ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉનની બગડતી તબિયત, બ્રેઈન હેમરેજ, કોમા અને મૃત્યુ પામ્યા હોવા અંગે સોશિયલ મીડિયા પર વિવિધ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારના અનેક દાવાઓ વચ્ચે ઉત્તર કોરિયાના સરકારી મીડિયા દ્વારા કિમ જોંગ ઉનની કેટલીક નવી તસવીરો જાહેર કરવામાં આવી છે. આ જાહેર કરાયેલી તસવીરોમાં તેઓ એક પ્રદર્શનની મુલાકાત દરમિયાન બાળકોના જૂતાં અને મહિલાઓના કપડાં જોતા નજરે પડી રહ્યા છે. જો કે, આ તસવીરોની કોઈ સ્વતંત્ર પૃષ્ટિ કરવામાં આવી નથી અને તે બાબત પણ હજુ સ્પષ્ટ નથી કે આ તસવીરો ક્યારે લેવામાં આવી હતી.
અમેરિકન અખબાર 'ન્યુ યોર્ક પોસ્ટ'ના અહેવાલ મુજબ, ઉત્તર કોરિયાની સરકારી ન્યૂઝ એજન્સી 'કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી' દ્વારા સોમવારે આ તસવીરો જાહેર કરવામાં આવી હતી. અહેવાલમાં જણાવ્યા અનુસાર કિમ જોંગ ઉને સોમવારે એક પ્રદર્શન સ્થળની મુલાકાત લીધી હતી. તસવીરોમાં તેઓ બાળકોના જૂતાં બારીકાઈથી જોતા, અધિકારીઓ સાથે ચર્ચા કરતા અને કાપડની ગુણવત્તા તપાસતા નજરે ચડે છે.
જાહેર કરાયેલી તસવીરોમાં કિમ જોંગ ઉન પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવેલી જુદી જુદી ચીજવસ્તુઓ અને પ્રોડક્ટ્સ નિહાળી રહ્યા છે. એક તસવીરમાં તેઓ આગળની તરફ ઝૂકીને એક નાની ગુલાબી રંગની જૂતી જોઈ રહ્યા છે, જેને હળવા ગુલાબી રંગનો ડ્રેસ પહેરેલી એક મહિલાએ પકડી રાખી છે. અન્ય એક તસવીરમાં તેઓ અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે, જેમાં તેમના હાથ ખુલ્લા છે અને તેઓ કોઈ અધિકારીને મહત્વની સૂચનાઓ આપી રહ્યા હોય તેવું પ્રતીત થાય છે.
વધુ એક તસવીરમાં કિમ એક મેનક્વિન પર લટકાવેલા ભૂરા-લાલ રંગના મહિલાઓના કોટની બાંય અને કાપડ તપાસતા દેખાઈ રહ્યા છે. તેમની આસપાસ અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત છે. આ તસવીરો દ્વારા સરકારી મીડિયાએ કિમની જાહેર પ્રવૃત્તિઓની માહિતી શેર કરી છે, પરંતુ તેના આધારે તેમની વર્તમાન સ્વાસ્થ્ય સ્થિતિ વિશે કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શકાતું નથી.
કિમ જોંગ ઉનના સ્વાસ્થ્યને લઈને આ અટકળો ત્યારે શરૂ થઈ જ્યારે અમેરિકામાં રહેતા ચીની નાગરિક વાંજુંજીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર અનેક દાવા કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે કિમનું નિધન થઈ ચૂક્યું છે. જો કે, આ તમામ દાવાઓ અંગે કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.