વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપને તાજેતરમાં જ 25 વર્ષ પૂર્ણ થયાં છે. 26 જાન્યુઆરી 2001ના રોજ આવેલા આ ભયાનક ભૂકંપે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. હજારો લોકોનાં મોત, લાખો લોકો બેઘર અને અબજો રૂપિયાનું નુકસાન થયું હતું. આ ભયાનક ઘટનાની યાદ કચ્છીઓ અને ગુજરાતીઓ માટે આજે પણ ભૂલવી અશક્ય છે. કચ્છ વિસ્તાર ભૂકંપ સંવેદનશીલ ઝોન-5માં આવેલો હોવાથી અહીં નિયમિતપણે ભૂકંપીય પ્રવૃત્તિ જોવા મળે છે.
વૈજ્ઞાનિક સંશોધન પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી
કચ્છ ભૂકંપની 25મી વરસગાંઠના સંદર્ભમાં તાજેતરમાં ગાંધીનગર ખાતે ઈન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) દ્વારા ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. 23થી 25 જાન્યુઆરી દરમિયાન યોજાયેલી આ પરિષદનું શીર્ષક ‘ઇન્ટ્રાપ્લેટ અને હિમાલયન સિસ્મોલોજી’ હતું. પરિષદમાં છેલ્લા 25 વર્ષ દરમિયાન ઈન્ટ્રાપ્લેટ અને હિમાલયન રીજનમાં થયેલા નોંધપાત્ર વૈજ્ઞાનિક સંશોધન પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આ પરિષદ ISR અને ઇન્ડિયન સોસાયટી ઑફ અર્થક્વેક સાયન્સિસ (ISES)ના સહયોગથી યોજાઈ હતી. જેમાં “છેલ્લાં 25 વર્ષોમાં થયેલા વિકાસ” અને “એડવાન્સિસ ઇન અર્થક્વેક સાયન્સ” વિષય પર 9મી વાર્ષિક પરિષદ પણ આયોજિત કરવામાં આવી હતી. દેશ-વિદેશના વૈજ્ઞાનિકોએ ઈન્ટ્રાપ્લેટ અને હિમાલયન સિસ્મોલોજી અંગે પોતાના સંશોધન પેપર રજૂ કર્યા હતા.
આ સંશોધનમાં 110 ભારતીય અને 25 વિદેશી વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો
સોલિડ અર્થ જિયોફિઝિક્સ અને અર્થક્વેક પ્રિકર્સર્સ (SEAP) ગ્રુપ હેડ ડૉ. કે. મધુસૂધન રાવે આ સંશોધન અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે છેલ્લા 25 વર્ષમાં ઇન્ટ્રાપ્લેટ અને હિમાલયન રીજન અંગે વિશ્વકક્ષાએ નોંધપાત્ર સંશોધન થયું છે. આ સંશોધનમાં 110 ભારતીય અને 25 વિદેશી વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો અને પોતાના તારણો રજૂ કર્યા હતા. અભ્યાસમાં મુખ્યત્વે એ વાત સામે આવી કે ઇન્ટ્રાપ્લેટ રીજનમાં મોટા ભૂકંપ માઇક્રોપ્લેટની ગતિને કારણે આવી શકે છે. 2001માં ભુજમાં આવેલો ભૂકંપ પણ આ જ પ્રકારની ગતિનું પરિણામ હોવાનું સંશોધનમાં દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત યુએસએ સહિત અન્ય દેશોના ઇન્ટ્રાપ્લેટ રીજન સાથે ગુજરાતના કચ્છ વિસ્તારની ભૂગર્ભીય સમાનતાઓ અંગે પણ પરિષદમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
4થી 5 કિલોમીટર ડેપ્થ પર થતા હોવાથી મોટું નુકસાન થતું નથી
ડૉ. મધુસૂધન રાવે જણાવ્યું હતું કે કચ્છ વિસ્તાર ઝોન-5માં આવેલો હોવાથી અહીં ભૂતકાળમાં મોટા ભૂકંપ આવ્યા છે અને ભવિષ્યમાં પણ આવવાની સંભાવના નકારી શકાય નહીં. હાલ પણ આ વિસ્તારમાં નાના ભૂકંપ અને આફ્ટરશોક્સ નોંધાઈ રહ્યા છે, જે હજુ લાંબા સમય સુધી ચાલુ રહેવાની શક્યતા છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વિસ્તાર અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્રના લાલપુર, જૂનાગઢ અને ભાવનગર જેવા વિસ્તારોમાં હળવા ભૂકંપીય આંચકા વધુ અનુભવાય છે. આ ભૂકંપ સામાન્ય રીતે ઓછી ઊંડાઈએ, એટલે કે 4થી 5 કિલોમીટર ડેપ્થ પર થતા હોવાથી મોટું નુકસાન થતું નથી. ખાસ કરીને વરસાદી ઋતુ પછી આવી ભૂકંપીય પ્રવૃત્તિ વધુ જોવા મળે છે.
મોટા ભૂકંપ સામાન્ય રીતે 150થી 200 વર્ષના અંતરે આવતાં હોય છે
ડૉ. રાવે વધુમાં જણાવ્યું કે આવા હળવા ભૂકંપોમાં ભૂગર્ભીય ઊર્જા સર્ફેસ સુધી પહોંચતાં અવાજ સાથે આંચકો અનુભવાય છે, જેના કારણે લોકોને મોટો ભૂકંપ આવ્યો હોવાનો ભ્રમ થાય છે. પરંતુ વાસ્તવમાં આ નાના ભૂકંપ હોય છે. મહત્વની વાત એ છે કે આવા હળવા આંચકા સકારાત્મક ગણાય છે, કારણ કે તે ભૂગર્ભીય ઊર્જાને ધીમે ધીમે બહાર કાઢી દે છે, જેના કારણે મોટા ભૂકંપની શક્યતા ઘટે છે. પરિષદમાં રજૂ થયેલા અભ્યાસ મુજબ કચ્છ વિસ્તારમાં મોટા ફોલ્ટ લાઈન્સ હાજર છે. આ કારણોસર 1890 અને 2001માં અહીં 7.5થી વધુ મેગ્નિટ્યુડના વિનાશક ભૂકંપ આવ્યા હતા. આવા મોટા ભૂકંપ સામાન્ય રીતે 150થી 200 વર્ષના અંતરે આવતાં હોય છે. આ વચ્ચેના સમયગાળામાં નાના ભૂકંપો અને આફ્ટરશોક્સ ચાલુ રહે છે. જોકે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આટલી તીવ્રતાવાળા ભૂકંપની સંભાવના ઓછી હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું.
આ ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભૂકંપ પૂર્વ સૂચના પ્રણાલી (Earthquake Early Warning System), હિમાલયન ભૂકંપીય પ્રવૃત્તિ, સક્રિય ફોલ્ટ લાઈન્સ, પૃથ્વીની આંતરિક રચના, ભૂકંપ જોખમ માઇક્રોઝોનેશન અને આપત્તિ વ્યવસ્થાપન જેવા વિષયો પર તાજા વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ભારત અને વિદેશના મળીને 150થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લઈ પોતાના અનુભવ અને સંશોધન શેર કર્યા હતા. નિષ્ણાતોએ આશા વ્યક્ત કરી કે આવા સંશોધન અને પરિષદો દ્વારા ભૂકંપ અંગેની સમજ વધશે અને ભવિષ્યમાં આપત્તિ સમયે રાહત તથા બચાવ કામગીરી વધુ અસરકારક બનાવી શકાય, જેથી માનવહાનિ અને સંપત્તિનું નુકસાન ઓછું કરી શકાય.