપ્ત કરવા માટે અમેરિકાનું દબાણ શક્તિશાળી સાધન: રુબિયો

રુબિયોએ સ્પષ્ટતા કરી હતી કે અમેરિકા વેનેઝુએલા સામે તેલ નાકાબંધી ચાલુ રાખશે. તેમણે જણાવ્યું હતું કે પ્રતિબંધિત તેલ ટેન્કરોને જપ્ત કરવા અને તેમની સામે કાર્યવાહી એ અમેરિકાનું દબાણ સૌથી શક્તિશાળી સાધન છે. આ દબાણ દ્વારા, વેનેઝુએલામાં નવા શાસન દ્વારા નીતિગત પરિવર્તન લાવવાની અપેક્ષા છે.



જો વાત ન માની તો માદુરો કરતાં પણ ખરાબહાલ થશે: ટ્રમ્પની વેનેઝુએલાના નવા નેતાને ધમકી

વેનેઝુએલા સામે અમેરિકાના પગલાં બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. તેમણે હવે વેનેઝુએલાના નવા નેતા ડેલ્સી રોડ્રિગ્ઝને ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું હતું કે જો તેની વાત ન માની તો તેના પરિણામો ભયંકર આવશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે જો ડેલ્સી રોડ્રિગ્ઝ યુએસ ઓપરેશન પછી પણ તેમની માંગણીઓનું પાલન કરવાનો ઇનકાર કરશે તો તેના ગંભીર પરિણામો આવશે. ટ્રમ્પે કહ્યું હતું કે, જો ડેલ્સી રોડ્રિગ્ઝ યોગ્ય કામ નહીં કરે, તો તેને માદુરો કરતાં મોટી કિંમત ચૂકવવી પડશે.


આજે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોને પહેલી વખત યુએસ કોર્ટમાં રજુ કરાશે

અમેરિકન સૈન્ય દ્વારા વેનેઝુએલા પર આક્રમણ કરીને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરવામાં આવ્યા બાદ દેશમાં અશાંતિનો માહોલ છે. ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વના ભાગ રૂપે રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને અમેરિકન સૈનિકો દ્વારા પકડી લેવામાં આવ્યા હતા. તેને આજે મેનહટન ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમના પર 25 વર્ષ સુધી નાર્કો-ટેરરિસ્ટ ષડયંત્ર કરવાનો આરોપ લગાવાયો છે. વેનેઝુએલાના સંરક્ષણ પ્રધાન વ્લાદિમીર પેડ્રિનો લોપેઝે યુનાઇટેડ સ્ટેટ્સ પાસેથી રાષ્ટ્રપતિ માદુરો અને ફર્સ્ટ લેડીને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું, જો આજે વેનેઝુએલા સાથે આવું થયું છે, તો કાલે કોઈપણ દેશ સાથે પણ આવું થઈ શકે છે. વેનેઝુએલામાં અમેરિકાની કાર્યવાહી વૈશ્વિક વ્યવસ્થા માટે ગંભીર ખતરો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application