હિમાલયના ખોળામાં વસેલા ઉત્તરાખંડ ક્ષેત્ર નીચે મુખ્ય ભૂગર્ભીય તિરાડ (ફોલ્ટ લાઇન) મજબૂતીથી 'લોક' થઈ ચૂકી છે, જેના કારણે ત્યાં સતત ટેક્ટોનિક તણાવ અને ઊર્જા જમા થઈ રહી છે. સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ તમિલનાડુના સંશોધકોએ ચેતવણી આપી છે કે આ ફોલ્ટ લાઇનમાં એકઠી થઈ રહેલી ઊર્જા દર ૧૦૦ વર્ષે ૮.૧ની તીવ્રતાના વિશાળ ભૂકંપ બરાબર છે. જાપાની અંતરિક્ષ એજન્સીના સેટેલાઇટ રડાર અને ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમના ડેટાને મિલાવીને મેન હિમાલયન થ્રસ્ટનો અભ્યાસ કરવામાં આવ્યો છે, જ્યાં આ ગંભીર ભૂગર્ભીય સ્થિતિ સામે આવી છે.અભ્યાસ અનુસાર, ઉત્તરાખંડ હિમાલયમાં જમીન દર વર્ષે ચારથી છ મિલીમીટર સુધી ઉપર ઉઠવાના પુરાવા મળ્યા છે. ભારતીય પ્લેટ સતત યુરેશિયન પ્લેટ સાથે ટકરાઈ રહી છે. પરંતુ ભારતીય પ્લેટની ગતિનો એક મોટો હિસ્સો ખસવાને બદલે અટકી ગયો છે. ઉત્તરાખંડ નીચે આ ફોલ્ટ લાઇન ૧૧૫ કિલોમીટરની પહોળાઈમાં પૂરી રીતે ફસાઈ ગઈ છે. જ્યારે પ્લેટો ખસી શકતી નથી, ત્યારે આસપાસના ખડકો વળવા લાગે છે અને તેમાં સ્થિતિસ્થાપક તણાવ જમા થાય છે, જે આખરે ભારે ભૂકંપના સ્વરૂપમાં બહાર આવે છે.ઉત્તરાખંડ મધ્ય હિમાલયી 'સીસ્મિક ગેપ'નો હિસ્સો છે, એટલે કે આ હિમાલયનો એવો વિસ્તાર છે જ્યાં છેલ્લા ૨૦૦થી પણ વધુ વર્ષોમાં કોઈ બહુ મોટો વિનાશકારી ભૂકંપ આવ્યો નથી. અભ્યાસ અનુસાર, ઉત્તરાખંડ નીચે ફસાયેલી આ ફોલ્ટ લાઇન જ્યારે તૂટશે, ત્યારે તેની અસર માત્ર પહાડી વિસ્તારો સુધી સીમિત નહીં રહે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારો જેવા કે દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, બિહાર અને પંજાબ સુધી તેના આંચકા અનુભવાઈ શકે છે, જ્યાં કરોડોની વસ્તી રહે છે.વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે જમા થઈ રહેલી આ ઊર્જા એક વૈજ્ઞાનિક અનુમાન છે, કોઈ ચોક્કસ તારીખ કે સમયની ભવિષ્યવાણી નથી. આ અભ્યાસ એ નથી બતાવતો કે આગામી મોટો ભૂકંપ ક્યારે આવશે, પરંતુ એ સંકેત જરૂર આપે છે કે જોખમ સતત વધી રહ્યું છે. આ પરિસ્થિતિને જોતાં આ વિસ્તારોમાં ઈમારતોને ભૂકંપરોધી બનાવવી હવે માત્ર એક વિકલ્પ નથી, પરંતુ અત્યંત અનિવાર્ય બની ગયું છે.