લાલપુર તાલુકાના મેઘપર ગામમાં એસઓજીની ટુકડીએ ચેકિંગ હાથ ધરી, વધુ એક બોગસ તબીબને ઝડપી લીધો છે. તેની પાસેથી દવા સહિતની સામગ્રી મળી આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે મેઘપર પંથકમાં એક પછી એક બોગસ ડોકટરો પોલીસની ઝપટમાં આવી રહયા છે, અગાઉ અને તાજેતરમાં અલગ અલગ વિસ્તારોમાં મુન્નાભાઇ એમબીબીએસ મળી આવ્યા હતા.
જામનગરની એસ.ઓ.જી. શાખાની ટુકડી દ્વારા લાલપુર તાલુકાના મેઘપર ગામમાં ગરીબોની વસાહતોની વચ્ચે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન ઉપરોક્ત સ્થળે ઓરડી ભાડે રાખીને ગેરકાયદે દવાખાનું ચલાવતો મૂળ પશ્ચિમ બંગાળનો વતની મહંતા પશુપતિ બીશ્વાસ નામનો શખ્સ મળી આવ્યો હતો. જેના દવાખાનાની ચકાસણી કરતાં તેની પાસે કોઈપણ પ્રકારની મેડિકલ પ્રેક્ટિસની ડીગ્રી ન હોવા છતાં પોતે ગરીબ દર્દીઓને તપાસીને તેને દવા આપી આરોગ્ય સાથે ચેડાં કરી રહેલો મળી આવ્યો હતો.
આથી એસ.ઓ.જી. ની ટુકડીએ તેની અટકાય કરી લઈ પડાણા પોલીસ મથકમાં તેની સામે મેડિકલ પ્રેક્ટીશનર એકટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે, અને તેના દવાખાનામાંથી જરૂરી દવાઓ સહિતનો ૨૫૪૮નદ જથ્થો કબજે કરી લેવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર પંથક અને દેવભુમી દ્વારકા જીલ્લામાં સંખ્યાબંધ ડીગ્રી વગરના ડોકટરો પોલીસની ઝપટમાં આવી ચુકયા છે જે બતાવે છે કે હાલારમાં બોગસ ડોકટરોનો રાફડો ફાટયો હોય તેમ દવાખાના ખોલીને આવા તત્વો લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહયા છે અત્યાર સુધી પકડાયેલા શખ્સો પૈકી અમુક તો ઘણા સમયથી દવાખાના ખોલીને દવા આપતા હતા માટે આ દીશામાં વધુ સધન કાર્યાવાહી કરવાની માંગણી ઉઠવા પામી છે.