BREAKING NEWS

મહેસૂલી કર્મચારીઓનું સરકાર સાથે સુખદ સમાધાન; હડતાળ સમેટાઈ

  • October 10, 2026 10:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં મહેસૂલી વિભાગના કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને શરૂ કરવામાં આવેલી અચોક્કસ મુદતની હડતાળનો આખરે સુખદ અંત આવ્યો છે. સરકાર અને મહેસૂલી કર્મચારી મંડળ વચ્ચે સમાધાન થતાં કર્મચારીઓએ હડતાળ સમેટી લેવાનો નિર્ણય કર્યો છે. પરિણામે સોમવારથી રાજકોટ સહિત રાજ્યભરની કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરીઓ સહિત મહેસૂલી વિભાગની વિવિધ કચેરીઓમાં કામગીરી ફરી ધમધમતી થશે.મહેસૂલી કર્મચારીઓની હડતાળને કારણે છેલ્લા કેટલાક દિવસોથી સરકારી કચેરીઓમાં મહત્ત્વપૂર્ણ કામગીરી ખોરવાઈ હતી. ખાસ કરીને જમીનને લગતા પ્રશ્નો, મહેસૂલી નોંધો, વારસાઈ, ૭/૧૨ અને ૮-અના ઉતારા સહિતની વિવિધ સેવાઓ માટે કચેરીએ આવતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક અરજદારોને કામ થયા વિના જ પરત ફરવાની ફરજ પડી હતી, જ્યારે વકીલો અને ખેડૂતો સહિતના લોકોની કામગીરી પણ અટવાઈ હતી. આ પરિસ્થિતિ વચ્ચે સરકાર અને કર્મચારી મંડળ વચ્ચે થયેલી વાટાઘાટો બાદ સમાધાનનો માર્ગ નીકળતાં હડતાળનો અંત આવ્યો છે. મહેસૂલી મંડળના દાવા અનુસાર, કર્મચારીઓની કુલ ૧૩ માંગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે. હડતાળ સમેટાઈ જતાં હવે લાંબા સમયથી અટવાયેલાં કામોનો નિકાલ કરવાની જવાબદારી મહેસૂલી તંત્ર સામે રહેશે. કચેરીઓમાં અરજીઓનો ભરાવો દૂર કરવા અને નાગરિકોને સમયસર સેવાઓ મળી રહે તે માટે કામગીરીને વેગ આપવો પડશે. આમ, સરકાર સાથેના સમાધાનથી મહેસૂલી કર્મચારીઓના આંદોલનનો અંત આવ્યો છે અને સોમવારથી વહીવટી તંત્ર ફરી કાર્યરત બનતાં નાગરિકોને રાહત મળવાની આશા જાગી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application