ગાંધીનગર: રાજ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલીક્રિષ્નાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતની 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકાઓ માટે આગામી 26 એપ્રિલ, 2026 ના રોજ મતદાન યોજાશે. આ જાહેરાતની સાથે જ સમગ્ર રાજ્યમાં આજથી જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. ચૂંટણીની મતગણતરી અને પરિણામો 28 એપ્રિલ ના રોજ જાહેર કરવામાં આવશે.
ચૂંટણી કાર્યક્રમની મહત્વની વિગતો
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા શિડ્યુલ મુજબ ઉમેદવારી ફોર્મ ભરવાથી લઈને પરિણામ સુધીની પ્રક્રિયા નીચે મુજબ રહેશે
ચૂંટણીનું જાહેરનામું: 6 એપ્રિલ, 2026
ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 11 એપ્રિલ, 2026
ફોર્મની ચકાસણી: 13 એપ્રિલ, 2026
ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ: 15 એપ્રિલ, 2026
મતદાન: 26 એપ્રિલ, 2026
મતગણતરી: 28 એપ્રિલ, 2026
બેઠકોનું ગણિત અને મતાધિકાર
આ વખતે રાજ્યના કુલ 4 કરોડ 18 લાખ 91 હજાર 700 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ 10,039 બેઠકો પર જંગ જામવાનો છે, જેની વિગતો નીચે મુજબ છે:
15 મહાનગરપાલિકા: 1044 બેઠકો
84 નગરપાલિકા: 2632 બેઠકો
260 તાલુકા પંચાયત: 5271 બેઠકો
34 જિલ્લા પંચાયત: 1092 બેઠકો
આ ચૂંટણીની સૌથી મોટી વિશેષતા એ છે કે, ગુજરાત સરકારે તાજેતરમાં જે 8 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે, ત્યાં પ્રથમ વખત કોર્પોરેશન સ્તરે મતદાન થશે. આણંદ-કરમસદ, ગાંધીધામ, મહેસાણા, મોરબી, નડિયાદ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર અને વાપીમાં હવે વહીવટી માળખું બદલાયા બાદ આ પ્રથમ મોટી રાજકીય કસોટી સાબિત થશે.
ઝવેરી કમિશનના રિપોર્ટ બાદ આ ચૂંટણીમાં ઓબીસી (OBC) અનામત બેઠકોના નવા રોટેશનનો અમલ કરવામાં આવશે. નવી જોગવાઈઓ મુજબ, આ વખતે જિલ્લા પંચાયત પ્રમુખની 7 બેઠકો OBC માટે અનામત રાખવામાં આવી છે. આ નવા જ્ઞાતિ સમીકરણોને કારણે રાજકીય પક્ષોએ પોતાની રણનીતિમાં મોટા ફેરફારો કરવા પડશે.
સીમાંકન અને અનામતના પ્રશ્નોને કારણે રાજ્યની અનેક સ્થાનિક સંસ્થાઓમાં મુદત પૂર્ણ થયા બાદ પણ ચૂંટણી યોજાઈ શકી નહોતી, જેના કારણે ત્યાં વહીવટદારો શાસન કરી રહ્યા હતા. હવે ચૂંટણીની જાહેરાત થતા જ લોકશાહી ઢબે નવા જનપ્રતિનિધિઓની પસંદગીનો માર્ગ મોકળો થયો છે. રાજકીય પક્ષો હવે ઉમેદવારોની પસંદગી અને પ્રચારના શ્રીગણેશ કરશે.