દક્ષીણ અમેરિકામાં દેશ સુરીનામની રાજધાની પેરામારિબોમાં એક અજીબ ઘટના બની હતી.જેમાં હુમલાખોરે ચાકુથી હુમલો કરી પોતાના 4 બાળકો ઉપરાંત અન્ય 5ની હત્યા કરી નાખી હતી.પોલીસના જણાવ્યા અનુસાર છેલા કેટલાક વર્ષોમાં બનેલી અમુક ઘાતક હુમલાના બનાવોમાની આ એક છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃતકોમાં હુમલાખોરના બાળકો અને તેમની મદદ માટે આવેલા પડોશીઓનો સમાવેશ થાય છે. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે પીડિતો ઘણા ઘરોમાં મળી આવ્યા હતા. આ હુમલો કોમેવિજ્ને જિલ્લાના રિચેલીયુમાં થયો હતો, જે પેરામારિબોથી લગભગ 25 કિલોમીટર (15 માઇલ) પૂર્વમાં છે. પડોશીઓએ જણાવ્યું હતું કે 43 વર્ષીય શંકાસ્પદ વ્યક્તિની તેની પત્ની સાથે ફોન પર દલીલ થયા પછી હુમલો શરૂ થયો હતો.
બાળકો પર હુમલો કર્યા પછી, હુમલાખોર પડોશીઓના ઘરમાં ઘુસ્યો
પડોશીઓએ જણાવ્યું હતું કે જ્યારે હુમલાખોર વ્યક્તિની પત્નીએ કહ્યું કે તે બાળકોને લેવા નહીં આવે પરંતુ બીજા કોઈને મોકલશે, ત્યારે હુમલાખોરે તેના બાળકો પર છરીથી હુમલો કર્યો અને આટલું ઓછું હોય તેમ પડોશીઓના ઘરમાં પણ ઘૂસી ગયો અને ત્યાં પણ ચાકુબાજી કરી.સુરીનામ પોલીસે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શંકાસ્પદે ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેની ધરપકડ દરમિયાન તે ઘાયલ થયો હતો. તે હાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને સ્વસ્થ થઈ રહ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે હુમલામાં છઠ્ઠું બાળક અને અન્ય એક પુખ્ત વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે અને પેરામારિબોની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
સુરીનામના રાષ્ટ્રપતિ, જેનિફર ગિયરલિંગ્સ-સિમોન્સે, પ્રતિક્રિયા આપતા કહ્યું કે હુમલાખોરે તેના બાળકો અને પડોશીઓનો જીવ લીધો. હું આ અતિ મુશ્કેલ સમયમાં બધા શોકગ્રસ્ત પરિવારોને શક્તિ, ધીરજ અને સાંત્વનાની ઇચ્છા કરું છું.
સુરીનામ, જે એક સમયે ડચ વસાહત હતું, તે દક્ષિણ અમેરિકાનો સૌથી નાનો સ્વતંત્ર દેશ છે, જેની વસ્તી લગભગ 600,000 છે. પરંપરાગત રીતે આ પ્રદેશમાં હત્યાનો દર સૌથી ઓછો રહ્યો છે. પરંતુ થિંક ટેન્ક ઇનસાઇટ ક્રાઇમ દ્વારા સંકલિત ડેટા અનુસાર, 2024 માં હત્યાનો દર પ્રતિ 100,000 રહેવાસીઓ દીઠ 30 હત્યાઓ થવાનો અંદાજ છે.