રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે પીએમ સ્વનિધિ યોજના હેઠળ શહેરી શેરી ફેરીયાઓને નવી લોન અરજી તેમજ બેંક લેવલે મંજુરી માટે પેન્ડીંગ અરજીઓ માટે બેન્કોની ઉપસ્થિતિમાં તા.૨૮ના રોજ પૂર્વ ઝોન કચેરી અને તા.૨૯ના પશ્ચિમ ઝોન કચેરી ખાતે સવારે ૧૦થી સાંજે પાંચ વાગ્યા સુધી લોક કલ્યાણ મેળા યોજાશે.
વિશેષમાં મ્યુનિ.પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણીના ભાગ રૂપે ભારત સરકાર દ્વારા શેરી ફેરિયાઓ માટે પીએમ સ્વનિધિ યોજના મારફત શેરીફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી આત્મનિર્ભર બને તે હેતુસર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ ફેરિયાઓ તેમનો વ્યવસાય શરુ કરી શકે તે હેતુથી તબક્કાવાર વર્કિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે. આ યોજનામાં સમગ્ર રાજકોટ શહેરના હોકર્સ ઝોન તથા શહેરના છુટાછવાયા સ્થળે ફેરી કરતા મહત્તમ શહેરી ફેરિયાઓને લાભ મળી રહે તે હેતુસર નવા લાભાર્થીઓ માટે લોન ફોર્મ ભરવા તથા જે લાભાર્થીઓની લોન અરજી બેંક લેવલે મંજુરી માટે પેન્ડીંગ છે તેમની અરજીઓના નિકાલ, લોન મેળવેલ ફેરિયાઓ તથા તેમના પરિવારજનોનું સામાજિક-આર્થિક પ્રોફાઇલિંગ થકી સરકારની અન્ય યોજનાઓનો લાભ મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા લોક કલ્યાણ મેળાનું આયોજન કરાયું છે.
લોક કલ્યાણ મેળામાં પીએમ સ્વનિધિ યોજનામાં અલગ-અલગ બેંકોમાં પેન્ડીંગ રહેલ મહતમ લોન અરજીઓ મંજુર થાય તે માટે તમામ બેંકોનાં અધિકારીઓને કેમ્પમાં હાજર રાખી કેમ્પના સ્થળેજ લોન અરજીઓ મંજુર કરવા માટે આયોજન કરેલ છે. સાથોસાથ લોન મંજુરી કેમ્પની સાથેજે ફેરિયાઓ લોન લેવા ઈચ્છુક હોય તેવા લાભાર્થીઓ માટેનવી લોન અરજીઓ પણ કેમ્પના સ્થળ ઉપર ઓનલાઈન કરી આપવામાં આવનાર છે.
આ કેમ્પમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે વહીવટી તંત્રની સાથોસાથ બેંકોનો સકારાત્મક સહયોગ મળે તે જરૂરી છે. વિશેષમાં, ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહન મળી રહે તે માટે શેરીફેરિયાઓનુ બેકો તથા ફોન પે તેમજ પે.ટી.એમ.ના એગ્રીગેટર દ્વારા ડીજીટલ ઓનબોર્ડીંગ કરી કેશબેક અંગેની સમજ પણ આપવામાં આવશે. તેમજ બીજી લોન પૂર્ણ થયેલ લાભાર્થીઓને ક્રેડીટ કાર્ડની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ માટે જેઓની લોન અરજી મંજુરીની પ્રક્રિયામાં છેતથા નવી લોન અરજી કરવા ઇરછુક તમામ લાભાર્થીઓએ કેમ્પનાં સ્થળે આધાર કાર્ડ, પાનકાર્ડ, બેંક પાસબુક ઓરીજીનલ તથા ઝેરોક્ષ તેમજ૨- પાસપોર્ટ સાઈઝના ફોટા તેમજ આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઇલ નંબર સાથે કેમ્પના સ્થળે ઉપસ્થિત રહેવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
લોક કલ્યાણ મેળાનો વધુને વધુ લોકો લાભ મેળવે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાન્ટ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા દ્વારા અનુરોધ કરાયો છે.