પાસા હેઠળ જેલમાં બંધ વિવાસ્પદ કિર્તી પટેલ સામે વધુ એક ગુનો નોંધાયો છે. સુરતના લસકાણા પોલીસ સ્ટેશનમાં તેમના વિરૂદ્ધ એક વેપારીએ ફરિયાદ નોંધાવી છે. વેપારી અને તેની પત્નીને અભદ્ર ભાષામાં ધમકી આપી હોવાનું સામે આવ્યું છે.
વેપારી અલ્પેશ ડોંડાની ફરિયાદ મુજબ સમગ્ર ઘટના ગત નવેમ્બર મહિનામાં બની હતી. અલ્પેશ ડોંડા એક ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશનમાં જોડાયા હતા, જ્યાં અન્ય બે વ્યક્તિ કીર્તિ પટેલ વિશે એલફેલ બોલી રહ્યા હતા. લાઇવ દરમિયાન અલ્પેશ ડોંડા કીર્તિ પટેલ વિરુદ્ધ કંઈપણ બોલ્યા નહોતા અને તેઓ માત્ર સાંભળી રહ્યા હતા. આ બાબતની જાણ થતાં કીર્તિ પટેલે તેની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી અલ્પેશ ડોંડાની આઈડી પર કોલ કર્યો હતો. કોલમાં કીર્તિ પટેલે ડોંડાને અભદ્ર ભાષામાં ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું.
કિર્તી પટેલે ડોંડાને સવાલ કર્યો હતો કે તેણે લાઇવ દરમિયાન મારી વિશે એલફેલ કેમ સાંભળી લીધું, કેમ કંઈ બોલ્યો નહીં. એટલું જ નહીં, કીર્તિ પટેલે અલ્પેશ ડોંડાની પત્ની વિશે પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ધમકીઓ આપી હતી. ધમકી આપવાની સાથે કિર્તી પટેલે સોશિયલ મીડિયા પર અલ્પેશ ડોંડા અને તેની પત્ની વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી પોસ્ટ વાઈરલ કરી હતી અને મેસેજ પણ કર્યા હતા, જેથી તેમને બદનામ કરી શકાય.
અપશબ્દો બોલી ધમકી આપવા અને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની પોસ્ટ વાઇરલ કરવા બાબતે લસકાણા પોલીસે કીર્તિ પટેલ સામે ધમકી આપવા અને બદનામ કરવાની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે કીર્તિ પટેલ પર અગાઉ મારામારી, ખંડણી, અને સોશિયલ મીડિયા દ્વારા બદનામ કરવા જેવી અનેક ફરિયાદો નોંધાઈ ચૂકી છે. આ નવો ગુનો તેનાં વિવાદાસ્પદ કૃત્યોની યાદીમાં વધારો કરે છે, જેથી કીર્તિ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં આ 10મો ગુનો નોંધાયો છે.