BREAKING NEWS

અમરેલી જેલના સુબેદાર હીરાભાઈ સોલંકી લાંચ લેતા ઝડપાયા: કેદીને સવલતો આપવા માટે માંગી હતી લાંચ, રાજકોટ ACBનો સપાટો

  • February 05, 2026 11:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લા જેલના ભ્રષ્ટાચારનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેલમાં બંધ આરોપીને વિશેષ ફેસેલીટી (સવલતો) પૂરી પાડવાના બહાને લાંચની માંગણી કરનાર સુબેદાર હીરાભાઈ સોલંકીને રાજકોટ એસીબી (ACB) ની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ સફળ ટ્રેપને પગલે જેલ વહીવટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે.


લાઠી બાયપાસ સર્કલ પાસે ગોઠવ્યું છટકું
રાજકોટ એસીબીની ટીમે મળેલી ચોક્કસ ફરિયાદના આધારે અમરેલીના લાઠી બાયપાસ સર્કલ નજીક વોચ ગોઠવી હતી. સુબેદાર હીરાભાઈ સોલંકી જ્યારે લાંચની રકમ સ્વીકારવા માટે આવ્યા ત્યારે જ એસીબીની ટીમે ત્રાટકીને તેમને દબોચી લીધા હતા.


કુલ ૧૦ હજારની લાંચનો ખેલ

તપાસમાં બહાર આવ્યું છે કે સુબેદારે કેદીને ફેસેલીટી આપવા માટે કટકે-કટકે લાંચ માંગી હતી. સુબેદારે ગઈકાલે જ ૫,૦૦૦ રૂપિયાની લાંચ લઈ લીધી હતી. બાકીના ૫,૦૦૦ રૂપિયા લેવા માટે આજે ફરી બોલાવ્યા હતા, જ્યાં તેઓ રંગેહાથ પકડાઈ ગયા હતા. ૧૦,૦૦૦ રૂપિયા નક્કી થયા હતા, જેમાંથી ૫,૦૦૦ રીકવર કરવામાં આવ્યા છે.


કેમ માંગી હતી લાંચ?

જેલમાં કાચા કે પાકા કામના કેદીઓને અમુક પાયાની જરૂરિયાતો કે વધારાની સગવડ (જેમ કે ઘરનું જમણવાર, મુલાકાત કે બેરેકમાં વિશેષ સુવિધા) માટે જેલના કર્મચારીઓ ઘણીવાર દબાણ કરતા હોય છે. હીરાભાઈ સોલંકીએ પણ એક આરોપીને જેલમાં આવી જ કોઈ ફેસેલીટી આપવાના વાયદા સાથે નાણાંની માંગણી કરી હતી.

રાજકોટ એસીબીની મોટી સફળતા
અમરેલી એસીબીને બદલે રાજકોટ એસીબીની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે. લાંબા સમયથી જેલના કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદો ઉઠતી હતી, ત્યારે આ ટ્રેપથી ભ્રષ્ટ કર્મચારીઓમાં કડક સંદેશ ગયો છે. હાલ એસીબીએ ગુનો નોંધીને હીરાભાઈ સોલંકીની વધુ પૂછપરછ હાથ ધરી છે કે આ ખેલમાં અન્ય કોઈ મોટા અધિકારી સામેલ છે કે કેમ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application