BREAKING NEWS

અમેરિકાએ જપ્ત કરેલા બે ટેન્કર ભંગારમાં વેચ્યા: અલંગમાં ભંગાશે

  • August 11, 2026 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેનેઝુએલા સામે અમેરિકાની લશ્કરી અને આર્થિક કાર્યવાહીના ભાગરૂપે જપ્ત કરાયેલા બે પ્રતિબંધિત ઓઇલ ટેન્કરોનો અંત હવે ભારતમાં આવશે. અમેરિકી સરકારે ‘એરા’ અને ‘લિલેઓ’ નામના બે ટેન્કરો ભંગાર માટે વેચી દીધા છે અને બંને જહાજોને ભારતમાં શિપ-બ્રેકિંગ યાર્ડમાં તોડી પાડવામાં આવશે. આ જહાજો અલંગમાં ભંગાવા આવે તેવી સંભાવના છે. દુબઈસ્થિત જહાજ રિસાયક્લિંગ કંપની ગ્લોબલ માર્કેટિંગ સિસ્ટમ્સે ગયા મહિને બંને ટેન્કરો ખરીદ્યા હતા. જોકે સોદો કેટલી રકમમાં થયો તેની માહિતી જાહેર કરવામાં આવી નથી.વેચવામાં આવેલા ટેન્કરોમાંથી ‘એરા’ અગાઉ ‘મરીનેરા’ અને ‘બેલા-1’ નામે દરિયામાં ફરતું હતું, જ્યારે ‘લિલેઓ’ અગાઉ ‘ગેલિલિયો’ અને ‘વેરોનિકા’ નામથી ઓળખાતું હતું. પ્રતિબંધોના દાયરામાં આવેલા જહાજો પોતાનો ભૂતકાળ અને માલિકીની વિગતો છુપાવવા વારંવાર નામ અને ધ્વજ બદલતા હોવાના કિસ્સા સામે આવતા રહ્યા છે. અમેરિકાએ વેનેઝુએલામાં કરેલી લશ્કરી કાર્યવાહી બાદ આવા લગભગ 10 ઓઇલ ટેન્કરોને જપ્ત કર્યા હતા. ‘એરા’ ટેન્કર પર અમેરિકી કોસ્ટ ગાર્ડ અને લશ્કરી સ્પેશિયલ ફોર્સે જાન્યુઆરીમાં આઇસલેન્ડની દક્ષિણે કાર્યવાહી કરી હતી. આ પહેલાં અમેરિકન દળોએ એટલાન્ટિક મહાસાગરમાં અનેક અઠવાડિયાં સુધી તેનો પીછો કર્યો હતો. અમેરિકા વેનેઝુએલાના તેલની નિકાસ રોકવા માટે કેરેબિયન સમુદ્રમાં પ્રતિબંધિત ટેન્કરો સામે નાકાબંધી અમલમાં મૂકી રહ્યું હતું અને ‘એરા’ આ નાકાબંધીમાંથી છટકી ગયું હતું. વોશિંગ્ટનનો આરોપ હતો કે ‘એરા’નો ઉપયોગ વેનેઝુએલા ઉપરાંત ઈરાનના પ્રતિબંધિત તેલના પરિવહન માટે પણ થતો હતો. જહાજ તે સમયે રશિયન ધ્વજ હેઠળ સફર કરી રહ્યું હતું. લાંબા પીછા પછી તેને અમેરિકી દળોએ કબજે કર્યું હતું. અમેરિકાએ જાન્યુઆરીમાં જ રશિયન ધ્વજ હેઠળ ચાલતા બીજા ટેન્કર ‘લિલેઓ’ને કેરેબિયન સમુદ્રમાંથી જપ્ત કર્યું હતું. આ જહાજ રશિયા સામે અમેરિકાએ લાદેલા પ્રતિબંધોની યાદીમાં સામેલ હતું. આમ, બંને ટેન્કરો અલગ અલગ પ્રતિબંધ વ્યવસ્થાઓ સાથે સંકળાયેલા હતા, પરંતુ આખરે અમેરિકી કાર્યવાહીમાં બંને કબજે થયા. અહેવાલ પ્રમાણે દુબઈમાં મુખ્યાલય ધરાવતી કમ્એપની બંને ટેન્કરો ખરીદ્યા છે. કમ્પની જહાજોના રિસાયક્લિંગ ક્ષેત્રે કામ કરે છે. કંપનીના સીઈઓ અનિલ શર્માએ જણાવ્યું હતું કે બંને જહાજ અમેરિકી સરકારે કંપનીને વેચ્યાં છે અને વેચાણને અદાલતી મંજૂરી પણ મળી હતી. જોકે જહાજોની અગાઉની માલિકી અંગે કેટલીક જટિલતાઓ હોવાનું તેમણે સ્વીકાર્યું હતું. હવે બંને ટેન્કરોને ભારત લાવવામાં આવશે અને અહીંના શિપ-બ્રેકિંગ યાર્ડમાં તેનું વિઘટન કરવામાં આવશે. જહાજમાંથી મળતું સ્ટીલ અને અન્ય સામગ્રી રિસાયકલ કરવામાં આવશે. કયા ભારતીય શિપ-બ્રેકિંગ યાર્ડમાં બંને ટેન્કરો તોડવામાં આવશે તેની વિગતો હજુ જાહેર કરાઈ નથી. પ્રતિબંધથી બચવા નામ બદલતા ‘શેડો ફ્લીટ’ના જહાજો રશિયા, ઈરાન અને વેનેઝુએલા જેવા પ્રતિબંધિત દેશોના તેલ પરિવહનમાં સંકળાયેલા અનેક જૂના ટેન્કરો આંતરરાષ્ટ્રીય સ્તરે ‘શેડો ફ્લીટ’ તરીકે ઓળખાય છે. આવા જહાજો પશ્ચિમી પ્રતિબંધોથી બચવા માટે વારંવાર નામ, ધ્વજ, માલિકી અને નોંધણી બદલતા રહે છે. ‘એરા’ અને ‘લિલેઓ’ પણ અગાઉ જુદા જુદા નામ હેઠળ ચાલ્યાં હતાં. Reutersના અહેવાલ પ્રમાણે અમેરિકાએ વેનેઝુએલા સામેની કાર્યવાહી બાદ આવા 10 જેટલા ટેન્કરો કબજે કર્યા હતા. વેનેઝુએલાની તેલ નિકાસ પર અંકુશ મૂકવા અમેરિકાએ ડિસેમ્બર 2025થી પ્રતિબંધિત ઓઇલ ટેન્કરો સામે દરિયાઈ નાકાબંધી વધુ કડક બનાવી હતી. ત્યારબાદ અમેરિકી દળોએ વેનેઝુએલા સાથે સંકળાયેલા અનેક ટેન્કરોને દરિયામાં અટકાવ્યાં અથવા જપ્ત કર્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application