કેનેડાના ઓકવિલે સ્થિત ફિલ્મ સીએ સિનેમા પર એક અઠવાડિયામાં બે વાર હુમલો થયો છે. બંને હુમલાઓમાં ભારતીય ફિલ્મોના સ્ક્રીનીંગ દરમિયાન આગચંપી અને ગોળીબારનો સમાવેશ થાય છે. પોલીસને શંકા છે કે આ હુમલા પાછળ ખાલિસ્તાની આતંકવાદીઓનો હાથ હોઈ શકે છે.
સવારે લગભગ 5:20 વાગ્યે, બે શંકાસ્પદોએ થિયેટરના પ્રવેશદ્વાર પર પેટ્રોલ છાંટીને આગ લગાવવાનો પ્રયાસ કર્યો. સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદો કાળા કપડાં અને માસ્ક પહેરેલા દેખાયા. તેઓ ગ્રે અને વ્હાઈટ એસયુવીમાં આવ્યા હતા અને હુમલા પછી ભાગી ગયા હતા. હુમલાખોરો પાસે લાલ કેન હતા અને તેને બહારથી આગચાંપી દીધી હતી. આગથી ઇમારતને થોડું નુકસાન થયું હતું, પરંતુ આગની જ્વાળાઓ અંદરના ભાગમાં પહોંચી ન હતી.
સવારે લગભગ 1:50 વાગ્યે, એક શંકાસ્પદે થિયેટરના પ્રવેશદ્વાર પર ગોળીબાર કર્યો. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોર ભારે શરીરવાળો હતો અને તેણે કાળા કપડાં અને માસ્ક પણ પહેર્યું હતું.
થિયેટરના સીઈઓ, જેફ નોલે જણાવ્યું હતું કે, કોઈએ ફક્ત એટલા માટે થિયેટરને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો કારણ કે અમે દક્ષિણ એશિયાઈ ફિલ્મો બતાવી રહ્યા હતા. પરંતુ અમે ઇચ્છીએ છીએ કે અમારો સમુદાય સુરક્ષિત અનુભવે, અને અમે દર્શકોને ફિલ્મ જોવાનો અનુભવ આપવાનું ચાલુ રાખીશું.
જોકે, પરિસ્થિતિને જોતાં, થિયેટરે સાવચેતી રૂપે બે ભારતીય ફિલ્મોનું સ્ક્રીનીંગ સ્થગિત કરી દીધું છે. થિયેટરના સીઈઓ કહે છે કે તેઓ દબાણ સામે ઝૂકવા માંગતા નથી, પરંતુ તેમના દર્શકો અને સ્ટાફની સલામતી તેમની ટોચની પ્રાથમિકતા છે. હેલ્ટન પોલીસે બંને હુમલાઓને લક્ષ્યાંકિત ગણાવ્યા છે અને આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.