જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મ સમાજની નવી કારોબારીની ટીમની તાજેતરમાં જાહેરાત કરાઇ હતી અને જિલ્લા મહિલા પ્રમુખ તથા મહિલા સંગઠનના અન્ય હોદ્દેદારો અને શહેર પ્રમુખ તથા અન્ય હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી અને તમામનું અનેક ભૂદેવોની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું.
જામનગર જિલ્લા તથા શહેર બ્રહ્મ સમાજ દ્વારા તાજેતરમાં શરદોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો, જેની સાથે સાથે શહેર જિલ્લાના બ્રહ્મ સમાજના સંગઠનના નવા હોદ્દેદારોની જાહેરાત પણ કરવામાં આવી હતી, જે તમામ હોદ્દેદારોને બ્રહ્મ સમાજના અનેક અગ્રણીઓ વગેરેએ ઉપસ્થિત રહીને અભિનંદન પાઠવ્યા હતા. જામનગર જિલ્લાના પ્રમુખ તરીકે આશિષભાઈ જોશીની જિલ્લાના મહામંત્રી તરીકે ભાસ્કરભાઈ જોશીની અગાઉ નિમણૂક કરી લેવાયા બાદ તેઓની ઉપસ્થિતિમાં સંગઠનના અન્ય હોદ્દેદારોના નામની જાહેરાત થઈ હતી, જેમાં શહેર પ્રમુખ તરિકે યુવા અગ્રણી કાર્યકર હિરેનભાઈ કનૈયાની નિમણુંક કરાઈ છે, જ્યારે શહેર મહામંત્રી તરીકે જસ્મીન ધોળકિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી.
આ સાથે જ જામનગર જિલ્લાની બ્રહ્મ સમાજની મહિલા પાંખની ટીમની પણ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના મહિલા પ્રમુખ તરીકે મનિષાબેન સુંબડ, જિલ્લા મહિલા મહામંત્રી તરીકે વૈશાલીબેન જોષી, શહેર મહિલા પ્રમુખ તરીકે જાગૃતિબેન ત્રિવેદી, શહેર મહિલા મહામંત્રી તરીકે મીનાબેન જ્યોતિષીની નિમણુંક કરાઈ હતી, જે તમામનું પુષ્પહાર કરીને સર્વે ભૂદેવોની વચ્ચે સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત યુવા ટીમમાં જિલ્લા યુવા પ્રમુખ તરીકે જનકભાઈ ખેતીયા, જિલ્લા યુવા મહામંત્રી તરીકે ચિરાગભાઈ પંડયા અને વિમલભાઈ જોષી, શહેર યુવા પ્રમુખ તરીકે ચિરાગભાઈ અસવાર, શહેર યુવા મહામંત્રી યશ મહેતા (ભૂદેવ) હર્ષલભાઈ જોષી વગેરેની નિમણૂક કરી લેવામાં આવી છે. આગામી સમયમાં બધી ટીમના ઉપપ્રમુખ તથા મંત્રીની ટીમ જાહેર કરવામાં આવશે તથા જિલ્લામાં તાલુકાની મુલાકાત લઈ વિસ્તૃત ટીમ પણ બનાવામાં આવશે, તેવી જાહેરાત નવનિયુક્ત જિલ્લા પ્રમુખ આશિષ જોષી દ્વારા કરવામાં આવી હતી, જેને સૌ કોઈ ઉદય હોય આવકાર આપ્યો હતો અને સમગ્ર નવનિયુક્ત ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.