Are you tired of eating the same vegetables every day? So make special 'Bharela Tomato' with cashew-creamy rich gravy!
રોજનું એ જ શાક ખાઈને કંટાળ્યા છો? તો બનાવો કાજુ-મલાઈની રિચ ગ્રેવીવાળા સ્પેશિયલ 'ભરેલા ટામેટાં'!
ઉનાળાની ઋતુમાં રોજ રોજ દૂધી, ગલકા કે કોળું ખાઈને જો ઘરના સભ્યો કંટાળી ગયા હોય, તો કંઈક નવું અને ચટાકેદાર ટ્રાય કરવાનો આ બેસ્ટ સમય છે. હાલમાં 'ધ કપિલ શર્મા શો' ફેમ અભિનેત્રી અર્ચના પૂરન સિંહના વ્લોગમાં તેમની વહુ યોગિતા બિહાનીએ બનાવેલી 'ભરવા ટામેટા'ની રેસિપી સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડ કરી રહી છે. બટાકાના મસાલેદાર સ્ટફિંગ અને કાજુ-મલાઈની શાહી ગ્રેવીવાળું આ શાક રેસ્ટોરન્ટના સ્વાદને પણ ભુલાવી દે તેવું બને છે.
આ સ્વાદિષ્ટ વાનગી બનાવવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત
જરૂરી સામગ્રી
ટામેટાં અને સ્ટફિંગ માટે રિચ ગ્રેવી બનાવવા માટે
ટામેટાં: ૫-૬ નંગ• ડુંગળી: ૨ નંગ (ઝીણી સમારેલી અથવા પેસ્ટ)• બાફેલા બટાકા: ૩ નંગ (મેશ કરેલા)• કાજુ પેસ્ટ અથવા તાજી મલાઈ: ૨ મોટી ચમચી• આદુ-મરચાં: ૧ ચમચી (ઝીણા સમારેલા)• આખા મસાલા: તેજપત્તા, તજ, લવિંગ અને જીરું• મસાલા: હળદર, લાલ મરચું, ગરમ મસાલો, આમચૂર પાવડર• પાવડર મસાલા: ધાણાજીરું, કાશ્મીરી મરચું, હળદર, મીઠું
બનાવવાની આસાન રીત
૧. ટામેટાંને આપો 'કપ' જેવો આકાર
સૌપ્રથમ ટામેટાંને ધોઈને કોરા કરી લો. હવે છરીની મદદથી ટામેટાંનો ઉપરનો ભાગ ગોળ કાપી લો અને નાની ચમચીથી તેની અંદરનો બધો ગર્ભ (પલ્પ) અને બીજ કાળજીપૂર્વક બહાર કાઢી લો, જેથી ટામેટાં અંદરથી ખોખલા કપ જેવા દેખાય. આ નીકળેલા પલ્પને ફેંકવાને બદલે મિક્સર ક્રશ કરીને ગ્રેવી માટે અલગ રાખી લો.
૨. ચટાકેદાર આલુ સ્ટફિંગ તૈયાર કરો
એક પેનમાં એક ચમચી તેલ ગરમ કરી જીરું, આદુ અને મરચાંનો વઘાર કરો. ત્યારબાદ તેમાં મેશ કરેલા બટાકા ઉમેરો. હવે હળદર, મરચું, ગરમ મસાલો, આમચૂર પાવડર અને મીઠું નાખીને ૩ થી ૪ મિનિટ સુધી સરસ રીતે સાંતળી લો અને છેલ્લે કોથમીર મિક્સ કરો.
૩. ટામેટાં ભરીને શેકી લો
તૈયાર કરેલા બટાકાના મસાલાને ટામેટાંની અંદર ચમચીથી બરાબર દબાવીને ભરી લો. હવે પેનમાં બિલકુલ થોડું તેલ મૂકી, આ ભરેલા ટામેટાંને ઢાંકીને ધીમી આંચ પર ૫ થી ૭ મિનિટ માટે ફેરવતા રહીને શેકી લો, જેથી તેની ઉપરની છાલ નરમ થઈ જાય.
૪. શાહી ગ્રેવી બનાવો અને ફાઇનલ ટચ આપો
કઢાઈમાં તેલ અથવા ઘી ગરમ કરી આખા મસાલા અને જીરાનો વઘાર કરો, પછી ડુંગળીની પેસ્ટ નાખી તેને ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળો. હવે ટામેટાંનો બચેલો પલ્પ, ધાણાજીરું, હળદર અને કાશ્મીરી મરચું ઉમેરો. મસાલો તેલ છોડવા લાગે એટલે કાજુ પેસ્ટ કે મલાઈ ઉમેરી બે મિનિટ પકાવો, પછી અડધો કપ પાણી નાખી ઉકાળો. ગ્રેવી ઉકળે એટલે ગરમ મસાલો અને કસૂરી મેથી નાખીને શેકેલા ટામેટાંને અંદર મૂકી દો. ધીમા તાપે ૨-૩ મિનિટ ઢાંકીને ચડવા દો જેથી ટામેટાં ગ્રેવીનો સ્વાદ સોષી લે. તૈયાર છે ગરમાગરમ 'ઢાબા સ્ટાઇલ ભરેલા ટામેટાં'નું શાક! તેને કોથમીરથી સજાવી તંદૂરી રોટી, નાન કે જીરા રાઇસ સાથે પીરસો.