રાજકોટના આંગણે એશિયાનો સૌથી મોટો અને ભારતનો સૌપ્રથમ ભારતીય ગૌ વંશનો ઇન્ડિયન કેટલ શો 20, 21 અને 22 ફેબ્રુઆરી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. જેમાં ભારતીય ગૌ વંશની અલગ અલગ પ્રજાતિઓ જોવા મળશે. ઇન્ડિયન કેટલ શોની ટીમ આજકાલ સાંધ્ય દૈનિકની મુલાકાતે આવી હતી અને તેઓએ આ કેટલ શો અંગે માહિતી આપી હતી.
ઇન્ડિયન કેટલ શોની ટીમે જણાવ્યું હતું કે, તાજેતરમા મારવાડી કોલેજ ખાતે યોજાયેલા ઇન્વેસ્ટમેન્ટ સમિટમા પણ બ્રાઝીલના પોતાના પ્રવાસ અને ગીર ગાયની ભેટ દ્વારા દુધ ઉત્પાદનક્ષેત્રે બ્રાઝીલના અર્થતંત્રમા આવેલા અમૂલ્ય પરિવર્તનની વાત આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં કહેલી વાત દેશમાં ઉદ્યોગ, હસ્તકલા, ગૌ આધારિત વસ્તુઓની પ્રદર્શની તો યોજાય જ છે. પરંતુ બ્રાઝીલ દેશમાં સતત 99 વર્ષથી યોજાતી ગૌ વંશ સંવર્ધન પ્રદર્શનીમાંથી પ્રેરણા લઇ ભારતમાં સૌપ્રથમ રાજકોટના આંગણે આવુ અનોખુ પ્રદર્શન યોજવાનુ બીડુ કેટલાક નવયુવાન ઉદ્યોગપતિઓએ ઝડપ્યું છે.
વધુમાં જણાવ્યું હતું કે, આ સમગ્ર કાર્યક્રમનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે આપણી ગીર ગાય, કાંકરેજ ગાય આપણી દેશી વંશની ગાયો, વાછરડીઓ, નંદીઓનુ સંવર્ધન દેશ અને દુનિયામા કેવી રીતે થાય છે તેની પ્રત્યક્ષ માહિતી ખેડૂતો અને પશુપાલકોને મળી રહે તે છે. તેમજ તેઓને પ્રેરણા મળે અને ગૌ આધારીત ખેતીથી આખા દેશનુ અર્થતંત્રને વેગ મળે, લોકોને સ્વ-રોજગારી અને સાત્વીક આહાર પ્રાપ્ત થાય એવા ક્રાંતિકારી વિચાર સાથે વિશાળ ફલક ઉપર આ ગૌ પ્રદર્શનનુ આયોજન થવાનુ છે.
સાથે આ ત્રણ દિવસીય કાર્યક્રમ દરમિયાન ગૌ આધારિત એકમોને પ્રોત્સાહન આપવા આપણા ભારતના યુગ પુરુષ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના સૂત્ર હર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશીને ધ્યાને રાખી પશુ પાલકોને પ્રોત્સાહન આપવા ગૌ–એક્સ્પોનું આયોજન પણ થયું છે. જેમા સ્વદેશી વસ્તુ ગૌ આધારિત એકમોના સ્ટોલ હશે. પ્રાકૃતિક ખેતી તેમજ ઓર્ગેનિક વસ્તુઓનું વેચાણ પણ રાખવામા આવ્યું છે.
આ સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ગૌ પૂજન તેમજ ગૌ પ્રદર્શનનું ઉદ્ઘાટન થશે. સાથે ગુજરાતના મંત્રીઓ તેમજ સાધુ-સંતોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આ ત્રણ દિવસ દરમિયાન ભારતભરમાંથી અનેક સંવર્ધકો, પશુપાલકો અને વૈજ્ઞાનિકો, વેટરનરી ડોક્ટરો હાજર રહેવાના છે.
