રાજકોટમાં ટ્રાફિક પોલીસ વધુ એક વખત વિવાદમાં આવી છે. મહિલા પોલીસ, ટીઆરબી જવાન અને રાહદારીઓ વચ્ચે બાકાઝીકી બોલી હતી. જેમાં મહિલા પોલીસે કાઠલો પકડ્યો તેવો રાહદારીએ આક્ષેપ કર્યો હતો. બાદમાં મામલો બીચક્યો હતો. જાહેરમાં પોલીસ અને રાહદારી વચ્ચે તુંતું-મેંમેના દૃશ્યો જોવા મળ્યા હતા. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને ટ્રાફિક પોલીસને ઉધડી લીદી હતી. આ સમગ્રે ઘટનાનો વીડિયો કોઈએ મોબાઈલમાં કેદ કરી લીધો છે.
મારો કાઠલો મેડમે પકડ્યો
વીડિયોમાં રાહદારી ટ્રાફિકને પોલીસને કહે છે કે મારો કાઠલો શું કામ પકડ્યો? હું પ્રેમથી જતો હતો ને...મારો કાઠલો મેડમે પકડ્યો. ત્યારે મહિલા ટીઆરબીએ કહ્યું કે તુકારો કર્યો એટલે. ત્યારે ટીઆરબી જવાન કહે છે કે આમાં બધું રેકોર્ડિંગ છે. એટલે રાહદારીએ કહ્યું કે હવે કાં તમારા આવડાક મોઢા થઈ ગયા. ત્યારે મહિલા ટીઆરબીએ કહ્યું કે, આવી દાદાગીરી નહીં કરવાની, બાજુમાં તારી બહેન પણ ઉભી હતી એને ખબર છે. તારા જેવા સતર જોયા છે. રાહદારીએ કહ્યું કે, મારો ફોન ભાંગી ગયો છે.
વાહનચાલક સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો
રાજકોટ શહેરમાં ટ્રાફિક શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સેજલબેન પરમારે આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, 2 જાન્યુઆરીના બપોરે કોઠારીયા ચોકડી બ્રીજ ઉપર ફરજ પર હતા ત્યારે 12.25 વાગ્યે કોઠારીયા ચોકડી ઉપર વાહન ચેકીંગની કરતા હતા. આ દરમિયાન આર.ટી.ઓ માન્ય નંબર પ્લેટ વગરનુ એક વાહન આવતા તેને રોકી તેના નંબર જોતા GJ10ED 7613 લખ્યુ હતુ. જેથી વાહન ચાલકને દંડ ભરવાનુ કહ્યુ હતુ.
જે સમયે તેમણે જણાવ્યુ હતુ કે, હુ પ્રેસમાથી છુ અને મારુ નામ સંજયભાઈ ધામેચા છે તમે કાયમ અહી બધા વાહન ચાલકોને હેરાન કરો છો તેમ કહી બોલાચાલી કરવા લાગ્યા હતા. જે બાદ ઝપાઝપી કરતા મને કાંડાના ભાગે મુંઢ ઈજા થઈ હતી અને આ દરમ્યાન તેનો મોબાઇલ ફોન નીચે પડી ગયો હતો. જેથી તે ભાઈ અમારી પર આક્ષેપ કરવા લાગ્યા હતા કે તમે મારો મોબાઇલ તોડી નાખ્યો છે. જેથી તેનો ખર્ચ આપી દો. ઇન્ચાર્જ PSI ડી.પી.ગોહીલે તે ભાઈને પૂછ્યું હતુ કે તમો કયા પ્રેસમા છો તમારી પાસે આઇકાર્ડ છે? તો તે ભાઈએ આઇકાર્ડ ન હોવાનુ જણાવ્યુ હતુ અને કોઇ પ્રેસનુ નામ આપ્યુ ન હતુ. જેથી પોલીસે ફરજમાં રૂકાવટ ન ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.