રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ની ડિજિટલ સર્વિસ કંપની, જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ, પ્રારંભિક જાહેર ઓફર (આઇપીઓ) શરૂ કરી રહી છે. કંપનીએ બજાર નિયમનકાર સેબ સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. આ ભારતીય શેરબજારના ઇતિહાસમાં સૌથી મોટો IPO હોવાની અપેક્ષા છે, જેનું કદ આશરે 4 બિલિયન ડોલર(આશરે રૂ.35,000 થી રૂ.40,000 કરોડની વચ્ચે) છે. આ ઓક્ટોબર 2024માં હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાના રૂ.27,859 કરોડના જાહેર બજારમાં પ્રવેશ કરતા મોટું હશે.
કંપનીનો ઉદ્દેશ્ય IPO દ્વારા 270 મિલિયન નવા ઇક્વિટી શેર જારી કરીને આશરે રૂ.42,000 કરોડ એકત્ર કરવાનો છે. રિલાયન્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ 19 જૂને કંપનીની વાર્ષિક શેરહોલ્ડર મીટિંગ (AGM)માં જણાવ્યું હતું કે, "જિયોનું પ્રસ્તાવિત લિસ્ટિંગ વિશ્વને બતાવશે કે ભારત વૈશ્વિક સ્તરે, વૈશ્વિક ક્ષમતાઓ અને વૈશ્વિક મૂલ્ય ધરાવતી ટેકનોલોજી કંપનીઓ બનાવી શકે છે."
જિયોનો IPO ક્યારે લોન્ચ થશે?
કંપનીએ ૧૯ જૂને સેબી સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું હતું. IPO માટે સત્તાવાર શરૂઆતની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. જોકે, નિષ્ણાતો માને છે કે IPO ઓગસ્ટ ૨૦૨૬ ના છેલ્લા અઠવાડિયામાં અથવા આગામી તહેવારોની મોસમ દરમિયાન લોન્ચ થઈ શકે છે. સેબી હાલમાં કંપની દ્વારા સબમિટ કરાયેલા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસની સમીક્ષા કરશે.
IPOની કિંમત શું હશે?
IPO માટે પ્રાઇસ બેન્ડ હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી. સેબીની મંજૂરી પછી બુક-બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા તેની જાહેરાત કરવામાં આવશે. જોકે, બજાર વિશ્લેષકો માને છે કે બેઝ પ્રાઇસ પ્રતિ શેર રૂ. ૪૨૫ થી વધુ હોવાની શક્યતા છે. કંપની પ્રાઇસ બેન્ડ સાથે રિટેલ રોકાણકારો માટે લોટ સાઇઝની પણ જાહેરાત કરશે.
IPOની આવકનો ઉપયોગ
જિયો પ્લેટફોર્મ્સ IPOમાંથી એકત્ર કરાયેલી રકમમાંથી આશરે રૂ.૨૭,૫૦૦ કરોડનો ઉપયોગ રિલાયન્સ Jio ઇન્ફોકોમના હાલના દેવાની ચુકવણી માટે કરશે. બાકીના ભંડોળનો ઉપયોગ દેશમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં કરવામાં આવશે.