BREAKING NEWS

હું શું આતંકવાદી છું? ગુજરાત સરકારની તાનાશાહી, ભારત સરકાર ઈન્ડિગો સામે ઘૂંટણીયે પડી ગઈઃ અરવિંદ કેજરીવાલ

  • December 09, 2025 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસથી રાજકોટની મુલાકાતે છે. આજે તેઓ રાજકોટ જેલમાં બંધ ખેડૂતો અને આપના નેતાઓને મળવા જવાના હતા. આ માટે ગઈકાલે આપ દ્વારા જેલ પ્રસાશન પાસે મંજૂરી માંગી હતી જે આપવામાં આવી નથી. આથી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, હું શું આતંકવાદી છું કે મને ખેડૂતોને મળવા જેલમાં જવા દેતા નથી. આ તે લોકોની તાનાશાહી છે. અંગ્રેજો કરતા પણ બદતર હાલત કરી દીધી છે. કડદા પ્રથા વિરૂદ્ધ હડદડમાં ખેડૂતોએ આંદોલન કર્યું હતું. ત્યારે ખેડૂતો પર ભારતીય જનતા પાર્ટીએ અત્યાચાર કર્યો હતો. લાઠીઓ વરસાવવામાં આવી હતી. 88 ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી 42 લોકો બહાર છે બાકીના બે મહિનાથી જેલમાં બંધ છે. ધરપકડ કરી ત્યારે 24 કલાક સુધી પોલીસે તેઓને પાણી આપ્યું નહોતું. ભગવાનથી તો ડરો. કાલે હું એ ખેડૂતોના પરિવારને મળ્યો હતો અને તેઓ રડી રહ્યા હતા. 


અમે ઈન્ડિયા ગઠબંધનનો ભાગ નથી

કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, એક તરફ ખેડૂતો દુખી છે. બાળકોને ભણાવવા મોટા શહેરોમાં મોકલે છે પણ પેપર લિક થઈ જાય છે. આથી તેના બાળકોને બરબાદ કરી દીધા. ગુજરાત સરકાર દ્વારા બાળકોને ડ્રગ્સના દૂષણમાં ધકેલવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં આજે ખુલ્લેઆમ બે વસ્તુઓ મળી રહી છે એક ડ્રગ્સ અને બીજું ખાડા. ભાજપના એક નેતાનું નામ જણાવો કે જેની પાસે લોકો આશા રાખી શકે. અમારા નેતા બોલે છે તો લોકો તેને સાંભળે છે. કોંગ્રેસના એક નેતાનું નામ જણાવો કે લોકોને તેની પાસે આશા હોય. ગુજરાતના લોકોને બચાવવાનું કામ તમારૂ છે. ગુજરાત સરકાર એફઆઈઆર-એફઆઈઆર રમી રહી છે. અમારી સરકાર બનશે એટલે 24 કલાકમાં ખોટી એફઆઈઆર રદ કરી દઈશું. અમે ઈન્ડિયા ગઠબંધનનો ભાગ નથી. કોંગ્રેસ ઈચ્છતી જ નથી કે ગુજરાતમાંથી ભાજપની સરકાર જાય. ગુજરાતમાં તાનાશાહીની સરકાર છે. ​​​​​​​


મુંદ્રા પોર્ટ પૂરા દેશ માટે બહુ મોટું ડ્રગ્સનું હબ બની ગયુંઃ કેજરીવાલ

કેજરીવાલે આગળ ઉમેર્યું હતું કે, ઇન્ડિગો એરલાઈન્સની જે ઘટના બની છે. હજારો લોકો ભટકી રહ્યા છે. ભારત સરકાર એક એરલાઈન્સ સંભાળી શકતી નથી. મને લાગે છે બહુ મોટું કૌભાંડ છે. મુંદ્રા પોર્ટ પૂરા દેશ માટે બહુ મોટું ડ્રગ્સનું હબ બની ગયું છે. ડ્રગ્સના મોટા મોટા કન્સાઈનમેન્ટ પકડાઈ રહ્યા છે. ગુજરાતમાં ગલીએ ગલીએ ડ્રગ્સ વેચાઈ રહ્યું છે. આમાં ગુજરાત સરકાર શું કરે છે. અમે પંજાબમાં સરકાર આવી ત્યારે નશાનો સામાન વેચતા 25 હજાર લોકોની ધરપકડ કરી હતી. નશાનો સામાન વેચનારાના ઘરો પર બૂલડોઝર ફેરવી દીધા હતા. ગોવામાં 25 લોકોની હત્યા કરનારા આરોપીઓને સરકારે દેશમાંથી ભગાડી દીધા. જ્યારે મને છ મહિના જેલમાં નાખી દીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application