મુખ્ય અતિથિ તરીકે શંકરભાઈ ચૌધરી (અધ્યક્ષ – ગુજરાત વિધાનસભા), હર્ષભાઈ સંઘવી(નાયબમુખ્યમંત્રી, ગૃહમંત્રી ગુજરાત), પરષોતમભાઈ રૂપાલા (સાંસદ રાજકોટ), જીતુભાઈ વાઘાણી (કૃષિ,પશુપાલન મંત્રી ગુજરાત), નયનાબેન પેઢડીયા (મેયર ,રાજકોટ), ગોવિંદભાઈ ધોળકીયા (સાંસદ, રાજ્યસભા-સુરત), ભાનુબેન બાબરીયા (ધારાસભ્ય, રાજકોટ), ઉદયભાઈ કાનગડ (ધારાસભ્ય,રાજકોટ), રમેશભાઈ ટીલાળા (ધારાસભ્ય,રાજકોટ) અને દર્શિતાબેન શાહ (ધારાસભ્ય,રાજકોટ) હાજર રહેશે
દુનિયાભરમાંથી ખેડૂતો-પશુપાલકો આવશે
વધુમાં જણાવ્યું હતું કે, આ કેટલ શોમાં દેશ, વિદેશ સહિત દુનિયામાંથી લાખો પશુપાલકો અને ખેડૂતો ભાગ લેવાના છે. આગામી ૨૦, ૨૧, ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે એશિયાનો સૌથી મોટો અને ભારત દેશનો પ્રથમ વખત ભવ્યાતિભવ્ય ઇન્ડિયન કેટલ શો ૨૦૨૬નું આયોજન થવા જઈ રહ્યું છે. આ સમગ્ર આયોજન આઇએફઆઈઝેડસીઆઇની ટીમના સંકલનથી આઇસીએસ ગુજરાત ટીમના સભ્યો આયોજન કરી રહ્યા છે.
વિજેતા ગૌ વંશને શ્રેષ્ઠ ઇનામો અપાશે
ઇન્ડિયન કેટલ શોની ટીમે જણાવ્યું હતું કે, આપણા ભારતના રાષ્ટ્રીય ધરોહર સમાન ગીર અને કાંકરેજ નસલના ગૌ વંશનું પ્રદર્શન અને હરિફાઈનું આયોજન થવાનું છે. જેમાં ગુજરાતમાંથી 8000થી વધારે ગૌ વંશનું રજિસ્ટ્રેશન થયેલું છે. જેમાંથી ૧૦૦ ગીર અને ૧૦૦ કાંકરેજની પસંદગી કરાઈ છે. જેનું પ્રદર્શન અને હરિફાઈ થશે. એમાંથી વિજેતા ગૌ વંશને શ્રેષ્ઠ ઇનામોની જાહેરાત થશે. જેમા ચેમ્પિયન ઓફ ધ શો 2026 ગીર અને કાંકરેજ શ્રેષ્ઠ જાહેરાત થશે અને ઇનામ રાશિનું વિતરણ કરાશે. જેમા કુલ રકમ ૫૦ લાખથી વધારે છે. જે ખેડૂતો અને પશુપાલકો માટે ખુબ ગૌરવની વાત છે.
વિન્ટેજ કારોનું પ્રદર્શન યોજાશે
સાથે આ આયોજનમાં ખાસ યુવાનો આ કાર્યક્રમમાં જોડાય એ માટે સાંસ્કૃતિક કાર્યક્રમ 21 ફેબ્રુઆરીના સાંજે 7:30 વાગે ફેમસ લોકગાયક હાર્દિક દવેનો સૂફી સંગીત સંધ્યાનું આયોજન કરેલ છે. જેમા આપણા ભાતીગળ સંસ્કૃતિના લોકગીતો, જુના ભજનોનો માર્મિક સંવાદ સાથે પોતાની આગવી શૈલીમાં સૂરો રેલાવશે. આ શોનું ખાસ આકર્ષણ વિન્ટેજ કારનું પ્રદર્શન હશે. જુના જમાનાની ગાડીઓનું ભવ્યાતિ ભવ્ય પ્રદર્શન પણ યોજાશે. જે મુલાકાતીઓમાં ખાસ આકર્ષણ જમાવશે.