BREAKING NEWS

બીએલઓની કામગીરીના ભારણ વચ્ચે વધુ એક શ્વાસ થંભી ગયો: કુલ ત્રણ શિક્ષકોના મોત

  • November 22, 2025 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં હાલ ચાલી રહેલી એસઆઇઆર અને ચૂંટણીલક્ષી કામગીરીના અસહ્ય ભારણને કારણે શિક્ષકોમાં ભારે તણાવ વચ્ચે શિક્ષકોના મોતના સિલસિલામાં વધુ એક દુખદ ઘટના ઉમેરાઈ છે. તાપી જિલ્લાના વાલોડમાં બીએલઓ સહાયક તરીકે ફરજ બજાવતા એક મહિલા આચાર્યનું હાર્ટ એટેક આવતા નિધન થયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બેલધા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય (તા. વાલોડ) તરીકે ફરજ બજાવતા 56 વર્ષીય કલ્પનાબેન પટેલને બીએલઓ સહાયક તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ગુરુવારે રાત્રિ દરમિયાન અચાનક તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જેના કારણે તેમનું દુઃખદ અવસાન થયું છે. શાળાના આચાર્યના અચાનક નિધનથી સમગ્ર વાલોડ પંથક અને શિક્ષણ જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

આ ઘટના પહેલાં ગીર સોમનાથના કોડીનારમાં પણ ચૂંટણીલક્ષી કામગીરીના અસહ્ય ભારણ અને માનસિક તણાવને કારણે એક શિક્ષકે આપઘાત કરી લીધો હતો. તે અગાઉ કપડવંજમાં રમેશ પરમાર નામના શિક્ષકનું પણ બીએલઓ કામગીરી દરમિયાન જ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.

બીએલઓના જણાવ્યા મુજબ અગાઉ બીએલઓ તરીકે જેને મુખ્ય જવાબદારી સોંપવામાં આવતી હતી તેના મોબાઈલમાં આવેલા ઓટીપીના આધારે અન્ય પાંચ લોકો પણ કામ કરી શકતા હતા. પરંતુ આ વખતે જેનો મોબાઇલ હોય અને જેને ઓટીપી આવે તે વ્યક્તિ જ કામ કરી શકે તેવી વ્યવસ્થા હોવાના કારણે કામગીરી ઝડપથી થઈ શકતી નથી અને બીએલઓની સમસ્યા સમજ્યા વગર અધિકારીઓ ચેમ્બરમાં બેઠા બેઠા આદેશ આપી રહ્યા છે.

બીએલઓની કામગીરી સંભાળતા શિક્ષકો એવી વેદના ઠાલવે છે કે એસઆઇઆરની જટિલ કામગીરી માટે બીએલઓ તરીકે 99% પ્રાથમિક શિક્ષકોને રોકવામાં આવ્યા છે. શિક્ષક સિવાય આંગણવાડી કાર્યકર, ગ્રામ સેવક , તલાટી, રેવન્યુ તલાટી, વીજ કંપનીના કર્મચારી એમ 14 કેડરના કર્મચારીઓને રાખવાના હોય પણ માત્ર શિક્ષકોને રોકીને ગરીબ અને પછાત વર્ગના બાળકોનું શિક્ષણ બગાડી રહ્યાં છે. એક શાળામાંથી 3 કે 4 શિક્ષકોના બીએલઓ તરીકે હુકમ થયા છે.

મામલતદાર કચેરીમાંથી ટૂંકાગાળામાં કામગીરી પૂરી કરવા માટે ધમકીભરી ભાષામાં આદેશ કરવામાં આવતા હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે. ફોર્મ અપલોડ કરવા માટેની સાઇટ તદ્દન ધીમી ચાલે છે. પરિણામે એસઆઇઆરની કામગીરી પણ થતી નથી અને બાળકોનું શિક્ષણ પણ બગડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application