BREAKING NEWS

જસદણના નાની લાખાવડમાં પાડોશી વચ્ચે સશસ્ત્ર મારમારી: મહિલા સહિત ચારને ઇજા

  • October 06, 2025 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જસદણના નાની લાખાવડ ગામે પાડોશીઓ વચ્ચે મારમારી થઇ હતી. જૂની અદાવતમાં બંને પક્ષે લોખંડના પાઇપ અને પાવડા વડે હુમલો કરવામાં આવતા એક મહિલા સહીત ચારને ઇજા પહોંચી હતી. જે અંગે જસદણ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.


બનાવ અંગે જસદણના નાની લાખાવડ ગામે રહેતા કૈલાશબેન જયંતીભાઈ દુમાદીયા(ઉ.વ ૪૦) એ જસદણ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા કૌટુંબિક સગા કમલેશ નાજાભાઈ દુમાદિયા અને નીતિન નાજાભાઈ દુમાદિયાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. ૦૪/૧૦/૨૫ ના સાંજના સાડા પાંચ વાગ્યાની આસપાસ તે તથા તેના પતિ જયંતીભાઈ નાની લાખાવાડ ગામે મકાન પાસે ઢોર દોહ્વા માટે ગયા હતા. ત્યારે મકાનની બાજુમાં કુટુંબીની વાડી આવેલ છે, તે કમલેશભાઈ નાજાભાઈ દુમાદીયા તથા નીતિનભાઈ નાજાભાઈ દુમાદીયા બંને આવ્યા હતા અને ઢોર બાંધેલ તે બાજુ પથ્થરના ઘા કરવા લાગ્યા હતા. જેથી મહિલાએ તથા તેના પતિએ પથ્થરના ઘા કરવાની ના પાડતા બંને ગાળો બોલવા લાગ્યા હતા.


જે બાદ અમારી વચ્ચે બોલાચાલી થતાં બંને શખસોએ તેના હાથમાં રહેલ લોખંડના પાઇપ વડે માર મારવા લાગ્યા હતા. કમલેશ દુમાદીયાએ લોખંડનો પાઈપ ડાબા હાથના ભાગે મારી દેતા મહિલા નીચે પડી ગઇ હતી. બાદ પતિ વચ્ચે પડતા નીતિન દુમાદીયાએ પતિના મોઢાના ભાગે પાઇપનો ઘા ઝીંકી દીધો હતો. બાદ રાડારાડ થતા પાડોશી શૈલેષભાઈ દાહાભાઈ મેર તથા મહિલાના સાસુ જમનાબેન માવજીભાઈ, શોભનાબેન મુકેશભાઈ દુમાદીયા, હરેશભાઈ જેમાભાઈ દુમાદીયા આવી ગયેલ જેથી બંને હુમલાખોરો નાસી ગયેલ હતા.


વધુમાં પરિણીતાએ બનાવનું કારણ આપતાં જણાવ્યું હતું કે, નાની લાખાવાડ ગામે અમારા મકાન આવેલ છે તે મકાન બાદ આરોપીઓની જમીન આવેલ છે. જેથી જમીનમાં જવા માટે અમારા મકાન આગળથી ચાલતા હોય જેથી આ રસ્તા બાબતે જૂનું મન દુઃખ છે, જેનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો હતો.


જ્યારે સામાપક્ષે એમઆર તરીકે નોકરી કરતા કમલેશભાઈ નાજાભાઈ દુમાદિયાએ જસદણ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં કૈલાશબેન જયંતીભાઈ દુમાદિયા અને જયંતી માવજીભાઈ દુમાદિયાનું નામ આપતાં જણાવ્યું હતું કે, ગત તા.04-10-2025 ના સાંજના સાડા પાંચ વાગ્યાની આસપાસ અમે અમારા ખેતરમાં કામ કરતા હતા. ત્યારે મેં એક નડતરરૂપ પથ્થર શેઢા પાસે ફેકેલ હતો. જે બાબતે પાડોશી જયંતીભાઈએ મારા પર ખોટા આરોપ લગાવ્યા કે, મેં તેમના ઘર પર પથ્થર મારેલ છે અને તેનો ખાર રાખી મારા ડાબા હાથમાં પાવડાનો ઘા મારી દીધેલ હતો. બાદ જયંતિભાઈની પત્ની કૈલાશબેને મારા ભાઈ નીતિનભાઈના વાળ પકડીને નીચે પછાડી દીધેલ હતો. જેથી અમો બંને ભાઈએ તા.૦૪/૧૦ /૨૦૨૫ ના રોજ જસદણ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લીધી હતી.બનાવને પગલે જસદણ પોલીસે સામસામી ફરિયાદના આધારે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application