BREAKING NEWS

તત્કાલીન આરોગ્ય મંત્રી વલ્લભભાઇ પટેલની હત્યામાં અનિરુદ્ધસિંહ ચંદુભા જાડેજાનો છૂટકારો

  • November 17, 2025 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
પડધરી તાલુકાના હડમતીયા ગામે એક કાર્યક્રમ દરમિયાન તત્કાલીન આરોગ્ય મંત્રી વલ્લભભાઈ પટેલની થયેલી હત્યાના આજથી 36 વર્ષ પહેલાંના કેસમાં આરોપી અનિરુદ્ધસિંહ ચંદુભા જાડેજા (રહે. હડમતીયા)ને અગાઉ રાજકોટ સેશન્સ કોર્ટે નિર્દોષ છોડી મૂક્યાના હુકમ સામેની સરકાર પક્ષે કરેલી સજા કરવાની અપીલ પર ગુજરાત હાઇકોર્ટે કાઢી નાખી સેશન્સ કોર્ટનો નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કાયમ રાખ્યો છે.

આ કેસની હકીકત મુજબ, પડધરી તાબેના હડમતીયા (જં.) ગામે તે વખતના ગુજરાત રાજ્યના કોંગ્રેસ પાર્ટીના સહકારી નેતા અને તત્કાલીન આરોગ્ય મંત્રી વલ્લભભાઇ પોપટભાઇ પટેલના ચૂંટણીલક્ષી કાર્યક્રમનું આયોજન કરેલ હતું, તે દરમિયાન તા. ૨૧/ ૧૧/ ૧૯૮૯ના રાત્રિના તેઓએ રામજી મંદિરે સભા લીધેલ તે વખતે સભા પૂરી થયા પછી આશરે નવ-સવા નવ વાગે વલ્લભભાઇ તેમના પગરખાં પહેરતા હતાં તે વખતે એક યુવાને છરી વડે છએક જેટલાં વલ્લભભાઇ ઉપર ઘા કરી પ્રાણઘાતક હુમલો કરીને નાસી ગયો હતો. જેમાં આ હુમલાખોર તરીકે હડમતીયા (જં.) ના શખ્શ અનિરુદ્ધસિંહ ચંદુભા જાડેજા હોવાનું ખુલેલ હતું. વલ્લભભાઇ પટેલને તાત્કાલિક તેમની ખાનગી મોટરકારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલે જવામાં આવેલ, ત્યાં તેમનું ડી.ડી. નોંધાયેલ અને ચાલુ સારવારે તેઓનું અવસાન થયેલ હતું. જે બનાવની ફરિયાદ તત્કાલીન ડીવાય.એસ.પી. રૂબરૂ હેમુભા તખુભા જાડેજાએ આપેલ હતી અને ફરીયાદ ઉપરથી આજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ થયેલ હતો. જે કેસની તપાસ પી.એસ.આઇ. વી.વી.ગોહિલે સંભાળી હતી અને તેઓએ જામખંભાળીયા જઈને આરોપી અનિરુદ્ધસિંહ ચંદુભા જાડેજાની ધરપકડ કરી હતી. પોલીસે તપાસ દરમીયાન સંખ્યાબંધ સાહેદોના નિવેદનો નોંધેલા હતા અને જરૂરી પંચનામાંઓ કરેલા હતા. સ્થાનિક પોલીસની તપાસ દરમીયાન આ તપાસમાં સી.બી.આઇ. પણ જોડાયેલ હતી. ત્યારબાદ તપાસ પૂરી થતાં પોલીસેચાર્જશીટ મુકતા રાજકોટ સેશન્સ કોર્ટમાં શરૂ થયેલ હતો જેમાં ફરીયાદપક્ષે કુલ ૮૪ જેટલાં સાક્ષીઓને તપાસેલ હતા અને ઢગલાબંધ દસ્તાવેજી પુરાવા રજુ કરેલા હતા. ટ્રાયલના અંતે તે વખતના અધિક સેશન્સ જજ સી.એ. સેજપાલે પોતાનો વિસ્તૃત ચુકાદો તા.૧૭/ ૦૪/ ૧૯૯૬ના રોજ જાહેર કરી આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂકેલ હતો. આવી ટ્રાયલ પૂરી થતાં સાડા છ વર્ષ જેટલો સમય ગયેલ હતો અને આ તમામ સમય દરમીયાન આરોપી જેલમાં રહેલ હતો. રાજકોટ સેશન્સ કોર્ટના ચુકાદાને સરકાર તરફે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરીને પડકારેલ હતો.

જે અપીલની સુનાવણી બનાવના આશરે ૩૬ વર્ષ બાદ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ નીકળેલ હતી. જેમાં આરોપી તરફે સિનિયર એડવોકેટ યોગેશ લાખાણી તથા તેમની સાથે એડવોકેટ ધર્મેશ દેવનાની અને રાજકોટના યુવા ધારાશાસ્ત્રી ગૌરાંગ ગોકાણી રોકાયા હતાં અને તેઓએ લેખિત અને મૌખિક દલીલો રજુ કરી સરકારની અપીલ રદ કરવા વિનંતી કરેલી હતી. આરોપી તરફે એવી દલીલ હતી કે, પંચનામું પુરવાર થયેલ નથી, આરોપીની ધરપકડ જ ગેરકાયદેસર હોવાનું પુરવાર થયેલ છે, આરોપીની ઓળખપરેડ સ્વરૂપનો પુરાવો તકલાદી પુરાવો છે અને આ પંચનામાનાં બંને પંચો ફરી ગયેલાં છે, તેથી પંચનામું પુરવાર થયું નથી. મુદ્દામાલની છરી આરોપી પાસે કબજે થઇ નથી પરંતુ તપાસનીશ પોલીસ દ્વારા રજુ કરવામાં આવી છે, તેથી ગુનામાં વપરાયેલ હથિયાર જ મુદ્દામાલની છરી હતી તેવું સાબિત થતું નથી. પોલીસે સાહેદોના નિવેદનો શંકાસ્પદ રીતે નોંધેલા છે. વળી, કોઇ દાર્શનિક સાહેદનો પુરાવો છે નહિ, તેથી પ્રોસિક્યુશનનો કેસ શંકારહિત સાબિત થયેલ નથી. જેથી આરોપીને સેશન્સ કોર્ટે છોડી મૂકેલ ચુકાદો કાયમ કરવા અને સરકારની અપીલ રદ કરવા બચાવપક્ષે દલીલો કરી હતી.

જે ધ્યાને લઇ હાઇકોર્ટે ઠરાવેલ છે કે, હાથ ઉપરના કેસમાં ટ્રાયલ કોર્ટનો ચુકાદો એકદમ કાયદાના સિધ્ધાંત મુજબનો છે અને પડેલ પુરવાનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરીને આપેલ ચુકાદો છે તેથી આવા ચુકાદામાં હાઈકોર્ટે હસ્તક્ષેપ કરવાપણું નથી તેમ ઠરાવીને હાઇકોર્ટે રાજકોટના એડિશનલ સેશન્સ જજ સી.એ.સેજપાલનો આરોપીને શંકાનો લાભ આપીને છોડી મૂકતો ૧૯૯૬નો ચુકાદો કાયમ કરેલ છે. આ કેસમાં આરોપી વતી સિનિયર કાઉન્સિલ યોગેશ લાખાણી, ધર્મેશ દેવનાની અને રાજકોટના યુવા ધારાશાસ્ત્રી ગૌરાંગ ગોકાણી રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application