BREAKING NEWS

રશિયા-ચીન સામે અમેરિકાની સૈન્ય તાકાત પડી ફીકી: હાઇપરસોનિક મિસાઇલો સામે અમેરિકા પાસે નથી કોઈ તોડ

  • April 28, 2026 10:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકાની સ્પેસ પોલિસીના આસિસ્ટન્ટ સેક્રેટરી માર્ક બર્કવિટ્ઝે અમેરિકી સેનેટની આર્મ્ડ સર્વિસીસ કમિટી સમક્ષ 'ગોલ્ડન ડોમ' (Golden Dome) મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ અંગેની સુનાવણી દરમિયાન આ ગંભીર સત્ય સ્વીકાર્યું છે. તેમણે સ્વીકાર્યું કે અમેરિકાનું વર્તમાન સુરક્ષા માળખું આધુનિક જોખમો સામે લડવા માટે પૂરતું નથી.


માત્ર ઉત્તર કોરિયા સામે લડવા સક્ષમ છે વર્તમાન સિસ્ટમ
માર્ક બર્કવિટ્ઝે જણાવ્યું હતું કે અમેરિકા પાસે અત્યારે જમીન આધારિત જે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે, તે અત્યંત મર્યાદિત અને સિંગલ-લેયર છે. આ સિસ્ટમ મુખ્યત્વે ઉત્તર કોરિયા જેવા દેશો દ્વારા કરી શકાય તેવા નાના પાયાના હુમલાઓને રોકવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી. જ્યારે રશિયા અને ચીન જેવા દેશો હવે 'નોન-બેલિસ્ટિક' જોખમો વિકસાવી રહ્યા છે, જે અમેરિકાની વર્તમાન ક્ષમતાથી જોજનો દૂર છે.


હાઇપરસોનિક મિસાઇલોનો કોઈ તોડ નથી

પેન્ટાગોનના અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો રશિયા કે ચીન હાઇપરસોનિક હથિયારો અથવા લાંબી દૂરીની એડવાન્સ્ડ ક્રૂઝ મિસાઇલોથી હુમલો કરે, તો અમેરિકા પાસે તેને હવામાં જ તોડી પાડવાની કોઈ ક્ષમતા નથી. હાઇપરસોનિક મિસાઇલો અવાજની ગતિ કરતાં પાંચ ગણી વધુ ઝડપે અને સતત પોતાની દિશા બદલીને હુમલો કરી શકે છે, જેના કારણે વર્તમાન રડાર અને ડિફેન્સ સિસ્ટમ તેને પકડી શકતી નથી.


ઈરાન અને ઉત્તર કોરિયાની વધતી શક્તિ
આ કબૂલાત એવા સમયે આવી છે જ્યારે પશ્ચિમ એશિયામાં ઈરાન સાથે યુદ્ધ જેવી સ્થિતિ છે અને ઉત્તર કોરિયા સતત નવા પરમાણુ પરીક્ષણો કરી રહ્યું છે. વોશિંગ્ટન માટે આ એક ચિંતાનો વિષય છે કે તેની પોતાની 'હોમલેન્ડ મિસાઇલ ડિફેન્સ' માં આટલી મોટી ખામીઓ છે. આ સ્થિતિને સુધારવા માટે અમેરિકા હવે 'ગોલ્ડન ડોમ' નામની નેક્સ્ટ જનરેશન મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ વિકસાવવા પર ભાર આપી રહ્યું છે.


અમેરિકા સામેના મુખ્ય પડકારો

ટેકનોલોજી ગેપની વાત કરીએ તો રશિયા અને ચીને હાઇપરસોનિક ટેકનોલોજીમાં અમેરિકા કરતા લીડ મેળવી લીધી છે. આ ઉપરાંત સપ્લાય ચેઈન અને બજેટની જો વાત કરીએ તો નવી સિસ્ટમ વિકસાવવા માટે જંગી ફંડ અને સમયની જરૂર છે. તેમજ મલ્ટી-ફ્રન્ટ જોખમમાં એકસાથે અનેક દેશો (રશિયા, ચીન, ઈરાન) તરફથી મળતી સૈન્ય સ્પર્ધા.


​​​​​​​પેન્ટાગોનનું આ આકલન દર્શાવે છે કે વિશ્વના સુપરપાવર ગણાતા અમેરિકાએ હવે પોતાની રણનીતિ અને સૈન્ય ટેકનોલોજીમાં ધરમૂળથી ફેરફાર કરવાની જરૂર છે, અન્યથા ભવિષ્યના યુદ્ધોમાં તે પાછળ રહી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application